Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

સંતો પણ કહે છે, 'પાની પીવો છાન કે, ગુરૂ કરો જાન કે'

ગુરૂનો શબ્દ એટલે બ્રહ્મનો શબ્દ

ગુરૂ પરંપરાએ વિશ્વ માટે ભારતની સૌથી મોટી દેન છે, દરેક આધ્યાત્મિક સાધકના જીવનમાં અંગત ગુરૂ હોવા જ જોઇએ

સદ્દગુરુ એટલે સ્વયં બ્રહ્મ. ગુરુ કરુણા, જ્ઞાન અને પરમાનંદના મહાસાગર છે. તેઓ આપણા આતમને અજવાળનારા પ્રકાશપૂંજ છેે. સાધક જીવનનાં વિધ્ન, દુઃખ અને કલેશને નિવારનાર છે. સત્ય અને દિવ્ય પથના પ્રદર્શક છે. અજ્ઞાનનું નિવારણ કરનારા અને જ્ઞાન પ્રકાશ આપનાર જ્ઞાન કૃપાસ્ત્રોત છે . ઈશ્વર જન્મ આપે છે. કર્મોને આધીન માનવ આ જન્મ-મૃત્યુ જરા દુઃખ તથા દોષના ચકડોળે સદા ભ્રમિત રહે છે, પરંતુ ગુરુ જ આ જન્મ-મૃત્યુના આવાગમનથી મુકિત અને શાશ્વત ચિરંતન શાંતિ આપી શકે છે .

 ગુરુ અને ઈશ્વરમાં ભેદ જાણવો નહી. ગુરુનો શબ્દ એટલે બ્રહ્મનો શબ્દ. માટે જ કહ્યું છે કે , 'ગુરોરાજ્ઞા ન વિચારણીયમ ગુરૂની આજ્ઞા એટલે શિષ્ય એ કંઈ વિચાર કરવાનો જ નહીં. ભગવાન શ્રી રામ ઋષિ વસિષ્ઠને ત્યાં જઈ જ્ઞાન ઉપાર્જન કરવા ગયેલા. ગુરુએ જ તેમને આદિત્ય હૃધ્યની શિક્ષા અને દીક્ષા આપી. ભગવાન શ્રીકૃષ્ણ પણ ગુરુ શ્રી સાંદીપનિના શ્રીચરણે બેઠા હતા અને ચોસઠ કળાઓનું જ્ઞાન સંપાદન કર્યું હતું. મહાત્મા ઈસુએ જોર્ડન નદીના કિનારે દીક્ષા લેવા માટે જોનને શોધી કાઢ્યો હતો. દેવોને પણ બૃહસ્પતિ ગુરુ છે. પાંડવોને ગુરુદ્રો્ણાચાર્ય હતા. શિવાજીને ગુરુ રામદાસ હતા. દિવ્ય સંતો-અરહંતો અને મહંતોના ગુરુ દક્ષિણામૂર્તિ છે. 

ગુરૂ  પરંપરાએ વિશ્વ માટે ભારતની સૌથી મોટી દેન છે. પ્રત્યેક આધ્યાત્મિક સાધકના જીવનમાં અંગત ગુરુ હોવા જ જોઈએ.. પ્રારંભથી જ પરમાત્માને ગુરુ બનાવી શકાય નહી. માનવના ગુરુ માનવ જ હોઈ શકે. શ્રીરામકૃષ્ણ પરમહંસ કહેતા, ''ગુરૂને દિવસે જોવા, રાત્રે પણ નિરખવા, એકાંતમાં દેખવા, સમાજ વચ્ચે પણ જોવા.'' સંતો પણ કહે છે કે, 'પાની પીવો છાન કે, ગુરુ કરો જાન કે' છતાં એક વાત સ્પષ્ટ છે કૅ જો કોઈ મહાત્માના સાંનિધ્યમાં તેમની ઉપસ્થિતિમાં તમને શાંતિનો અનુભવ થાય, તમારા પુછ્યા વગર તમારી આંતરિક મનોવ્યથાનું નિવારણ થાય, જે કામ-ક્રોધ અને લોભથી મુકત હોય, સ્વાર્થ અને અહંકારરહિત અને નિષ્કપટ નિષ્પાપ જીવનના યાત્રી હોય તો સત્ત્વરે તેમને તમો તમારા ગુરુ પદે સ્થાપો.

