Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

કાલથી 'હથોડા' ઝીંકાશેઃ ૦ લેવલ પાર્કીંગ-માર્જીનમાંથી છાપરા-ઓટલાના દબાણો દુર કરાશે

રાજકોટને 'સ્માર્ટ સીટી' બનાવવા એકશન પ્લાન તૈયાર કરતા મ્ય. કમિશ્નર : બિલ્ડીંગ પાસેથી ફુટપાથ રોડ લેવલે કરાશે * ટ્રાફીક સિગ્નલો ચાલુ કરાશે * તમામ કાર્યવાહી દર અઠવાડીયે દરેક ઝોનમાં થશે * ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઝૂંબેશ હાથ ધરાશેઃ કમિશ્નર બંછાનીધી પાનીનો પરિપત્ર

રાજકોટ તા. ર૩ :... શહેરને સ્માર્ટ સીટી બનાવવા ર૦૧૪ થી મ્યુ. કોર્પોરેશનનાં તંત્ર વાહકો  જહેમત ઉઠાવી રહ્યા છે. દરમિયાન કેન્દ્ર સરકારે ર૦૧૭ માં રાજકોટનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરી. પ્રથમ તબકકાની ૩૦૦ કરોડની ગ્રાન્ટ પણ ફાળવી દીધી છે. પરંતુ આમ છતાં રાજકોટ માં હજુ દબાણો ટ્રાફીક - ગંદકીની સમસ્યાઓ યથાવત છે.

ત્યારે શહેરને હવે ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવા મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ એકશન પ્લાન બનાવી તેની અમલવારી માટે ખાસ પરિપત્ર જારી કર્યો છે.

કમીશ્નરશ્રીનાં આ પરિપત્ર મુજબ દર બુધવારે ટાઉન પ્લાનીંગ, જગ્યા રોકાણ વિભાગ, રોશની વિભાગ, બાંધકામ  વિભાગ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ વગેરે દ્વારા ત્રણેય ઝોનમાં ઝીરો લેવલ પાર્કીંગ (છાપરા- ઓટલા વગેરે દબાણો દુર કરવા), બિલ્ડીંગો પાસે ફુટપાથ રોડ લેવલ દુર કરવું, માર્જીન - પાર્કીંગનાં દબાણો દુર કરવા ટ્રાફીક સિગ્નલો ચાલુ કરવા પડતર કચરાનો નિકાલ, પ્લાસ્ટીક જપ્ત કરવાની કાર્યવાહી વગેરેની ઝૂંબેશાત્મક કાર્યવાહી  હાથ ધરવા આદેશો અપાયા છે.

આ પરિપત્રમાં જણાવાયા મુજબ ભારત સરકારશ્રી તરફથી દેશના અમુક શહેરોને સ્માર્ટ સીટી તરીકે પસંદગી-નિયુકિત કરાયેલ છે. તે અન્વયે રાજકોટ શહેરનો સ્માર્ટ સીટી તરીકેનો સમાવેશ કરાયેલ છે. સ્માર્ટ સીટી અંતર્ગત  શહેરને સુંદર, રમણીય બનાવવું, સરળ ટ્રાફીક મુવમેન્ટસ થાય તે તથા તેવી બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે. જે અન્વયે દરેક ઝોનમાં ઝૂંબેશનાં ભાગરૂપે દર અઠવાડીયે કોઇ એક ઝોનમાં એક રોડની મુલાકાત લઇ, રોડ પરના બિલ્ડીંગ્સનું પાર્કીંગ ૦.૦૦ લેવલે કરવા તથા તે માટે જરૂરી કાર્યવાહી કરવા અને દબાણો દુર કરવાના થાય, જે સબંધે જે તે શાખાએ કાર્યવાહી  હાથ ધરવી.

જેમાં ટાઉન પ્લાનીંગ શાખાએ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર આવેલ બીલ્ડીંગ્સમાં પાર્કીંગ ૦.૦૦ લેવલે કરાવવું.  પાર્કીંગ સ્પેશમાં પાર્કીંગ થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરાવવી., માર્જિન સ્પેસમાં કરવામાં આવેલ કાયમી દબાણ દૂર કરાવવા વગેરે કાર્યવાહી કરવી.

દબાણ હટાવ વિભાગે મુખ્ય રસ્તા ઉપરના હંગામી દબાણો જેવા કે રેંકડી, કેબીન વિગેરે પ્રકારના દબાણો દૂર કરાવવા, માર્જિન સ્પેસ કે રોડ પરના સ્થાયી કે અસ્થાયી હોર્ડીંગ્સ તથા ખુરશી ટેબલ વિગેરે દૂર કરાવવા કાર્યવાહી કરવી.

બાંધકામ શાખાએ મુખ્ય રસ્તા પરના બિલ્ડીંગને લાગુ ફુટપાથ રોડ લેવલે કરાવવી જેથી પાર્કીંગ થઇ શકે. રોડ પરના ખાડા, ફુટપાથ વિગેરે રીપેરીંગ કરાવવાની કામગીરી કરવી. 

રોશની શાખાએ  મુખ્ય રસ્તા પરની સ્ટ્રીટ લાઇટોની મરામત કરાવવી. ટ્રાફીક સિગ્નલની જાળવણી વ્યવસ્થિત થાય તે માટે વ્યવસ્થા કરવી.

સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મુખ્ય રસ્તાઓની સફાઇ બરાબર થાય તે જોવું.  મુખ્ય રસ્તા ઉપર આવતી  દુકાનોમાં પ્લાસ્ટિક તથા ડસ્ટબીન વિગેરેની ચકાસણી કરવી. મુખ્ય રસ્તા ઉપર ગંદકી ન થાય તે માટે જરૂરી સુચનાઓ આપવા સહિતની કામગીરી કરવી.

આરોગ્ય-ફુડ શાખા અને સુરક્ષા શાખાએ આ અભિયાન માટે જરૂરી પોલીસ બંદોબસ્ત ની ગોઠવણ કરવી.

વિશેષમાં દર બુધવારે લગત ઝોન મુજબ ઝૂંબેશ હાથ ધરવા નિર્ણય કરેલ હોય, તમામ અધિકારીશ્રીઓએ પરિપત્રમાં આપેલ સુચના મુજબની કામગીરી હાથ ધરવા માટે જરૂરી સાધનોની વ્યવસ્થા અગાઉથી કરી લેવી.

આ કામગીરી લગત ઝોનની ઝોન ઓફીસ દરેક શાખાના અધિકારીશ્રી તથા કર્મચારીશ્રીઓએ સવારે ૮.૩૦ કલાકે હાજર રહેવાનું રહેશે અને સાથે મળી, જે રોડ નકકી થયેલ હોય તે રોડ પર સંયુકત રીતે કામગીરી કરવાની રહેશે. નકકી કરવામાં આવેલ રોડની જાણ ટાઉન પ્લાનીંગ શાખા  દ્વારા તમામ સબંધિત અધિકારીશ્રીઓને દર મંગળવાર સાંજ સુધીમાં  કરવાની રહેશે. તેવી સુચનાં  મ્યુ. કમિશ્નરશ્રીએ પરિપત્રનાં અંતે આપી  છે.

(3:46 pm IST)