Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

ચોરીના પ્રયાસના ગુનામાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ, તા. ૨૨ :. ૧૯ વર્ષ પહેલા મધ્યરાત્રીએ ચોરી કરવાના પ્રયાસના ગુન્હામાં પકડાયેલ આરોપી સામેનો કેસ ચાલી જતા કોર્ટે નિર્દોષ છોડી મુકેલ છે.

રાજકોટ શહેરમાં પંચનાથ પ્લોટમાં રહેતા રાજેશ ગોપાલભાઈ કારીયા તા. ૮-૧૧-૯૯ના રોજ દીવાળી પર્વ નિમિતે પોતાના મિત્રના ઘરે ગઈ હોય ત્યાંથી રાત્રીના આશરે પોણા ત્રણેક વાગ્યે પોતાની પંચનાથ મંદિર સામે આવેલ આઈસ્ક્રીમની દુકાન પાસે પહોંચતા પોતાની દુકાન પાસે અગાઉ કામ કરતો પીન્ટુ નામનો શખ્સ ફરીયાદીને જોઈને ભાગેલ અને ત્યાં અન્ય એક માણસ ઓટા ઉપર બેઠો હતો. અજાણ્યા માણસો હોવાથી ફરીયાદીને શંકા જતા દુકાનના તાળા તપાસતા તાળા તુટેલા હતા તેમજ દુકાનની બારીના તાળા તૂટેલ હતા. ફરીયાદીને જોઈને આરોપીઓ ભાગી ગયેલ જેથી ફરીયાદીએ અબ્દુલ ઈસ્માઈલ સંધી તથા પીન્ટુ નામના શખ્સ સામે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી.

આ ફરીયાદના આધારે પોલીસે તપાસ કરી અબ્દુલ ઈસ્માઈલ સંધી, પીન્ટુ ઉર્ફે પીનાકીન પ્રતાપભાઈ લુસ્ટે તથા મુન્નો ઉર્ફે ગોપાલભાઈ રામાનુજની ફરીયાદના આધારે ચોરીના પ્રયાસ વિગેરેના કામે ધરપકડ કરેલ હતી, ત્યાર બાદ તપાસ કરનાર અધિકારીએ આરોપી સામે ચાર્જશીટ કોર્ટમાં રજુ કરતા આ કેસ ચાલવાનો શરૂ થતા દરમિયાનમાં આ કેસમાં મુન્નો ઉર્ફે ગોપાલભાઈ અરવિંદભાઈ રામાનુજનું અવસાન થતા તેને કેસમાંથી એબેટ કરવામાં આવેલ. પીનાકીન ઉર્ફે પીન્ટુ સામેનો ઉપરોકત કેસ કોર્ટમાં ચાલવાનું શરૂ થયેલ અને જ્યુ. મેજી. એ પોતાના આખરી હુકમમાં પીનાકીન પ્રતાપભાઈ લુસ્ટે કેસમાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કામમાં આરોપી પીનાકીન પ્રતાપભાઈ લુસ્ટે વતી ધારાશાસ્ત્રી કૈલાશ સાવંત રોકાયેલ હતા.

(3:47 pm IST)