Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

રાજકોટ ડેરીનો નફો ૯.૬૧ કરોડ : ૧ ઓગસ્ટથી દૂધ ઉત્પાદકોને મળશે ભાવ વધારો

વાર્ષિક સામાન્ય સભામાં ગૌરવ ગાથા વર્ણવતા ગોરધનભાઇ ધામેલિયા : સભાસદ મંડળીઓને ૧૫ ટકા ડીવીડન્ડ : રોજની ૨ ટનની ક્ષમતાનો પનીર પ્લાન્ટ સ્થપાશે : દૂધની ગુણવતા ચકાસવા તમામ શિત કેન્દ્ર પર મશીન મુકાશે

રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (ડેરી)ની ઓનલાઇન વાર્ષિક સાધારણ સભામાં રાજકોટ ખાતેના સમારંભનું બેંકના ચેરમેન કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ દીપ પ્રાગ્ટય કરેલ તે પ્રસંગની તસ્વીરમાં ડેરીના અધ્યક્ષ ગોરધનભાઇ ધામેલિયા, પૂર્વ અધ્યક્ષ ગોવિંદભાઇ રાણપરિયા અને અન્ય સહકારી અગ્રણીઓ ઉપસ્થિત છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ,તા. ૨૩: રાજકોટ જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.ની ૬૧મી વાર્ષિક સાધારણ સભા આજે ધી ગ્રાન્ડ ઠાકર હોટલ -રાજકોટ મુકામે સરકારની કોવિડ-૧૯ની માર્ગદર્શિકા મુજબ ઓનલાઇન વિડીયો કોન્ફરન્સ માધ્યમથી રાખવામાં આવેલ. જેમાં મોટી જાહેરાતો કરાયેલ છે. પ્રમુખસ્થાન રાજ્યનાં કેબીનેટ મંત્રીશ્રી રાદડીયાએ સંભાળેલ હતું. સાધારણ સભાની કાર્યવાહી દૂધ સંઘના અધ્યક્ષશ્રી ગોરધનભાઇ ધામેલીયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં દૂધ સંઘનાં પૂર્વ અધ્યક્ષશ્રી ગોવિંદભાઇ રાણપરીયા, વાંકાનેર વિસ્તારના ધારાસભ્યશ્રી મહમદજાવીદ પીરજાદા, રાજોટ ડિસ્ટ્રી. કો-ઓપ. બેંકના વા.ચેરમેન મગનભાઇ વડાવીયા મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામ ખાટરીયા, રાજકોટ જિલ્લા સહ. ખ.વે. સંઘનાં ચેરમેનથી મગનભાઇ ઘોણિયા જિલ્લા સહકારી સંઘનાં ચેરમેન શ્રી પ્રવિણભાઇ રૈયાણી, રાજકોટ જિલ્લા સહકારી પ્રેસનાં ચેરમેન રવજીભાઇ હિરપરા, જિલ્લા પંચાયત, રાજકોટના પૂર્વ પ્રમુખશ્રી ડો.ડાયાભાઇ પટેલ, રાજકોટ ડિસ્ટ્રી. કો.ઓપ. બેંક ડિરેકટર લલીતભાઇ રાદડીયા તેમજ દૂધ સંઘ અને રાજકોટ ડિસ્ટ્રી. કો.ઓપ બેંકના ડિરેકટરશ્રીઓ હાજર રહ્યા હતા. સંઘની સભાસદ મંડળીઓના પ્રમુખ મીટીંગમાં ઓનલાઇન હાજર રહેલ હતા.

