Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

એક બુંદ જિંદગી કી

૨૮મીથી પોલીયો રસિકરણ ઝુંબેશઃ ૧.૮૪ લાખ બાળકોને ટીપા પીવડાવી સુરક્ષીત કરાશે

ઘરે-ઘરે જઇ ટીપા પીવડાવાશેઃ ૧૧ માર્ચે બીજો રાઉન્ડ આવશેઃ રાજકોટમાં છેલ્લે ૨૦૦૨માં પોલીયોનો કેસ નોંધાયેલઃ ૦ થી ૫ બાળકોને પોલીયોના ટીપા અચૂક પીવડાવવા આરોગ્ય સમિતિના ચેરમેન મનીષ રાડિયાનો અનુરોધ : ગુજરાતમાં ૨૦૦૯માં અને ભારતમાં ૨૦૧૭માં છેલ્લો કેસ નોંધાયેલ હવે પોલીયો સંપૂર્ણ નાબુદ છતાં તકેદારી જરૂરી

રાજકોટ તા. ૨૩ : મહાનગરપાલિકા આરોગ્ય સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા દ્વારા યાદીં જણાવેલ છે કે, તા.૨૮નાં રાષ્ટ્રીય પોલીયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.૨૮ના રોજ બુથ પર ટીપા પીવડાવામાં આવશે અને ત્યાર બાદ તા.૨૯/૩૦/૩૧ સુધી રોજ ઘરે ઘરે જઈ ટીપા પીવડાવામાં આવશે. તેમજ આ કાર્યક્રમમાં શહેરના ૦ થી ૫ વર્ષના કુલ ૧,૮૪,૮૪૬ બાળકોને આવરી લેવાશે.

આ કાર્યક્રમાં કુલ ૬૭૭ બુથ, સીનીયર સુપરવાઈઝર – ૨૧, સુપરવાઈઝર- ૧૮૩, આરોગ્ય કાર્યકરો-૧૪૦, આંગણવાડી વર્કર અને હેલ્પર-૬૪૭, અર્બન આશા-ર૭૦, મેલેરિયા કર્મચારી-૧૦૬, નર્સિંગ તથા હોમિયોપેથીક સ્ટુડન્ટ તથા એસ.આઇ.સ્ટુડન્ટ -૧૦૬૭ નો સ્ટાફ ફરજ બજાવશે.

'પોલીયો રવિવાર'નાં દિવસે શહેરીજનો બહારગામથી આવતા હોય કે બહારગામ જવાના હોય તો તેમના લક્ષિત બાળકોને પણ આ રોગથી સુરક્ષિત કરવા એસ.ટી. સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન ખાતે તથા જાહેર ધાર્મિક સ્થળો અને લગ્ન હોલ અને વાડી નજીક પોલીયોનાં ટીપા પીવડાવા માટે મોબાઈલ ટીમની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવનાર છે.

આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી રાડીયા દ્વારા શહેરના તમામ પ્રજાજનોને અપીલ કરવામાં આવેલ છે કે ૨૮ જાન્યુઆરી-૨૦૧૮ નાં રોજ 'રાષ્ટ્રીય પોલીયો કાર્યક્રમ' નિમિતે પોતાના બાળકોને ખાસ પોલીયો બુથમાં લાવે અને પોલીયોના ટીપા પીવડાવી પોલીયો નાબુદીના આ ભગીરથકાર્યમાં પોતાનો અમુલ્ય ફાળો આપે તેમ અંતમાં જણાવેલ છે.

આ તકે શ્રી રાડિયાએ વધુમાં જણાવેલ કે, રાજકોટમાં છેલ્લે ૨૦૦૨માં પોલીયોનો કેસ નોંધાયેલ. જ્યારે ૨૦૦૯માં ગુજરાતમાં અને ૨૦૧૭માં ભારતમાં પોલીયોના છેલ્લો કેસ નોંધાયા હતા. આમ દેશમાં પોલીયો નાબુદ થયો છે પરંતુ આમ છતાં તકેદારીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે બેથી ત્રણ વખત પોલીયો રસીકરણની સામૂહિક ઝુંબેશ હાથ ધરવામાં આવે છે.

(4:05 pm IST)