Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

શબ્દ શૃંખલાઓ ચરણે ધરું

માનવને ગૌરવ અર્પી તમે આપ્યા અભિનંદન ઓ પાંડુરંગ! કરીએ તમને કોટિ કોટિ વંદન

''આસો સુદ સાતમ'' એટલે યુગપુરૂષ દાદાજીનું પૃથ્વી પર અવતરણ ! પૂજનીય દાદાજીનો તિથી મુજબનો જન્મદિવસ અને ''તત્વજ્ઞાન વિદ્યાપીઠ''નો સ્થાપના દિવસ! સ્વાધ્યાય કાર્યની વિવિધ પ્રવૃતિઓ અને પ્રયોગોની જનની એટલે ''તત્વજ્ઞાન વિદ્યાપીઠ''. આવી તીર્થભૂમિને આજે નમસ્કાર કરીએ.

દાદાજીનો જન્મદિવસ ''મનુષ્ય ગૌરવ દિન'' એટલે તો, પ્રત્યેક સ્વાધ્યાયી માટે દિવાળી જ ! આ દિવસ ઘરે ઘરે રંગોળીઓ થઈ, દીવડા પ્રગટ્યાં, ગીતો ગવાયાં અને પ્રત્યેક વ્યકિતએ કૃતજ્ઞતાપૂર્વક દાદાજીને નમસ્કાર કર્યા. કારણકે દાદાજીએ યુગપ્રવર્તક કાર્ય કર્યું છે ! દાદાજી એવા સમયમાં આવ્યા કે જયારે- માણસને પોતાને મનુષ્ય જન્મ કેમ મળ્યો તેવો પ્રશ્ન જ મનમાં નહોતો, તો પછી ગૌરવની તો વાત જ કયાં કરવી? મને માણસનો જન્મ કેમ મળ્યો? જીવન કેવું હોવું જોઈએ? પ્રભુએ આપેલી બુદ્ઘિશકિતનો ઉપયોગ શેમાં કરવો જોઈએ? આવી કોઈ ખબર જ સામાન્ય માનવીને નહોતી. તેવા સમયે માનવને દાદાજીએ પ્રભુસ્પર્શની સમજ આપી, માનવને ગૌરવ તરફ લઈ ગયા. આ કેટલું કઠિન કામ છે તેની જરા કલ્પના કરો. સમગ્ર માનવજાત માટે દાદાજીએ લોહીનું પાણી અને હાડકાનું ખાતર કર્યું. દરેકને નિરપેક્ષ અને નિરાકાંક્ષ પ્રેમ આપ્યો.

ભગવાનનો નિરપેક્ષ અને નિરકાંક્ષ પ્રેમ પણ માનવને સમજાવનાર તો દાદા જ ! ભગવાનને માણસ પાસેથી શું જોઈએ છે? કશું જ નહીં. છતાં પ્રત્યેકને તે ઉઠાડે છે, તેનું ખાધેલું પચાવે છે અને તેને સુવાડે છે. આ ભગવદપ્રેમ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા દાદાજીએ 'ત્રિકાળ સંધ્યા'આપી. ત્રિકાળ સંધ્યા તે ભગવાનને માટે નહીં, પણ આપણા જીવન માટે આવશ્યક વાત છે.

ભગવાનનો પ્રેમ સમજાવવા દાદાજી ઘરે-ઘરે ગયા. આગરી, સાગરી, વાઘરી દરેકના ઘરે ગયા. પ્રેમ અને વિચારની ગંગા વહાવતી વખતે દાદાજીએ ધર્મ, જાતિ, રંગ, ભાષા કે આર્થિક સ્થિતિ જોયા નથી. તેમણે પદ, પ્રતિષ્ઠા, પૈસા, શારીરિક સૌંદર્ય જેવા બાહ્ય ઘરેણાઓને કયારેય મહત્વ આપ્યું જ નથી. ગરીબ-તવંગર, શિક્ષિત-અશિક્ષિત અને દરેક માણસના માટે તેમની દ્રષ્ટિ એક સમાન જ હતી. ઉદા. એક વખત આંતરરાષ્ટ્રીય કીર્તિ ધરાવતાં અર્થશાસ્ત્રના વિદ્વાન પોલ આઇકિન્સ સાથે દાદાજી ચર્ચા કરતાં હતાં, તેટલામાં ગામડાનો એક પાઘડી પહેરેલો કૃતિશીલ ત્યાં પહોંચ્યો. દાદાજી તેની સાથે વાત કરવામાં મશગુલ થઈ ગયા અને તે પણ તેટલી તન્મયતા સાથે કે પોલ આઇકિન્સ આશ્ચર્યચકિત થઈ ગયા. દાદાજીના હૃદયની સરળતા જોઈને તેમનું મન દાદાજી સામે આત્યંતિક આદરથી ઝૂકી ગયું. સ્વાધ્યાયમાં આવનાર વ્યકિતના દોષોનો વિચાર દાદાજીએ કયારેય કર્યો નહીં. પ્રત્યેક માણસ પ્રભુદત્ત છે, અને કયારેક બદલાશે જ- આ વિશ્વાસથી દાદાજી પ્રત્યેકને મળે છે.

આપણાં હાથથી જે ભગવદકાર્ય થઈ રહ્યું છે, અને આપણામાં જે પરિવર્તન આવી રહ્યું છે તેની પાછળ કેવળ દાદાજીની તપશ્યર્યા છે. મુંબઈની ખાડી હોય કે પછી કચ્છનું ધગધગતું રણ, ગમે તેટલી ઠંડી કે વરસાદ હોય, કોઈપણ શારીરિક તકલીફોનો વિચાર કર્યા વગર દાદાજી સતત દોડ્યા છે. દાદાજીએ આપેલાં રસ્તા પર આપણને સૌને ચલાવવાનું કાર્ય પૂજનીય દીદીજી કરી રહ્યાં છે. દીદીજી કહે, આવડું મોટું હિમાલય જેવુ ઉતુંગ વ્યકિતમત્વ સામાન્ય વ્યકિત માટે ઝૂકતાં મે આટલું નજદીકથી જોયું છે. માટે, ગમે તેટલું કરીએ પણ, તેમનું ઋણ ચૂકવી જ ના શકીએ. માત્ર વંદન કરી શકીએ.

વિશ્વમાનવને વંદના કરૃં, શબ્દ શૃંખલાઓ ચરણે ધરૃં.

(3:09 pm IST)