રાજકોટ દૂધ સંઘનાં અધ્યક્ષશ્રી ગોરધનભાઇ ધામેલીયાએ જણાવેલ હતુ કે કોરોના મહામારી પરિસ્થિતીમાં પણ સંઘના ટર્નઓવરમાં ગત વર્ષની સરખામણીએ ૮.૫૯ % વધારો થયેલ છે. તેમજ સંઘનુ દૂધ સંપાદન ૧૧ % વધેલ છે. સંઘે પ્રતિ કિલો ફેટે રૂ. ૬/-  'મિલ્ક ફાઇનલ પ્રાઇઝ' માટે રૂ. ૫.૭૩ કરોડ દૂધ ઉત્પાદકોને ચૂકવવાનો નિર્ણય  કરેલ છે. સંઘે સરેરાશ કિલોફેટનો ભાવ રૂ. ૬૬૫/- ચુકવેલ છે. જેમાં ગત વર્ષની સરખામણીએ રૂ. ૯ વધારો થયેલ છે. સંઘનો ચોખ્ખો નફો રૂ. ૯.૬૧ કરોડ થયેલ છે. જેમાંથી સભાસદ મંડળીઓને ૧૫ ટકા લેખે શેર ડિવિડન્ડની રકમ રૂ. ૪.૪૨ કરોડ ચુકવવામાં આવશે.

સંઘે છેલ્લા ૨૦ વર્ષથી દૂધ ઉત્પાદકોને દર વર્ષે સરેરાશ કિલો ફેટ વધુ ભાવ ચુકવેલ છે. ૧૦ વર્ષ પહેલા સને ૨૦૦૯-૧૦ માં સરેરાશ ખરીદભાવ રૂ. ૩૨૧ હતો. તે સને ૨૦૨૦-૨૧માં રૂ. ૬૬૫ એટલે કે બમણો થયેલ છે. દૂધ સંઘે હંમેશ દુધ ઉત્પાદકોના આર્થિક હિતને ધ્યાનામં રાખીને નિણર્યો કર્યા છે. અને ભવિષ્યમાં પણ દૂધ ઉત્પાદકોના સર્વાગી વિકાસને ધ્યાનમાં રાખીને દૂધ સંઘ દ્વારા આયોજન કરવામાં આવશે.

 ગોરધનભાઇએ જણાવ્યું હતુ કે સંઘ દર વર્ષે ગ્રાહક વર્ગની માંગને ધ્યાનમાં રાખીને અમુલ/ગોપાલ બ્રાન્ડમાં નવી પ્રોડકટ બજારમાં વેચાણ માટે મુકેલ છે. સંઘે આ વર્ષે અમુલ સ્લીમ એન્ડ ટ્રીમ દૂધનું પેકીંગ લોન્ચ કરેલ છે. સંઘે ગત વર્ષે ગોપાલ સલ્લીનું ઉત્પાદન અને વેચાણ શરૂ કરેલ જેમાં વેચાણમાં ગત વર્ષની સરખામણીએ ૧૪૩ ટકાનો વધારો થયેલ છે અને દહીંના વેચાણમાં ૨૧ ટકાનો વધારો નોંધાયેલ છે. સંઘે ગોપાલ બ્રાન્ડની બધી જ પ્રોડકટ એક જ સ્ટોરમાંથી મળી રહી તે હેતુથી અમુલ પાર્લરની જેમ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરેલ છે અને રાજકોટ શહેરમાં વધુ રાજકોટ ડેરી પાર્લર શરૂ કરવાનું આયોજન છે.

કોરોના મહામારીની પરિસ્થિતીમાં પણ સંઘે ૮૯૨ કાર્યરત દૂધ મંડળીઓમાંથી પ્રતિ દિવસ સરેરાશ ૪.૪૭ લાખ લીટર દૂધ સંપાદન કરેલ છે. જે ગત ગર્ષની સરખામણીએ ૧૧ ટકા વધુ છે. તેમજ આગામી વર્ષમાં પણ દૂધ સંપાદનમાં વધારો થાય તે માટે સંઘનું નિયામક મંડળ હંમેશા પ્રયત્ન રહેેશ. સંઘ પશુપાલનની તકનીકી સેવાઓ મારફતે દૂધ ઉત્પાદકો માટે પશુ સંવર્ધન, સારવાર અને માવજતમાં કાર્યક્રમો કરવામાં આવે છે.

