Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

કરોડોની જમીન પચાવી પાડવા કોૈભાંડઃ તકરારી જમીન પર બાંધકામઃ રૈયાના વિનોદભાઇ પરમારની ફરિયાદ

દાદાની બોગસ સહીઓ કરી જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરી લેવાયાનો આરોપઃ પોલીસ કમિશનરને ૨૫ લોકોના નામ જોગ લેખિત ફરિયાદ કરી ગુનો નોંધવા માંગણી કરાઇ

રાજકોટ તા. ૨૩: રૈયામાં રહેતાં વિનોદભાઇ પરમારે પોતાના દાદા કે જેઓ હાલ હયાત નથી તેમના કબ્જાની કરોડોની જમીન બોગસ દસ્તાવેજોને આધારે પચાવી પાડવામાં આવ્યાની અને આ જમીનમાં તકરાર ચાલતી હોવા છતાં બાંધકામ ચાલુ થઇ જતાં આ અંગે જાહેર ચેતવણી તેમણે આપતાં દાવો પાછો ખેંચી લેવા ધમકીઓ આપવાનું શરૂ થતાં પચ્ચીસ જણાના નામ જોગ પોલીસ કમિશનરશ્રીને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

રૈયા ગામમાં રહેતાં જીલ્લા ભાજપના મંત્રી વિનોદભાઇ જીવણભાઇ પરમારે પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને લેખિત ફરિયાદ કરી છે. જેમાં આરોપી તરીકે સ્વ. સરોજીનીબેન રસિકલાલ દોશી, સ્વ. નવમાલિકાબેન મનોહરલાલ દોશી તથા સ્વ. સુશિલાબેન રમેશચંદ્ર દોશીના વારસદારો સહિત ૨૫ના નામો લખ્યા છે.

વિનોદભાઇએ લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે હું કુટુંબ સાથે રહુ છું અને મારા દાદા સ્વ. મુળાભાઇ વાલાભાઇના વારસદાર દરજ્જે છું. મારા દાદા સ્વ. મુળાભાઇએ રૈયાના સર્વે નં. ૪૯ની ખેતીની જમીન વેંચાણ દસ્તાવેજ અનુક્રમ નં. ૩૧૯૮૧ થી ૧૧/૧૨/૧૯૫૯ના રોજ ખરીદ કરી હતી. જે વેંચાણ દસ્તાવેજ અનુક્રમ નં. ૨૦૫૫૮ થી તા. ૨૪/૦૩/૧૯૬૦થી નોંધાયેલ છે. આ જમીન એકર ૭-૦૮ ગુંઠા ખરીદ કરી હતી.

શ્રી સરોજીની રસિકલાલ દોશી, નવમાલિકા મનોહરલાલ દોશી અને સુશિલાબેન રમેશચંદ્ર દોશીના નામનો અનુક્રમ નં. ૫૦૭૫થી ૩૦/૧૨/૧૯૬૬નો એકર ૦૪-૦૦ ગુંઠડાનો ફ્રોડ્યુલન્ટ અને ઇનલીગલ દસ્તાવેજ ઉભો કરાયો છે. અમે ફરિયાદીએ ૭/૦૨/૨૦૧૯ના રોજ માહિતી અધિકારી હેઠળ દસ્તાવેજો માંગતા પ્રથમ આ દસ્તાવેજ ફ્રોડ્યુલન્ટ અને ઇનલિગલ થયેલ છે તેની માહિતી મળતાં મળેલ દસ્તાવેજો ઉપરથી ખેતીની જમીન હોવા છતાં ત્રણેય વ્યકિતઓએ ખેડૂત ન હોવા છતાં પ્રથમથી જ વેંચાણ દસ્તાવેજ કરેલ છે. અમો ફરિયાદીના દાદા ૧૦/૦૮/૧૯૮૦ના અવસાન પામ્યા છે. દાદા અભણ હતાં અને અવસાન પામ્યા ત્યાં સુધી જમીન તેમના કબ્જામાં હતી. એ પછી ૨૦૧૯ સુધી અમારા કબ્જામાં હતી.

આ જમીન બળજબરીપુર્વ ધમકી આપી ખાલી કરાવાઇ છે. ૭/૨/૨૦૧૯ના રોજ માહિતી અધિકાર પાત્રથી મળતાં વેંચાણ દસતાવેજ જોતાં મુળજીભાઇ ઉર્ફ મુળાભાઇ વાલા તરીકીને સહી છે. હકિકતે મારા દાદા મુળજીભાઇ અભણ હતાં. તે માત્ર મુળજી વાલા સિવાય બીજુ લખી શકતા નહિ. જે સહી બોગસ દસ્તાવેજમાં છે તે  મારા દાદાની નથી. બોગસ બનાવટી સહી કરી દસ્તાવેજો કાગળો ઉભા કરાયા છે. અવેજની વિગતમાં રૂ. ૧૦૦૦ વેચાણના સાટા વખતે લખેલા છે. વેચાણનું સાટુ કઇ તારીખે રોકડા આપ્યા તેની કોઇ વિગત નથી.

આ ઉપરાંત રૂ. ૭૦૦૦ કઇ તારીખે રોકડા આપ્યા તેની પણ વિગત નથી. આમ તમામ બોગસ દસ્તાવેજો ઉભા કરાયા છે.   મારા દાદાની સહી નથી તેઓ ઓપિનિયન હેન્ડરાઇટીંગ એકસપર્ટએ પણ આપ્યો છે.

ત્હોમતદારોએ યુનિવર્સિટી રોડ પર આવેલી અને હાલ કરોડોની કિંમત થાય છે તે જમીન પર ચિત્રકુટ કો-ઓપ. હા. સોસાયટી લી. સાથે જમીનનો સાટાખત કરાકર કરી અમારી ફરિયાદીની કબ્જાવાળી જમીન સંબંધે સુચિત કો.-ઓપ. સોસાયટી બનાવી લીધી છે. તેમજ અન્ય સભ્યો બનાવ્યા હતાં. આ અંગે કોર્ટમાં દાવો પણ ચાલુ છે. દાવામાં કોર્ટ કમિશનર નીમી પંચનામુ થયેલુ અને દાવામાં કબ્જો કોનો છે તે પુરાવો લઇને નક્કી થઇ શકે તેવું મનાઇ હુકમની અરજીમાં ઠરાવ્યું છે. સરોજીની રસિકલાલ દોશી સહિતે તે પાછો ખેચી લીધો છે. અમો ફરિયાદીને દાવામાં જોડ્યા નહોતાં. ૨૦૧૮માં સમાધાનનું તરકટ કરી દાવો પાછો ખેંચી લીધેલ અને ૨૦૧૯માં અમો ફરિયાદીનો કબ્જો છોડાવેલ છે.

હાલમાં તકરારી જમીનમાં બાંધકામ ચાલુ કરવામાં આવ્યું છે. અમે આ સામે વાંધો ઉઠાવી વર્તમાનપત્રોમાં જાહેરનોટીસ આપતાં ફરીથી ધમકીઓનો દોર શરૂ થયો છે. વારંવાર અમને દાવો પાછો ખેંચી લેવા ધમકી અપાય છે. ૧૭/૧૧/૨૦ના ફરી ધમકી અપાતાં ફરિયાદ કરવી પડી છે. આ બાબતે આઇપીસી૪૬૫, ૪૬૬, ૪૬૭, ૪૬૮, ૫૦૬ (૨), ૧૧૪, ૧૨૦ (બી), એટ્રોસીટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવા અમારી લેખિત ફરિયાદ છે. તેમ વધુમાં વિનોદભાઇ પરમારે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે.

(3:31 pm IST)