Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

શ્રી શત્રુંજય મહાતીર્થ પાલીતાણા નગરે ઉપધાન તપ આરાધના અનુષ્ઠાનઃ શનિવારે ર૬ નૂતન દિક્ષીતોની વડી દીક્ષા

રાજકોટ તા. ર૩ :શ્રી અધ્યાત્મ પરિવાર, શ્રી હાડેચા અને શ્રી સાંચોરી જૈન ધર્મશાળામાં પ્રશાન્તમૂર્તિ આચાર્ય ભગવંત શ્રી શાંતિચન્દ્રસુરિશ્વરજી મ.સા.ના સમુદાયમાં હાલ સુરત બિરાજમાન પૂજય આચાર્યદેવ, આશ્રિતગણ હિતચિંતક શ્રી જિનચન્દ્રસુરિશ્વરજી મ.સા.ની આજ્ઞા અને આશીર્વાદથી આધ્યાત્મિક દેશના દાતા, પ્રખર પ્રવચનકાર પ.પૂ. આચાર્ય શ્રી યોગતિલકસુરીશ્વરજી મ.સાહેબ આદિ પ૧ સાધુ ભગવંતો અને ૧રપ સાધ્વીજી ભગવંતોની નિશ્રા અને સાનિધ્યમાં ૪૭ દિવસીય નમસ્કાર મહામંત્રની આરાધનારૂપ ઉપધાન તપનો મંગલ પ્રારંભ તા.ર૪/૧ર/ર૦૧૭ રવીવારથી પરમાત્માની નાણ સમક્ષ થયો છે. જેમાં રપ૦ ભાઇઓ અને પપ૦ બહેનો તપારાધનમાં જોડાયા છે ઉત્તમ શિસ્ત અને નિયમ પાલન સાથેની આ આરાધનામાં ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન-પ.બંગાળ અને એન.આર.આઇ. ભાઇ બહેનો અપૂર્વ ધર્મોલ્લાસ સાથે પ્રાંતઃ રાઇ પ્રતિક્રમણ તથા આવશ્યક ક્રિયાઓ વ્યાખ્યાન, પડીલેહન અને સાંજના દિવસીય પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ અપ્રમત્ત ભાવે કરી રહ્યા છે.

પૂ.આચાર્ય યોગતિલકસુરીશ્વરજી મ.સાહેબ સવારના અને સાંજના વિશાળ ધર્મ સંસદને સંબોધન કરી અદ્દભુત દેશના આપી રહ્યા છે. પૂ.શ્રી એ આ પ્રસંગે જણાવ્યૂં કે આત્મોન્નતિ અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના આ ૪૭-૩પ-ર૮-૧૮ દિવસોના ઉપધાન તપમાં જોડાયેલા તપસ્વીઓને નિત્ય ૧૦૦ લોગસ્સનો કાર્યોત્સર્વ અને ૧૦૦ ખમાસમાણા વિ. આવશ્યક ક્રિયાઓ કરવાની હોય છે. ૩પ૦ તપસ્વીઓ માળ પરિધાન કરવાના છે તેમને તપશૃંખલમાં ર૧ ઉપવાસ ૧પ નિવી અને ૧૧ આયંબીલની આરાધના કરવાની રહે છ.ે

આ તપોત્સવના માર્ગદર્શક પૂ. પન્યાસ શ્રી આર્યતિલકવિજયજી મ.સા.તથા પૂ.પં.શ્રી શ્રુતતિલકવિજયજી મ.સા.અને માહિતી આપતા જણાવ્યું કે સોનામાં સુગંધ મળે તેમ ઉપધાન તપ પ્રસંગની સાથે અમદાવાદ મુકામે દિક્ષીત બનેલા ર૬ નૂતનદીક્ષીત, પૂ.સાધુ-સાધ્વીજી મ.સા.ની વડી દીક્ષાનો  શાસ્ત્રી પ્રસંગ તા.ર૭ને શનિવારના રોજ આયોજિત કરવામાં આવેલ છે.

શ્રી શાન્તિ-કનક શ્રમણોપાસક ટ્રસ્ટ અને અધ્યાત્મ પરિવારના અગ્રણી હિતેશભાઇ મોતાએ જણાવ્યું કે આ ભવ્ય ઉપધાન તપની મોક્ષમાળનો દિવ્ય પ્રસંગ તા.૧૧ને રવીવારના દિવસે દૈદીપ્યમાન રીતે પાલીતાણા મુકામે આયોજિત કરવામાં આવેલ છે શ્રી સાંચોરી ભવન અને શ્રી હાડેચા ભવન ધર્મશાળામાં ઉજવાઇ રહેલો આ પ્રસંગ શ્રી પાલીતાણા તીર્થની સર્વ ધર્મપ્રિય જનતાને માટે શ્રધ્ધા અને સમર્પિતતાનું પ્રતિક બની રહેલ છે.

(4:07 pm IST)