Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રેલનગરના ફ્રુટના ધંધાર્થી જયેશને લૂંટાયો નહોતો, બે મિત્રોએ જ પૈસા પડાવી લીધા'તા

પ્ર.નગર પોલીસે અનેક સીસીટીવી કેમેરા ચેક કરતાં સત્ય ખુલ્યું: ખોટુ બોલી પોલીસને ધંધે લગાડનારા જયેશ ઉદેશીના જ બે મિત્રો શકિતસિંહ અને નયનને સકંજામાં લેવાયા : જયેશ દેણામાં હોઇ મિત્ર શકિતસિંહ પાસે ૩ લાખ ઉછીના માંગતા તેણે નયન પાસેથી અપાવશે તેમ કહ્યું: બાદમાં 'ઉછીના જોઇતા હોય તો અમને થોડાક આપવા પડશે' કહી ૨૦ હજાર પડાવી લીધા'તા

રાજકોટ તા. ૨૩: રેલનગર મહર્ષી અરવિંદ ટાઉનશીપ એચ-વીંગ ૪૦૮ ચોથા માળે રહેતાં અને ફ્રુટની લારી કાઢી છુટક ધંધો કરતાં મુળ ગોંડલ કડીયા લાઇનના જયેશ પરષોત્તમભાઇ ઉદેશી (ઉ.વ.૩૪) નામના યુવાને તા.૨૦/૭ના રોજ રાતે દસેક વાગ્યે પોતાને રેલનગર પેટ્રોલ પંપ નજીક અજાણ્યા બે શખ્સોએ ધમકાવી છરી બતાવી રૂ. ૩૦ હજાર લૂંટી લીધાની પોલીસને મોૈખિક રજૂઆત કરતાં પોલીસે ખાનગીમાં તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ બનાવ લૂંટનો નહિ હોવાનું અને જયેશ પાસેથી તેના જ બે મિત્રોએ ઉછીના પૈસા આપવાના બદલામાં થોડા પૈસા આપવા પડશે તેમ કહી ધમકાવી છરી કાઢી રૂ. ૨૦ હજાર પડાવી લીધાનું ખુલતાં ગુનો નોંધી બંનેને પકડી લેવાયા છે.

જયેશે ૨૦મીએ રાતે પોલીસને ફોન કરી પોતે રેલનગર પેટ્રોલ પંપ પાસેથી ફ્રુટની લારી લઇને ઘરે આવતો હતો ત્યારે રાતના આશરે દસેક વાગ્યે બે શખ્સોએ આવી પોતાને છરી બતાવી ૩૦ હજાર લૂંટી લીધાની વાત કરી હતી. પોતે આ બેમાંથી કોઇને ઓળખતો નહિ હોવાનું પણ તેણે કહ્યુ઼ હતું. આથી પ્ર.નગર પોલીસે બનાવને ગંભીર ગણી ખાનગી રીતે તપાસ શરૂ કરી દીધી હતી. અનેક સીસીટીવી કેમેરા ચેક કર્યા હતાં. એ દરમિયાન એવી વિગતો ખુલી હતી કે જયેશને અજાણ્યા લૂંટારૂઓએ લૂંટી લીધો નથી. પરંતુ તેના જ બે મિત્રો તેની પાસેથી રૂ. ૨૦ હજાર પડાવી ગયા છે.

આ વિગતો પરથી જયેશને ફરિયાદી બનાવી પોલીસે તેના જ મિત્રો શકિતસિંહ દરબાર અને નયન વડોદરીયા સામે આઇપીસી  ૩૮૭, ૫૦૬ (૨), ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી બંનેને પુછતાછ માટે ઉઠાવી લીધા છે. જયેશે સાચી વિગતો જણાવતાં પોલીસને કહ્યું હતું કે શકિતસિંહ અને નયન મારા મિત્રો છે. શકિતસિંહને ૨૦મીએ સાંજે સાતેક વાગ્યે તે મારી રેકડીએ આવેલ ત્યારે કહેલું કે મારે દેણું થઇ ગયું છે અને ત્રણ લાખ રૂપિયાની જરૂર છે. જેથી શકિતસિંહે પોતે નયન પાસેથી ઉછીના લઇ આપશે તેમ કહ્યું હતું. એ પછી રાતના નવેક વાગ્યે હું મારી લારી લઇ ઘરે જતો હતો ત્યારે દર્શિલ ટાઉનશીપ પાસે રોડ પર શકિતસિંહ અને નયન બાઇક પર આવ્યા હતાં. શકિતસિંહે કહેલુ કે તારે ઉછીના પૈસા જોઇતા હોઇ તો અત્યારે થોડાક રૂપિયા અમને આપવા પડશે. જેથી મેં ના પાડતાં નયને છરી કાઢી હતી અને મારી નાંખવાની ધમકી આપી ગાળોદેતાં હું ડરી ગયો હતો અને ધંધાના ૨૦ હજાર હતાં તે શકિતસિંહને આપી દેતાં તેણે મને માર્યો નહોતો. તેમજ જો ફરિયાદ કરીશ તો મારી નાંખશું તેવી ધમકી આપી હતી. મને બીક લાગતાં મેં ફરિયાદ કરી નહોતી. સગા સંબંધીએ હિમ્મત આપતાં ફરિયાદ કરી હતી.

પીઆઇ એલ. એલ. ચાવડાની રાહબરીમાં પીએસઆઇ કે. ડી. પટેલ, એએસઆઇ સી. જે. ઝાલા, દેવશીભાઇ ખાંભલા સહિતની ટીમે તપાસ કરી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ કરી છે. 

(3:01 pm IST)