સંઘ અકસ્માતે અવસાન પામતા દૂધ ઉત્પાદકોના વારસાદારોને આર્થિક સહયોગ આપવા તેની સાથે જોડાયેલા ૪૦ હજાર દૂધ ઉત્પાદકોને રૂ. ૧૦ લાખના વિમા કવચની રક્ષિત કરે છે. જેનું ૧૦૦ ટકા વિમા પ્રિમીયમ સંઘ, ભોગવે છે. સંઘ સને ૨૦૨૦-૨૧ ના વર્ષમાં દૂધ ઉત્પાદકો વતી રૂ. ૧.૨૯ કરોડનું વીમા પ્રિમીયમ ભોગવેલ છે. તેમજ આ વર્ષે પણ રૂ. ૧૦ લાખનું અકસ્માત વિમા કવચ ચાલુ રાખવાની જાહેરાત કરેલ હતી.

દૂધ સંઘનાં મેનેજીંગ ડીરેકટરશ્રી વિનોદ વ્યાસે જણાવેલ હતુ કે સંઘનું દૂધ સંપાદન આગામી વર્ષમાં ૫ % વધારો થાય તે માટે દૂધ મંડળી અને દૂધ ઉત્પાદક કક્ષાએ વ્યવસ્થિત આયોજન કરવામાં આવશે જે માટે દુધાળા પશુઓમાં દૂધ ઉત્પાદકતા વધારવા, દૂધ ઉત્પાદકો નવા પશુઓની ખરીદી કરે તે માટે પ્રોત્સાહન આપવા અને દૂધ મંડળી સિવાય અન્ય જગ્યાએ દૂધ ભરતા ગ્રાહકો દૂધ મંડળીમાં ભરાવે તે માટેના પ્રયત્નો કરવામાં આવશે. દૂધ અને દૂધની બનાવટોના વેચાણમાંથી નફો મેળવીને દૂધ ઉત્પાદકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે તે માટે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ વધારવા આયોજન કરવામાં આવશે જે માટે ૩૦૦૦ થી વધુ વસ્તી ધરાવતા ગામોમાં નવી એજન્સીઓ મારફતે દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ શરૂ કરવાામં આવશે. હાલ બજારમાં પનીરની માંગને ધ્યાનમાં રાખીને પ્રતિ દિન ૨ ટન કેપેસીટીનો પનીર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન છે. આ પનીર પ્લાન્ટ રાજ્ય સરકારના પશુપાલન વિભાગની સહાય યોજના હેઠળ સ્થાપવામાં આવશે. દૂધની ગુણવતાની ચોકસાઇપૂર્વક ચકાસણી થાય તે માટે તમામ શીત કેન્દ્ર/યુનિટો ઉપર આધુનિક FT મશીન રાજ્ય સરકારશ્રી ગ્રાન્ટમાંથી ખરીદ કરીને મુકવાનું આયોજન છે.

મુશ્કેલીના સમયમાં દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાનમાં રાખીને સહકાર આપવા બદલ ફેડરેશનના ચેરમેન શામળભાઇ પટેલ, મેનેજીંગ ડિરેકટર આર.એસ.સોઢી જન મેનેજર (એએફડી) શ્રી અનીલ ભાયાતી અને સંબંધિત અધિકારીઓનો આભાર માનુ છું તેમ વિનોદ વ્યાસે જણાવ્યું હતું.

દૂધ સંઘના પૂર્વ અધ્યક્ષશ્રી ગોવિંદભાઇ રાણપરીયાએ જણાવ્યું હતુ કે સંઘે હંમેશા દૂધ સંપાદન અને દૂધ તથા દૂધની બનાવટોના વેચાણમાં વધારો થાય તેવો પ્રયત્નો કરેલ છે. સંઘે રૂ. ૧ લાખના વિમા કવચની અકસ્માત વિમા યોજનાની શરૂઆત કરેલ હતી. તે વીમા કવચ ઉત્પાદકોના હિતમાં રૂ. ૧૦ લાખ કરવામાં આવેલ.

