Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કોઠારિયા રોડ પે-એન્ડ યુઝ ટોઇલેટ સામે ભુગર્ભ ગટરની કુંડીમાંથી અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી

સીસીટીવી ફૂટેજ જોતા ૩૫ વર્ષનો યુવાન તા. ૧૯મીએ સવારે ચાલતો ચાલતો કુંડીમાં પડ્યો હોવાનું નજરે પડ્યું : યુવાન ટ્રેકટરમાં રેતી ભરવાનું કામ કરતો'તો

રાજકોટ,તા. ૨૨: કોઠારિયા રીંગ રોડ પર પે-એન્ડ યુઝ ટોયલેટની સામે સર્વિસ રોડ પર ભુગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાંથી એક અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ મળી આવતા ભકિતનગર પોલીસે તપાસ હાથ ધરી છે.મળતી વિગત મુજબ કોઠારિયા રીંગ રોડ પર મહાનગરપાલીકા જનસુવિધા પે-એન્ડ યુઝ ટોયલેટની સામે સર્વિસ રોડ પર ભુગર્ભ ગટરની ખુલ્લી કુંડીમાંથી દુર્ગંધ આવતા શૌચાલય પાસે રેતીનો ધંધો કરતા પરેશભાઇ ડાંગરે કુંડીમાં જોતા એક યુવકની લાશ પડી હોવાનું જણાતા તેણે તાકીદે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જ ભકિતનગર પોલીસ મથકમાં જાણ કરતા એએસઆઇ ભરતસિંહ સોલંકી અને રાઇટર પ્રવિણભાઇએ સ્થળ પર પહોંચી આશરે ૩૫ વર્ષના અજાણ્યા યુવાનની કોહવાયેલી લાશ કુંડીમાંથી બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. ડાબા હાથના પંજા પર દીલમાં અંગ્રેજીમાં 'એ' ત્રોફાવેલ છે. બાદ પોલીસે યુવાનની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી. અને શૌચાલય આસપાસ સીસીટીવી ફૂટેજ તપાસતા ગત તા. ૧૯ના રોજ સવારે ૬ વાગ્યા આસપાસ ચાલતા ચાલતા કુંડીમાં પડી ગયો હોવાનું જોવા મળ્યુ હતું. આ યુવાન કોઠારિયા ચોકડી પાસે ટ્રેકટરમાં રેતી ભરવાની મજૂરી કામ કરતો હતો અને રખડતુ ભટકતુ જીવન જીવતો હોવાનું જાણવા મળ્યુ હતું. આ યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો ભકિતનગર પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૧ ૨૩૯૧૦૫૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:15 pm IST)