 જે વ્યકિત માનસરોવર કે કૈલાસની યાત્રાએ જઈ આવ્યો હોય તે જ આપણીં તે યાત્રાનો ભોમિયો બની શકે. જેણે પોતાના આત્માને ઓળખ્યો છે અને સર્વત્ર એકમાત્ર તે જ પરમતત્ત્વનાં દર્શન કરતો હોય; છળ, દંભ અને કપટથી મુકત હોય તે જ સાચા ગુરુ થઈ શકે. નાવડી નાની હોય કે મોટું વહાણ હોય બંને ગંગા પાર લઈ જ જઈ શકે. માટે મારા ગુરુ મોટા તારા નાના એવો ભેદ રાખવો નહીં. કદીયે કોઈ પણ ગુરુની નિંદા કરવી નહીં. ગુરુમાં અપાર અને અખૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને નિષ્ઠા રાખવી. ગુરુ પ્રદત્ત મંત્ર, ગુરુ સ્વયં અને તમારા ઈષ્ટ આ બધું ભિન્ન નથી, એક જ છે, ગુરુનાં દર્શન કરો ત્યારે પ્રત્યક્ષ પરમાત્માનાં દર્શનની અનુભૂતિ કરો. અમારા ગુરુદેવ પૂજ્યપાદ શ્રીમત સ્વામી ચિદાનંદજી મહારાજ કહેતા, 'પૂજય પ્રમુખસ્વામીનું દર્શન એટલે પ્રત્યક્ષ હરિકૃષ્ણ મહારાજનું દર્શન એવો ભાવ રાખવો' એ તો જેવો ભાવ તેવો લાભ. આવો ગુરુતત્ત્વને જાણીએ-માણી રે અને અધ્યાત્મ પથના આ પ્રકાશસ્તંભને પ્રણમીએ. 

  • કાલે સ્વામી અધ્યાત્માનંદજીને ભાવવંદના-પાદુકાપુજનઃ 'અધ્યાત્મ અમૃતમ' ગ્રંથનું વિમોચન

 રાજકોટઃ પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજને ભાવાંજલિ અને ત્રણેય પૂજય સ્વામીજીની તા ૨૪ને  શનિવાર, ગુરુપૂર્ણિમા ને દિવસે, સાંજે ૪ થી  પાદુકા પૂજન થશે. ત્યારબાદ ૬  વાગ્યા થી પરમ પૂજય સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજીનું ગુરુનું જીવનમાં મહત્વ વિષય ઉપર ગુરુ પુર્ણિમા પ્રસંગને અનુરૂપ  પ્રવચન યોજેલ છે.

આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે હાઈકોર્ટના નિવૃત ન્યાયાધીશ અને હાલમાં ગુજરાત માનવ અધિકાર પંચના અધ્યક્ષ   શ્રી રવિભાઈ ત્રિપાઠી હાજર રહેનાર છે. આ પ્રસંગે પરમ પૂજય સ્વામી અધ્યાત્માનંદ સરસ્વતીજીના જીવન ઉપર તૈયાર થયેલ 'અધ્યાત્મ અમૃતમ' ગ્રંથનું પણ વિમોચન કરનાર છે.

આશ્રમના ચિદાનંદ ભવનના પ્રથમ માળે આવેલ સત્સંગ હોલ ખાતે સરકારી ગાઇડ લાઇન મુજબ કાર્યક્રમ યોજાશે.

૨૯ એપ્રિલ ૨૦૨૧ના દિવસે આ પુસ્તકની પહેલી નકલ ઉપર બાજ નજર રાખીને સ્વામીજીએ એડીટર અતુલ પરીખને વીડીયો અને ઓડીયો મેસેજ મોકલીને કહ્યું હતુ. 'અતુલભાઇ અભિનંદન તમે આ કોફી ટેબલ બુક માટે ઘણુ સુંદર કામ કર્યું છે. ૪૦૦ પાનાઓમાં અકલ્પનીય કાર્ય દેખાઇ રહયું છે. ગુરૂદેવે તમારા દ્વારા આ પુસ્તકની રચના અને નિર્માણમાં કાર્ય કર્યું છે. ઇશ્વર તમારી સાથે જ છે. તમે ખરેખર અભિનંદનને પાત્ર છે.

