Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

પી.જી.વી.સી.એલ.ના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવાના ગુનામાં આઠ આરોપીઓની જામીન અરજી નામંજુર

આરોપીઓના ગુનાને હળવાશથી લઇ શકાય તેમ નથી : સેસન્‍સ જજ યુ.ટી.દેસાઇનો ચુકાદો

રાજકોટ તા. ૨૩ : પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ ચેકીંગમાં ગયા ત્‍યારે પી.જી.વી.સી.એલ.ના કર્મચારી હોવાનું જાણતા હોવા છતાં ફરજમાં રૂકાવટ કરી હુમલો કરવાના કિસ્‍સામાં મહિલા આરોપી સહિત આઠેય આરોપીઓની જામીન અરજી સેશન્‍સ અદાલતે ફગાવી દીધી હતી.આ કેસની હકીકત એવી છે કે, તા. ૧૧/૦પ/ર૦રર ના રોજ પી.જી.વી.સી.એલ.ના કર્મચારી ભાર્ગવભાઈ નંદલાલ પુરોહિત જુનાગઢ વિજીલન્‍સ વિભાગમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજવતા હતા. તેઓ મોવીયા મુકામે રહેતા આરોપી ધીરૂભાઈ મેપાભાઈ તળપદાને ત્‍યાં ચેકીંગ કરતા તેઓને ચેકીંગ નહિ કરવા દઈ માર મારી, ગાળો આપી, ધમકી આપી, પોતાના કાયદેસરની ફરજ નહિ બજાવવા ન દઈ હુમલો કરતા ત્‍થા તેની સાથેની અન્‍ય ટીમો ત્‍યાં આગળ આવતા તેના ઉપર હુમલો કરતા પડધરી પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવેલી.

આ અંગે તમામ આરોપીઓએ પડધરી કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી. જે જામીન અરજી પડધરીના ન્‍યાયમુર્તી શ્રી વી. વી. શુકલાના મંજુર કરેલ હતી. સદરહું જામીન અરજી નામંજુર થતા પડધરી કોર્ટના હુકમ સામે અત્રેની અદાલત જામીન અરજી દાખલ કરેલ. જામીન અરજી દાખલ કરતા સેશન્‍સ જજ શ્રી યુ.ટી.દેસાઈની અદાલતમાં સુનવણી નીકળતા પી.જી.વી.સી.એલ. તરફથી એન્‍જીનીયર શ્રી ધડુકે વિગતવાર સોંગદનામુ કરેલ હતું અને જણાવેલ હતુ કે, ર૦૦૬ માં પણ હાલના આરોપી નં. ૧ એટલે કે ધીરૂભાઈ મેપાભાઈ તળપદા વિજચોરી કરતા પકડાયેલ હતા. તેમજ જે દિવસે હુમલો કરેલ તેજ દિવસે તેઓના કારખાનામાં પણ વિજચોરી પકડાયેલ હતી. તેથી આરોપીઓએ વિજકર્મચારી હોવા છતા અને વિજકર્મચારી વિજચેકીંગમાં આવેલ હોવાનું જાણતા હોવા છતા તેઓ ઉપર એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરેલ હતો.

સદરહું હુમલાના અનુસંધાને પોલીસે આરોપીઓ ધીરૂભાઈ મેપાભાઈ તળપદા, ચીરાગભાઈ હેમંતભાઈ તળપદા, ભારતીબેન ધીરૂભાઈ તળપદા,  જીગ્નાબેન ચેતનભાઈ તળપદા, રમેશભાઈ મેપાભાઈ તળપદા, રમેશભાઈ લીંબાભાઈ તળપદા, મુકેશભાઈ ચનાભાઈ બુસા, સંજયભાઈ જીવરાજભાઈ સુદાણીની ધરપકડ કરેલ હતી. સદરહું ધરપકડ થતા તમામ આરોપીઓએ પડધરીના મહે. નીચેની કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. પડધરીના ન્‍યાયમુર્તીશ્રીએ આરોપીઓની જામીન અરજી ગુન્‍હાની ગંભીરતા ત્‍થા આરોપીઓની વર્તણુકને જોઈને નામંજુર કરેલ હતી. જે હુકમથી નારાજ થઈ આરોપીઓએ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી. જામીન અરજી ફગાવી દેતા અદાલતે જણાવેલ છે કે, ‘હાલના આરોપીઓએ જે રીતનું કુત્‍ય કરેલ છે. તેને હળવાશથી લઈ શકાય નહિ તેને કોઈ લીર્બટી છુટછાટ આપવાની જરૂર જણાતી નથી અને હજુ તપાસ ચાલુ છે એટલે જરૂર જણાયે આરોપી ફરી વખત જામીન અરજી માટે પ્રયત્‍ન કરી શકે છે તેમજ આરોપીએ અગાઉ પણ વીજચોરી કરેલ છે. તમામ હકિકત જોતા આરોપીઓ સામેનો ગુન્‍હો ગંભીરતા ઘ્‍યાને લઈ આરોપીઓની જામીન અરજી ન્‍યાયમુર્તીશ્રી યુ.ટી. દેસાઈએ નામંજુર કરેલ છે. તેમજ પી.જી.વી.સી.એલ. પક્ષ તરફથી તેમના વકીલ શ્રી મગદાણીએ વિગતવાર સોંગદનામુ રજુ કરી, તમામ દસ્‍તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા. જે દસ્‍તાવેજો પુરવાઓને ઘ્‍યાને લઈ આરોપીઓની વર્તણુકને ઘ્‍યાને લઈ તેમજ સરકારી વકીલશ્રીની દલીલોને ઘ્‍યાને લઈ અને જામીન અરજી ફગાવી દીધેલ હતી.

 આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ મુકેશભાઈ પીપળીયા રોકાયેલ હતા. તેમજ મુળ ફરીયાદી પી.જી.વી.સી.એલ. વતી રાજકોટના ધારાશાસ્‍ત્રી જીતેન્‍દ્ર એમ. મગદાણી ત્‍થા જય જે. મગદાણી રોકાયેલા હતા.

(12:40 pm IST)