Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

મેરેથોનના ઉત્સાહમાં ઓટઃ માત્ર ૧૫૯૪ દોડવા તૈયાર

૧૦ ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશેઃ ગત વર્ષે ૬૩ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું: આ વર્ષે આજદિન સુધીમાં ફુલ મેરેથોનમાં ૪૫, હાફ મેરેથોનમાં ૪૫૯ તથા ૫ કિ.મી.માં ૭૭૯નું રજીસ્ટ્રેશન

રાજકોટ તા. ૨૩ : શહેરમાં પ્રથમ ૨૦૧૬માં યોજાયેલ હાફ મેરેથોન દોડને મળેલી યાદગાર સફળતાને પગલે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેર પોલિસ દ્વારા ગત સાલ ૨૦૧૭માં આંતરરાષ્ટ્રીય કક્ષાની ૪૦.૧૯૫ કિ.મી.ની ફુલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સિલસિલો આ વર્ષે પણ આગળ ધપાવતા આગામી તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ દ્વિતીય આંતરરાષ્ટ્રીય 'રાજકોટ ફૂલ મેરેથોન'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ મેરેથોનમાં ભાગ લેવા માટે આજ દિન સુધીમાં ૧૫૯૪ લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ લોકોમાં સ્વચ્છતા બાબતે જનજાગૃતિ આવે તે માટે અને રાજકોટવાસીઓમાં એકતા અને તંદુરસ્તી તથા નવી ઉર્જાનો સંચય થાય તેવા શુભ હેતુથી આ આંતરરાષ્ટ્રીય કક્ષાની ફુલ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે.ઙ્ગઙ્ગઆ સ્પર્ધા ઓપન ફોર વલ્ર્ડ એટલે કે રાજકોટથી લઈ વિશ્વના કોઈપણ ખૂણેથી કોઈપણ દોડવીર ભાગ લેશે.

ગત સાલની રાજકોટ ફૂલ મેરેથોન દોડે ભારતની સૌથી મોટી અને નંબર વન મેરેથોન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. રાજકોટ ફૂલ મેરેથોન દોડે એથ્લેટિકસ વર્લ્ડમાં એક નવો ઇતિહાસ સજર્યો હતો. આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ૬૩,૫૯૪ સ્પર્ધકોના રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે યોજાનાર મેરેથોનમાં રજીસ્ટ્રેશન થયેલ કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોમાંથી મળેલ આંકડા તરફ નજર કરીએ તો કુલ ૪૨.૧૯૫ કિ.મી. ભાઇઓ-૪૩ બહેનો-૨, ૨૧.૦૯૮ કિ.મી.માં ૪૨ ભાઇઓ, ૧૦ કિ.મી.ની ડ્રીમ રનમાં ૧૬૮ ભાઇઓ - ૬૩ બહેનો તથા ૫ કિ.મી.ની ફન રનમાં ૫૬૪ ભાઇઓ - ૨૧૨ બહેનો, ૨.૫ કિ.મી. સ્પેશિયલ રન (વિકલાંગો માટે)માં ૩૬ ભાઇઓ તથા ૬ બહેનો સહિત કુલ ૧૫૯૪ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

સ્પર્ધામાં જોડાવા રજીસ્ટ્રેશન કેમ કરશો?

રાજકોટ : ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે વેબસાઈટ www. rajakotmarathon.com પરથી રજીસ્ટ્રેશન કરી શકાશે. જયારે કોર્પોરેશનના સીવીક સેન્ટરોમાં રૂબરૂ જઈને પણ રજીસ્ટ્રેશન થઈ શકશે. રાજકોટ મહાનગરપાલિકાની મોબાઈલ એપ મારફતે રજીસ્ટ્રેશન કરી શકાશે. મોબાઈલ એપ્લીકેશન Google Playstore પરથી ડાઉનલોડ કરી શકશે. તા. ૧૦ ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આ સ્પર્ધામાં દેશ-વિદેશમાંથી ૬૦,૦૦૦થી વધુ સ્પર્ધકો આવશે તેવી ધારણા છે. આ સ્પર્ધામાં જુદી જુદી કેટેગરી મુજબ કુલ રૂ.૨૪ લાખથી વધુના ઈનામો અપાશે.

(4:06 pm IST)