તેમણે કહયું હતુ 'સ્વામી અધ્યાત્માનંદ હોય કે ન હોય પણ અધ્યાત્માનંદ 'અધ્યાત્મ અમૃતમ' પુસ્તકના પાનાઓ દ્વારા લાંબા સમય સુધી જીવીત રહેશે.

તમારા પર ઇશ્વર આશીષ વરસાવશે. ઓમ નમો નારાયણ, નમો નારાયણ, નમો નારાયણ' પુસ્તક અંગે વધુ માહિતી માટે ફોનં નં.૦૭૯-૨૬૮૬૧૨૩૪, મો.૯૪૨૮૮ ૦૫૦૧૫ (વિરેન્દ્ર દાસ), મો.૯૯૦૯૦ ૩૨૯૧૦ (શ્રીનાંદી સાહેબ) નો સંપર્ક કરવો. 

  • શ્રી સ્વામી અધ્યાત્માનંદનો પરિચય

પરમપૂજય શ્રી સ્વામી શીવાનંદજી મહારાજે ૧૯૩૬માં ડીવાઇન લાઇફ સોસાયટીની સ્થાપના કરી હતી. શ્રી સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ સોસાયટીના ભૂતપૂર્વ પ્રમુખ પરમ પૂજય શ્રી સ્વામી ચીદાનંદજી મહારાજના શિષ્ય છે.

સ્વામીજીની અધ્યાત્મ યાત્રા ૧ જાન્યુઆરી ૧૯૭૧ ના રોજ શરૂ થઇ હતી અને તેમણે ૧૯૭૪માં સન્યાસ ગ્રહણ કર્યો હતો. ત્યારથી તેઓ ગુરુદેવની આજ્ઞાનુસાર ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન ભારતભરમાં પ્રાણાયમ, યોગ અને મેડીટેશન દ્વારા સતત ફેલાવતા રહયા છે.

તેઓ શીવાનંદ આશ્રમ અમદાવાદ અને ગુજરાત દિવ્ય જીવન સંઘના પ્રમુખ પણ છે. તેમણે અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૮૧૪ યોગાસન અને મેડીટેશનના કેમ્પ યોજાયા છે. તેઓ છેલ્લા ૬ દાયકાથી રેડીયો પર અને ૫ દાયકાથી ટીવી ચેનલો પર યોગા અને પ્રવચનો આપતા રહયા છે.

તેમણે ગરીબ, બિમાર અને નીચલા વર્ગના લોકો માટે ૨૯૨ બ્લડ કેમ્પો દ્વારા ૬૯૫૪૨ રકતદાતાઓ પાસેથી ૨,૦૮,૬૨,૬૦૦ એમ એલ રકત એકત્રીત કર્યું છે. તેમણે પોતે પણ ૧૦૦ વાર રકત દાન કર્યું છે. આ ઉપરાંત પર્યાવરણ બચાવવા માટે તેમણે વિશ્વભર એક કરોડથી વધારે વૃક્ષો રોપ્યા છે.

તેમના આધ્યાત્મ જીવન દરમિયાન ગીતા, ઉપનિષદ, ભાગવત વગેરે પરના તેમના સાદી ભાષાના વકતવ્યોએ લાખો શ્રોતાઓને સ્પર્શયા છે. તેમનું ગુજરાતી ભાષાનું પુસ્તક ગીતા નવનીતમને ૨૦૦૩માં ગુજરાતી અને અન્ય વ્યસનોમાંથી મુકત કરવાનું તેમનું યોગદાન બહુઅમુલ્ય છે.

તેમને ઇન્ડિયા કેનેડા કલ્ચર એન્ડ હેરીટેજ  એસોસીએશન દ્વારા ૨૦૧૫માં લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ પણ અપાયો હતો. ૨૦૦૯માં તેમણે પ્રથમ ચીનના બૈજીંગમાં પ્રથમ શાકાહારી કોન્ફરન્સનું આયોજન કર્યું હતુ.

આ ઉપરાંત ૨૦૧૬માં તેમને 'જેમ ઓફ ઇન્ડિયા' અને ૨૦૧૭માં 'ગ્લોરી ઓફ ગુજરાત' જેવા એવોર્ડ પણ અપાયા હતા. ૨૦૧૯માં ગુજરાત રાજય ડાયમંડ જયુબીલી વર્ષમાં તેમને 'ગુજરાત રત્ન ગૌરવ' એવોર્ડથી સન્માનીત કરાયા હતા. 

(3:00 pm IST)