Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રાજકોટના વોર્ડ નં. ૪ ની પેટાચૂંટણી અને ૭૫ નગર પાલિકાઓની ચૂંટણી સાંજ સુધીમાં જાહેર

૧૧ થી ૧૮ ફેબ્રુઆરી વચ્ચે મતદાનઃ આજથી જ આચારસંહિતા

રાજકોટ, તા. ૨૩ :. ગુજરાતમાં ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે સાંજ સુધીમાં જાહેરાત થાય તેવા એંધાણ છે. રાજ્યના ચૂંટણી કમિશ્નર શ્રી વરેશ સિન્હાએ આજે સાંજે ૪.૩૦ વાગ્યે પત્રકાર પરિષદ બોલાવી છે. જેમાં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. રાજકોટમાં વોર્ડ નં. ૪ (ભગવતીપરા કુવાડવા રોડ વિસ્તાર)ની એક બેઠક કોર્પોરેટરના અવસાનથી ખાલી પડી છે. તેની પેટાચૂંટણી પણ આવી રહી છે. ઉપરાંત ૧૭ જેટલી તાલુકા પંચાયતો તથા બે જિલ્લા પંચાયતોની ચૂંટણી પણ જાહેર થવા પાત્ર છે.

૭૫ નગરપાલિકાઓની ચૂંટણી ફેબ્રુઆરીમાં આવી રહી છે. ચૂંટણી પંચ સામાન્ય રીતે ચૂંટણીની જાહેરાત અને મતદાન વચ્ચે ૨૨ દિવસ જેટલો સમયગાળો રાખે છે અને મતદાન માટે રવિવારના દિવસને અગ્રતા આપે છે. અત્યારના સંજોગો જોતા ૧૧ ફેબ્રુઆરી અથવા ૧૮ ફેબ્રુઆરીએ નગરપાલિકાઓ અને મહાનગરની પેટાચૂંટણીનું મતદાન થાય તેવી શકયતા છે. ૧૧ અને ૧૮ ફેબ્રુઆરી વચ્ચેના બે રવિવાર સિવાયના કોઈ સમયે પણ મતદાન થઈ શકે છે. સાંજ સુધીમાં કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર થતા જ જે તે વિસ્તારમાં આચારસંહિતા લાગુ પડી જશે.

(4:47 pm IST)