Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

આજી ડેમ પાસે ૬૦ મકાનો તોડી પડાયાઃ કરોડોની જમીન ખુલ્લી

આ પહેલા ર૦ દિ' અગાઉ આજીડેમ નજીક ઓપરેશન કરાયેલઃ એક મહિનામાં કલેકટર તંત્રનું ચોથું સફળ ઓપરેશન... : પૂર્વ વિસ્તારના મામલતદાર દંગી અને સ્ટાફનું ઓપરેશનઃ ઝૂ ફોરેસ્ટી માટે ૧પ૬ એકર જગ્યા કલેકટરે ફાળવી હતી

આજી ડેમ ચોકડી નજીક આજી ડેમની પાછળની ભાગે સર્વે નં. ર૩૭ ની જગ્યામાં કુલ ૧પ૬ એકર જમીનમાંથી ૩પ૦૦ ચો.મી. જમીન ઉપર ઉભા થઇ ગયેલા ૬૦ જેટલા કાચા-પાકા મકાનો આજે તોડી પડાયા તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૩: એક મહિનામાં રાજકોટ જીલ્લા કલેકટર તંત્રે આજે ચોથું સફળ દબાણ ઓપરેશન હાથ ધરી કરોડોની ૩પ૦૦ થી ૪ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ હતી.

આજીડેમ ચોકડી નજીક આજી ડેમના પાછળના ભાગે કિસાન-ગૌશાળા પાસેથી સરકારી અને કલેકટર તંત્રે કોર્પોરેશન તથા ફોરેસ્ટ ખાતાને ફાળવેલી કુલ ૧પ૬ એકર જગ્યા ઉપર દબાણ થઇ ગયાનું બહાર આવતા પૂર્વ વિસ્તારના ઇન્ચાર્જ મામલતદાર શ્રી દંગીએ નોટીસો ફટકારી હતી.

ઉપરોકત સર્વે નંબર ર૩૭ ની જગ્યા ઉપર અંદાજે ૬૦ જેટલા કાચા-પાકા મકાનો ઉભા થઇ ગયા હતા, આ તમામને નોટીસો અપાઇ હતી, આમ છતાં જગ્યા ખાલી નહિં કરતા આજે મામલતદાર શ્રી દંગી, સર્કલ ઓફીસર શ્રી ફીરોઝ બાંભણીયા અન્ય સ્ટાફ તલાટીઓ વિગેરે ત્રાટકયા હતા, પોલીસ બંદોબસ્ત-જેસીબી સાથે તમામ મકાનો તોડી પડાયા હતા, લોકોના ટોળા એકઠા થયા હતા, પરંતુ તંત્રે ઓપરેશન બપોર સુધીમાં પાર પાડી ૩પ૦૦ ચો.મી.થી વધુ જમીન ખુલ્લી કરાવી હતી.

આમ, તો આ દબાણ ઓપરેશન ગઇકાલે થવાનું હતું, પરંતુ ગઇકાલે સાંજે પોલીસ બંદોબસ્ત નહિં મળતા આજે સવારે આ ઓપરેશન હાથ ધરાયું હતું.

અત્રે એ નોંધનીય છે કે આ પહેલા ર૦ દિવસ પહેલા આ જ વિસ્તારમાં અર્બન ફોરેસ્ટી માટે અપાયેલ જમીન ઉપર ૮૦ જેટલા મકાનો-ઝુપડા-કોર્મશીયલ ધંધાર્થીઓનું દબાણ ઉભું થઇ ગયું હતું, તે દૂર કરાયું હતું, એ પહેલા પશ્ચિમ મામલતદાર અને દક્ષિણ મામલતદારે દબાણો હટાવ્યા હતા, કલેકટર તંત્રે ૧ મહિનાના ગાળામાં ૪ સફળ દબાણ હટાવ ઓપરેશનો હાથ ધરી ૩૦ થી ૩પ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.

(3:14 pm IST)