Gujarati News

Gujarati News

News of Monday, 25th September 2023

વિડીયો કોલ વખતે સળગી જનારી વિજયપ્‍લોટની સોનલનો જીવ ગયોઃ પસંદગીના યુવાન સાથે લગ્ન ન થવાથી પગલું

કોલેજ પુરી કરી ચુકેલી ૨૨ વર્ષની યુવતિનો સંપર્ક સોશિયલ મિડીયા થકી સોમનાથ તરફ રહેતાં યુવાન સાથે થયો હતોઃ પછી બંને વચ્‍ચે પ્રેમ પાંગર્યો હતો અને લગ્ન કરવા ઇચ્‍છતા હતાં: પણ યુવાનના પરિવારજનો રાજી ન હોઇ યુવતિએ દુઃખી થઇ મોત મેળવી લીધું : યુવતિ બે મહિનાની હતી ત્‍યારથી કાકાના પરિવાર સાથે રહેતી હતીઃ તેણીના પિતા મોરબી રોડ પર રહે છેઃ બુધવારથી સારવારમાં હતીઃ આજે વહેલી સવારે સિવિલ હોસ્‍પિટલમાં દમ તોડી દેતાં અબસાણીયા પરિવારમાં શોકની કાલીમા : કાકા વિજયભાઇએ કહ્યું-અમે લગ્ન કરાવી આપવા રાજી હતાં પણ યુવાનના પરિવારજનો રાજી નહોતાં

રાજકોટ તા. ૨૩: શહેરના વિજય પ્‍લોટમાં રહેતી એક યુવતિને સોશિયલ મિડીયા થકી એક યુવાન સાથે ઓળખાણ થયા બાદ પ્રેમ થઇ ગયો હોઇ બંને લગ્ન કરવા ઇચ્‍છતા હતાં. યુવતિના પરિવારજનો આ લગ્ન માટે રાજી હતાં, પણ યુવાનના સ્‍વજનો તરફથી ના આવી હોઇ ગયા બુધવારે સવારે આ યુવતિએ જેની સાથે તે લગ્ન કરવા ઇચ્‍છતી હતી એ પસંદગીના યુવાન સાથે વિડીયો કોલમાં વાત કરતાં કરતાં જ અગ્નિસ્‍નાન કરી લેતાં ગંભીર હાલતમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. દરમિયાન આજે વહેલી સવારે તેણીએ દમ તોડી દેતાં પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો.

બનાવની જાણવા મળેલી વિગતો એવી છે કે શહેરના વિજયપ્‍લોટ-૧૨/૨૭ના ખુણે રહેતી સોનલ ઉમેશભાઇ અબસાણીયા (ઉ.વ.૨૨) નામની યુવતિએ બુધવારે સવારે શરીરે કેરોસીન રેડી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને જયદિપભાઇ હુદડે એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. ધર્મેશભાઇએ નિવેદન નોંધવા તજવીજ કરી હતી. તેમજ યુવતિનું ડાઇંગ ડિકલેરેશન પણ લેવડાવ્‍યું હતું.

ત્રણ દિવસની સારવારને અંતે આજે ચોથા દિવસે વહેલી સવારે સોનલે દમ તોડી દીધો હતો. આ અંગે હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ અને તોૈફિકભાઇએ એ-ડિવીઝનમાં જાણ કરતાં એએસઆઇ કાજલબેન કે. માઢકે જરૂરી કાર્યવાહી કરી  પોસ્‍ટમોર્ટમ કરાવી મૃતદેહ સ્‍વજનોને સોંપ્‍યો હતો.

આપઘાત કરનાર સોનલના કાકા વિજયભાઇ બચુભાઇ અબસાણીયાએ જણાવ્‍યું હતું કે સોનલે થોડા સમય પહેલા જ કોલેજનો અભ્‍યાસ પુરો કર્યો હતો. સોનલ બે મહિનાની હતી ત્‍યારથી મારી સાથે જ રહેતી હતી. તેણીના પિતા ઉમેશભાઇ મોરબી રોડ વેલનાથપરામાં રહે છે. ઉમેશભાઇની સોનલ આગલા ઘરની દિકરી છે. તેને બીજા લગ્નથી બે દિકરા છે. કાકા વિજયભાઇએ વધુમાં જણાવ્‍યું હતું કે સોનલને છએક મહિના પહેલા સોશિયલ મિડીયા મારફત સોમનાથ તરફ રહેતાં યુવાન સાથે પરિચય થયો હતો અને બાદમાં બંને વચ્‍ચે પ્રેમ થઇ ગયો હતો. તેણીએ પોતે આ યુવાન સાથે લગ્ન કરવા ઇચ્‍છે છે તેવું કહેતાં મેં અને તેના પિતાએ હા પાડી હતી. યુવાન પણ લગ્ન માટે રાજી હતો. પરંતુ કોઇ કારણોસર આ યુવાનના પિતા લગ્ન માટે રાજી નહોતાં.

આ પછી સોનલ ચિંતામાં હતી અને બુધવારે સવારે તે સળગી ત્‍યારે એ યુવાન સાથે વિડીયો કોલ ચાલુ જ હતો. વાત કરતાં કરતાં જ તેણીએ આ પગલુ ભરી લીધાનું વધુમાં કાકા વિજયભાઇએ જણાવ્‍યું હતું. લાડકવાયી દિકરીના આ પગલાથી પરિવારજનોમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. આ બનાવમાં પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. યુવાનનું નામ પોતે જાણતાં ન હોવાનું કાકાએ કહ્યું હતું. મોબાઇલ ફોનને આધારે આ બનાવમાં તપાસ થવાની શક્‍યતા છે.

(11:53 am IST)