Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

પતંજલિ સ્કૂલના ચોથા માળેથી પટકાયેલી શિક્ષીકાનું મોત

રાજકોટ મવડીના સરદાર નગર મેઇન રોડ પર આવેલી શાળામાં બનાવઃ ૨૨ વર્ષની દિકરી હર્ષા રાખશીયાના મોતથી માયાણીનગરના વરીયા કુંભાર પરિવારમાં શોકઃ શનિવારે રજા રાખનાર શિક્ષીકા ગઇકાલે ફરજ પર આવેલ અને નબળાઇ જેવું લાગતાં ચોથા માળે આરામ કરવા ગયા બાદ બનાવઃ ચક્કર આવતાં પડી ગયાની પ્રાથમિક વિગતોઃ જો એમ બન્યું હોય તો ત્રણેક ફુટ ઉંચી અગાસીની પાળી ઓળંગીને કઇ રીતે પડે? તે અંગે રહસ્યઃ ઘટના આપઘાતની હોવાની પોલીસને શંકાઃ સીસીટીવી ફૂટેજ ચકાસવા તજવીજઃ મૃતક ત્રણ વર્ષથી પતંજલિમાં ગુજરાતી-હિન્દી વિષય ભણાવતાં હતાં

જ્યાં ઘટના બની તે પતંજલિ સ્કૂલ, જ્યાંથી શિક્ષીકા પટકાયા તે ચોથો માળ (રાઉન્ડ કર્યુ છે તે) તથા શિક્ષીકાના માયાણીનગરના નિવાસસ્થાને શોકમય સ્વજનો તથા ઇન્સેટમાં શિક્ષીકા હર્ષાબેન રાખશીયાનો ફાઇલ ફોટો જોઇ શકાય છે  (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩: મવડીના સરદાર નગરમાં પટેલ બોર્ડિંગ પાછળ આવેલી પતંજલિ સ્કૂલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતી માયાણીનગરમાં રહેતી ૨૨ વર્ષની વરીયા કુંભાર યુવતિ ગત સાંજે સવા ચાર આસપાસ રિશેષના સમયે સ્કૂલના ચોથા માળની અગાસીએથી નીચે પટકાતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ખાનગી હોસ્પિટલમાંથી પોલીસને કરાવાયેલી નોંધમાં ચક્કર આવતી અગાસીએથી પડી ગયાનું જણાવાયું હતું. પણ પોલીસે તપાસ કરતાં ચક્કર આવ્યા હોય તો અગાસીની ત્રણેક ફુટ ઉંચી પાળી ઓળંગી નીચે ન પડે પણ ઉપર જ પડી જાય તેવું જણાતું હોઇ બનાવ આપઘાતનો હોવાની શંકાએ તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ માયાણીનગર-૩માં રહેતી અને સરદારનગરમાં આવેલી પતંજલિ સ્કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતી હર્ષાબેન શાંતિલાલ ગોરધનભાઇ રાખશીયા (ઉ.૨૨) નામની વરીયા કુંભાર યુવતિ સાંજે સવા ચારેક વાગ્યે સ્કૂલના ચોથા માળની અગાસીએથી નીચે પડી જતાં બંને પગમાં, શરીરે ગંભીર ઇજા થતાં સહયોગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાની જાણ ડો. મનોજ સીડાએ માલવીયાનગર પોલીસને કરી હતી.

જેમાં જણાવાયું હતું કે શિક્ષીકા હર્ષાબેનને લેકચર હોઇ તે વખત ચક્કર આવતાં હોવાથી તે અગાસી પર આરામ માટે ગયા હતાં અને ત્યાંથી અચાનક નીચે પડી જતાં બંને પગમાં ફ્રેકચર થઇ ગયેલ. બેભાન હાલતમાં હોસ્પિટલે લાવવામાં આવ્યા હતાં પણ મોત નિપજ્યું હતું.

આ એન્ટ્રીને આધારે માલવીયાનગરના પી.એસ.આઇ. એ.આર. મલેક અને રાઇટર અરૂણભાઇ હોસ્પિટલે અને બનાવ સ્થળે દોડી ગયા હતાં. પોલીસે પ્રાથમિક તપાસ કરતાં ઘટના આકસ્મિક નહિ પણ આપઘાતની હોય તેવું જણાય છે. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ હર્ષાબેન ત્રણેક વર્ષથી પતંજલિ સ્કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં. તેમના પરિવારજનોના નિવેદનો નોંધવાના તેમજ સ્કૂલના સીસીટીવી ફૂટેજ ચકાસવાના બાકી છે.

સ્કૂલના પ્રિન્સીપાલ વિનોદભાઇ કાકડીયાના કહેવા મુજબ હર્ષાબેન અમારી શાળામાં ત્રણ વર્ષથી નોકરી કરતાં હતાં અને પ્રાથમિક વિભાગમાં ગુજરાતી તથા હિન્દી વિષય ભણાવતાં હતાં. તેણે શનિવારે કોઇ પ્રસંગ હોવાથી નોકરીમાં રજા રાખી હતી અને ગઇકાલે સોમવારે ફરીથી ફરજ પર આવ્યા હતાં. બપોર બાદ તેણીએ અન્ય શિક્ષીકા સમક્ષ પોતાની તબિયત બરાબર ન હોઇ તેમ કહેતાં તેમને ઉપર ચોથા માળે વર્ગખંડમાં આરામ કરવા જવાનું કહેવાયું હતું. તેથી તેણી ચોથા માળે ગયા હતાં અને બાદમાં અચાનક નીચે પડી ગયા હતાં.

વિનોદભાઇએ કહ્યું હતું કે આપઘાત કરવો પડે તેવું કોઇ કારણ હોવાનું અમારા ધ્યાનમાં નથી. હર્ષાબેન જે તરફ પડ્યા એ તરફ સીસીટીવી કેમેરા કવર કરતાં નથી. અગાસી ઉપર પણ કેમેરા નથી. પોલીસે સીસીટીવી  કેમેરાના ફૂટેજ ચેક કરવા તજવીજ હાથ ધરી છે. તેમજ અંતિમવિધી બાદ મૃતકના માવતરના અને સાથી શિક્ષીકાઓના નિવેદનો નોંધવામાં આવશે.

હર્ષાબેન બે બહેન અને એક ભાઇમાં નાના અને અપરિણીત હતાં. તેમના મોટાબેનનું નામ દેવીકાબેન અને નાના ભાઇનું નામ અશ્વિન છે. માતાનું નામ મંજુલાબેન છે. પિતા શાંતિલાલ ગોરધનભાઇ રાખશીયાને મવડીમાં કારખાનુ છે. આશાસ્પદ અને યુવાન દિકરીના અચાનક મોતથી પરિવારજનોમાં શોક વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસમાં પરિવારજનોએ પણ હર્ષાબેનને આવું પગલું ભરવું પડે તેવી કોઇ વિગતો જણાવી નથી. તેણીને ચક્કર આવતાં પડી ગયાનું જ હાલ તેઓએ જણાવ્યું છે.

(2:47 pm IST)