Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

રાજકોટમાં ૬૦૦૦ માઇક્રોકન્ટેટમેન્ટ ઝોન કાર્યરત : ઉદિત અગ્રવાલ

૯૬ સંજીવની રથ મારફત કોરોનાના હોમ આઇસોલેટેડ દર્દીઓની વ્યકિતગત દેખભાળઃ ફેબી ફલુ સહિતની દવાઓનું વિનામૂલ્યે વિતરણઃ સ્ટોક ખલાસ નહી થવા દેવાયઃ કોરોના સંક્રમિતોની સારવાર માટે તંત્રના અથાગ પ્રયાસો થઇ રહ્યા છે ત્યારે નગરજનો 'ઘરમાં રહે અને તબિયત સાચવે': મ્યુ. કમિશનરની અપીલ

રાજકોટ તા. ૨૩ : શહેરમાં કોરોના સંક્રમણ હવે પ્રસર્યું છે ત્યારે સંક્રમિતોની સારવાર માટે મ.ન.પા.નું તંત્ર અથાગ પ્રયત્નો કરી રહ્યાનું મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, હાલમાં મ.ન.પા. દ્વારા ૯૬ સંજીવની રથ કાર્યરત છે. જેનું સંકલન ૨૧ આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર સંભાળી રહ્યા છે. તેઓ સંક્રમિત દર્દીઓને દરરોજ ફોન કરી તેઓની તબિયત, દવા છે કે નહીં વગેરે બાબતની વ્યકિતગત કાળજી લઇ રહ્યા છે.

આ ઉપરાંત ફેબી ફલુ દવાની અછત ન સર્જાય તે માટે મ.ન.પા. સ્વખર્ચે દવા ખરીદી દર્દીઓને વિનામૂલ્યે આપી રહેલ છે.

આ ઉપરાંત સંક્રમિત કે તેના પરિવારજનો તેમજ તેની આસપાસના પાડોશીઓ બહાર ફરે નહી તે માટે હાલમાં ૬૦૦૦ જેટલા માઇક્રોકન્ટેટમેન્ટ ઝોન કાર્યરત છે. જેથી સંક્રમણ ફેલાય નહી અને સ્થિતિ કાબુમાં રહે.

આમ, તંત્ર કોરોના સંક્રમણ રોકવા ભરપૂર પ્રયાસો કરી રહેલ છે ત્યારે નાગરિકો પણ ઘરમાં રહે અને સુરક્ષિત રહે તેવી અપીલ શ્રી અગ્રવાલે આ તકે કરી છે.

(3:13 pm IST)