Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

આજથી જૈનોના ચાતુર્માસનો મંગલ પ્રારંભઃ ભકિત-આરાધનાની હેલી

જૈનો તપ-ત્યાગ-ધર્મ આરાધના દ્વારા પુણ્યનું ભાથું બાંધશે

રાજકોટ તા. ર૩: આજથી જૈનોના ચાતુર્માસનો શુભારંભ થયો છે. ચોમાસાના ૪ મહિના દરમિયાન જૈન સમાજ ભકિત-આરાધના કરશે. હાલ કોરોનાને લીધે ગાઇડ લાઇન મુજબ ધર્મસ્થાનકોમાં ધાર્મિક આયોજનો કરાશે. તપ, ત્યાગ અને ધર્મની આરાધનામાં જૈનો લીન થશે.

આજથી ચાતુર્માસ શરૂ થયો છે એટલે જૈન ગુરૂ ભગવંતોના પ્રવેશ પૂર્ણ થઇ ગયા છે. અલગ-અલગ સ્થાનકોમાં સાધુ-સાધ્વીજીઓના વ્યાખ્યાનો યોજાશે. સવારે અને સાંજે ધાર્મિક અનુષ્ઠાનો, પ્રતિક્રમણ યોજાશે. ચાર મહિના જૈનો ધર્મ આરાધના દ્વારા પુણ્યનું ભાથું બાંધશે.

રાજકોટ ખાતે પૂ. આ.ભ. યશોવિજયજી મહારાજ જાગનાથ સંઘમાં ચાતુર્માસ પ્રવેશ કરેલ. જયારે રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા. આ.ઠા. પરમધામ મહારાષ્ટ્ર ખાતે, પૂ. સુશાંતમુનિ મ.સા. તથા પૂ. પારસ મુનિ મ.સા. ગોંડલ ખાતે ચાતુર્માસનો લાભ આપી રહ્યા છે.

ઉપરાંત રાષ્ટ્રસંત પૂ. કમલમુનિ મ.સા. આ.ઠા. રાજકોટના મનહર પ્લોટ સંઘમાં બીરાજમાન છે. ઋષભદેવ સ્થા. જૈન સંઘ ખાતે સાધ્વી પ્રમુખા પૂ. ગુરૂણી ભગવંત પૂ. શ્રી પુષ્પાબાઇ મ. તથા તેમના સુશિષ્યાઓ, પૂ. કુસુમબાઇ મ.સ., પૂ. શ્રી મૈત્રીજી મ.સ., પૂ. કૃપાલીજી મ.સ., પૂ. રશ્મિતાજી મ.સ. આ.ઠા.-પ લાભ આપી રહ્યા છે.

હિરલ ગુરૂણી પરિવારના પૂ. ગુરૂણી ભગવંત બા. બ્ર. પૂ. શ્રી પુષ્પાબાઇ મ.સ.ના સુશીષ્યાઓ પૂ. શ્રી ચંદનબાઇ મ.સ., પૂ. શ્રી રત્નાજી મ.સ. તથા પૂ. શ્રી ત્રહજુતાજી મ.સ.આ.ઠા. શાંતિનાથ જૈન સંઘ ખાતે બીરાજમાન છે.

પૂ. રાજેશ મુનિ મ.સ. તથા તેમના સુશિષ્યો પૂ. રત્નેશમુનિ મ.સ., પૂ. તત્વજ્ઞ મુનિ મ.સ.આ.ઠા.-૩ પાર્શ્વનાથ સ્થા. જૈન સંઘ, જનતા સોસાયટી ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. 

(3:04 pm IST)