Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

નામાંકિત આંખના સર્જન ડો. રેખાબેન ગોસલીયાને આર્કિટેકટ- બિલ્ડરે છેતર્યા : બોગસ સહી કરી બિલ્ડીંગ પ્લાન મંજૂર કરાવ્યો

રેખાબેને ફરીયાદ કરી અને મ્યુ. કમિશ્નર બંછાનિધિએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો

રાજકોટ, તા.૨૩ : અત્રેના સુપ્રસિદ્ધ આંખના સર્જન ડો. રેખાબેન ગોસલીયા સાથે શહેરના નામાંકિત આર્કિટેકટ અને બિલ્ડરે બોગસ સહી કરી અને ડો. રેખાબેનના નામે બિલ્ડીંગ પ્લાન મંજૂર કરાવી લીધાનું કારસ્તાન ડો. રેખાબેને મ્યુ. કમિશ્નરને કરેલી ફરીયાદ બાદ મ્યુ. કમિશ્નર બંછાનિધિ પાનીએ કરાવેલી તપાસમાં બહાર આવતા ખળભળાટ મચી ગયેલ છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટના ગોસલીયા માર્ગ ઉપર રૂદ્રપ્રયાગ ફલેટના બાંધકામ માટે રાજકોટના નામાંકિત આંખના સર્જન ડો. રેખાબેન ગોસલીયાની  બોગસ સહી કરી બિલ્ડીંગ પ્લાન પાસ કરાવી લેવાયા હતા.

ડો. રેખાબેને પોતાની જમીન બિલ્ડરને વ્હેંચી દીધી છે. આમ છતાં ડો. રેખાબેનને આ ફલેટ્સના માલિક બતાવવામાં આવતા બાબતે ડો. રેખાબેને રાજકોટ મ્યુ. કમિશ્નરશ્રી પાસે બિલ્ડર - આર્કીટેકટના નામ સહિત રજૂઆત કરતા તેમણે યોગ્ય કાર્યવાહી કરવા માટે ખાત્રી આપી હતી.

આ ઉપરાંત ડો. રેખાબેનને આ પ્રકરણમાં સાટાખાતમાં નક્કી થયા મુજબ ૩૧૦૦ ચો. ફૂટના ફલેટની કિંમત લઈને ફકત ૨૧૫૦ ચો. ફૂટના કાર્પેટ એરીયાનો ફલેટ આપી દેવાની છેતરપીંડી પણ કરાઈ છે.

આ બાબતે મ્યુનિસિપલ કમિશ્નરશ્રીએ રેખાબેનને 'રેરા'માં અરજી કરવા સલાહ આપી હતી.

સરકાર તરફથી બિલ્ડરોનો ત્રાસ ઓછો કરવા તેમજ ગ્રાહકોની તરફેણમાં કાયદાઓ ઘડ્યા હોવા છતાં આ રીતે કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન થાય છે તે અત્યંત વેદજનક હોવાની ચર્ચા છે.(૩૭.૧૦)

(12:39 pm IST)