રાજ્યના કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ જણાવેલ હતુ કે જિલ્લાની સહકારી સંસ્થાઓને સાથે રાખીને જિલ્લાની સહકારી પ્રવૃતિ ઉતરોતર વિકાસ પામે અને ખેડૂતો તથા પશુપાલકોને વધુને વધુ લાભો મળે તેવા મારા પ્રયત્નો રહ્યા છે. બેંક તેની સાથે જોડાયેલા લાખો ખેડૂતો સભાસદોનો રૂ. ૧૦ લાખના અકસ્માત વિમો ઉતરાવીને ખેડૂતોને વીમાથી રક્ષિત કરવામાં આવે છે. દૂધ સંઘ દ્વારા પણ તેની જોડાયેલ પશુપાલકોને આર્થિક લાભ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવે છે તેમજ દર વર્ષે પશુઓ માટે સારવાર અને માવજતના કાર્યક્રમોમાં કરોડ રૂપિયા ખર્ચ કરી પશુપાલન વ્યવસાય વિકસે તે માટે પ્રયત્નો કરે છે.આગામી સમયમાં પણ દૂધ અને તેની બનાવટોના વેચાણ વધારવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરી દૂધ ઉત્પાદકોને વધુમાં વધુ ભાવો મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે. દૂધ સંઘે દૂધમાં ભેળસેળ બાબતે કડક વલણ અપનાવેલ છે. તેમાં કોઇ જાતની બાંધછોડ કરવામાં આવશે નહિ. માટે બધી જ દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદકોને સારી ગુણવતાવાળુ દૂધ મોકલવા અપીલ કરૃં છું.

  • ડેરીમાં અધ્યક્ષ ગોરધનભાઇ ગમે ત્યારે ત્રાટકે છે
  • 'શુધ્ધ' ઇરાદાના વહીવટથી ભેળસેળને બ્રેકઃ કડકાઇ, કુનેહ અને કરકસરનો કરીશ્મા

રાજકોટ,તા. ૨૩: જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી)ની આજની વાર્ષિક સાધારણ સભામાં પ્રગતિની આંકડાકીય ઝલક દર્શાવવામાં આવેલ. અધ્યક્ષ ગોરધનભાઇ ધામેલિયાના કાર્યકાળના પ્રથમ વર્ષના સરવૈયા સમાન અહેવાલમાં નેતૃત્વ પરિવર્તન પછીની અસર દેખાઇ આવે છે. કેબીનેટ મંત્રી જયેશ રાદિડયાની રાહબરીમાં ડેરી પ્રગતિના પંથે છે. બમણો નફો ધ્યાન ખેચે છે. અધ્યક્ષ ગોરધનભાઇ ડેરીમાં નિયમિત હાજરી આપે છે. ઉપરાંત કયારેક મોડી રાત્રે કે વહેલી સવારે અણધારી મુલાકાત લઇ ગતિવિધિની જાણકારી મેળવે છે. દૂધમાં ભેળસેળની તપાસ માટે ડેરીમાં ૬ આધુનિક મશીનો કાર્યરત છે. ભૂતકાળ કરતા વધુ ધોસ બોલાવાતા ભેળસેળને બ્રેક લાગી ગઇ છે. ભેળસેળવાળા દૂધના ટેન્કરમાં રંગ નાખીને લાભાર્થી તત્વોના મોઢાના રંગ ઉડાડી દયે છે. છેલ્લા ૧ વર્ષમાં કોઇ નવી કર્મચારી ભરતી થઇ નથી. કરકસર, કડકાઇ અને કુનેહનું સારૃં ફળ દેખાય છે. 

  • દૂધમાં ભેળસેળ બિલકુલ નહિ ચલાવાય : રાદડિયાનો પુનરોચ્ચાર

રાજકોટ : જિલ્લા ડેરીની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે જિલ્લા બેંકના ચેરમેન અને રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ ઉદ્બોધનમાં જણાવેલ કે દૂધ એ જનઆરોગ્ય સાથે જોડાયેલી બાબત છે. મે અગાઉ પણ કહ્યુ હતુ અને હજુ કહુ છું કે દૂધમાં ભેળસેળ બિલકુલ ચલાવી લેવાશે નહિ. ભેળસેળ સામે કડક વલણ અફર છે. જે દૂધ મંડળી ચેતવણી છતા નહિ ચેતે તેનુ દૂધ ડેરીમાં કાયમી ધોરણે લેવાનું બંધ કરતા અચકાશુ નહિ. 

(2:54 pm IST)