Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પદ્માવત ફિલ્મના વિરોધમાં વકીલો આવતીકાલે કલેકટરને આવેદન આપશે

રાજકોટ, તા., ર૩: સમગ્ર ગુજરાત અને અન્ય રાજયોમાં છેલ્લા ઘણા વખતથી બહુ ચર્ચાસ્પદ બનેલ ફિલ્મ પદ્માવતના વિરોધના વંટોળના હિસાબે ગુજરાત સરકારે સંજય લીલા ભણસાળીની આ વિવાદાસ્પદ ફિલ્મમાં રજુ કરવા માટે ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતિબંધ આપેલ હતો. પરંતુ ફિલ્મ નિર્માતા દ્વારા સુપ્રિમ કોર્ટમાં જતા સુપ્રિમ કોર્ટે સમગ્ર ભારતમાં ફિલ્મને રીલીઝ કરવા મંજુરી આપતા ફરીથી વિવાદના વાદળો ઘેરાયેલ હતા.

સમગ્ર ક્ષત્રીય સમાજ દ્વારા માં સતી પદ્માવતીના ભવ્ય ઇતિહાસ અને હિન્દુ ધર્મની ધરોહર સમાન સંસ્કૃતિ સાથે ચેડા કરીને ફિલ્મ નિર્માતાની સામે ક્ષત્રીય રાજપુત સમાજ સાથે આ ફિલ્મની રજુઆત અટકાવવા રાજપુત ક્ષત્રીય સમાજની અપીલને ધ્યાને લઇ ફિલ્મ પ્રદર્શીત થતી અટકાવવા તમામ સમાજ સંગઠનોએ ટેકો આપેલ હતો.

માં સતી પદ્માવતીનો ભવ્ય ઇતિહાસ હોય તથા સંસ્કૃતિ જે હિન્દુ ધર્મ તથા ક્ષત્રીય ધર્મ માટે આસ્થાનું પ્રતિક હોય તા.રપ-૧-૧૮ના ક્ષત્રીય સમાજ દ્વારા જલદ કાર્યક્રમ રાખેલ હોય રાજકોટ શહેરના વકીલોએ પણ આ ક્ષત્રીય સમાજનાં નિર્ણયને વધાવી અને તેની સાથે વિરોધમાં ઉભા રહેવાનું નક્કી કરેલ છે. રાજકોટ શહેરના વકીલ મંડળોના અગ્રણીઓ બુધવારે એક વાગ્યે કલેકટરશ્રી રાજકોટને ગુજરાત બાર કાઉન્સીલના પુર્વ ચેરમેન દીલીપભાઇ પટેલની આગેવાની નીચે રાજકોટ શહેરના બાર એસો.ના પ્રમુખ સંજય વ્યાસ સહીતના હોદેદારો તથા કલેઇમ બારના પ્રમુખ રાજેશ મહેતા તથા હોદેદારો રેવન્યુ બાર એસો.ના પ્રમુખ સી.એચ.પટેલ અને હોદેદારો, નોટરી એસો.ના પ્રમુખ ભરત આહયા, યોગેશ ઉદાણી, બીપીન ગાંધી સહીતના તથા ભાજપ લીગલ સેલના કન્વીનર હીતેશ દવે, બળવંતસિંહ રાઠોડ તથા પુર્વ કન્વીનર પીયુષ શાહ તથા રાજેન્દ્રસિંહ ગોહીલ, જયેશ બોઘરા, મનીષ ખખ્ખર, હરેશ પરસોંડા તથા ક્રીમીનલ બાર એસો.ના પ્રમુખ તુષાર બસલાણી, જયુભા રાણા, હેમાંગ જાની, રાજકુમાર હેરમા, હીતુભા સહીતના હોદેદારો આવેદનપત્ર આપવામાં જોડાશે તેમ અખબારી યાદીમાં જણાવેલ હતું.

(3:45 pm IST)