Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ફેસબૂક ફ્રેન્ડ બનાવી નોકરીની લાલચ આપી હરિયાણા-યુપીના બે યુવાનને રાજકોટ બોલાવી લૂંટી લેવાયા

હરિયાણાના કુલદિપ અને યુપીના રાજેનને માધાપર ચોકડીથી બાઇકમાં બેસાડી ગવરીદળની સીમમાં લઇ જઇ પાઇપથી ફટકારી રોકડ-ટેબ્લેટની લૂંટઃ નહેરૂ નામે ફેસબૂક આઇડી ધરાવતાં શખ્સ સહિત ત્રણને શોધતી કુવાડવા રોડ પોલીસ

રાજકોટ તા. ૨૨: હરિયાણા અને યુપીનાના બે યુવાન મિત્રોને રાજકોટમાં કંપનીમાં નોકરીએ રખાવી દેવાની લાલચ આપી રાજકોટ ના માધાપર ખાતે બોલાવી ત્યાંથી બંનેને અલગ-અલગ બાઇકમાં બેસાડી ગવરીદળની સીમમાં કાચા રસ્તે લઇ જઇ પ્લાસ્ટીકના પાઇપથી ફટકારી બંને પાસેથી રોકડ અને ટેબ્લેટની લૂંટ ચલાવી ભાગી જતાં આ મામલે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધ્યો છે. હરિયાણાના યુવાનને ફેસબૂકમાં નોકરીની જાહેરાત વાંચીને રાજકોટના શખ્સનો સંપર્ક કર્યો હતો અને પોતાના મિત્ર સાથે ફસાયો હતો.

બનાવ અંગે કુવાડવા પોલીસે હરિયાણાના ફરીદાબાદ જીલ્લાના આદર્શનગર વલ્લભગઢ ગલી નંબર ૧૪ હરિ મંદિરની સામે રહેતાં અને હાલ બેકાર કુલદિપ ખેચરભાઇ રાવત રાજપૂત (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી રાજકોટના નહેરૂ નામના શખ્સ તથા બે અજાણ્યા સામે આઇપીસી૩૯૪, ૩૨૩, ૩૪, ૧૨૦ (બી), ૪૨૭, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.

કુલદિપના કહેવા મુજબ તે ત્રણ ભાઇ અને બે બહેનમાં ચોથો છે. હાલમાં કોઇ કામધંધો ન હોઇ તે નોકરીની તલાસમાં હતો. પંદરેક દિવસ પહેલા તેણે ફેસબૂકમાં ઓનલાઇન હતો ત્યારે નહેરૂ નામના શખ્સ સાથે કોન્ટેકટ થતાં બંને ફેસબૂક ફ્રેન્ડ બન્યા હતાં. વાતચીત દરમિયાન કુલદિપે પોતે નોકરી શોધતો હોવાની વાત કરતાં નહેરૂએ તેને રાજકોટમાં પોતે ૧૫ હજારના પગારવાળી નોકરી અપાવી દેશે તેવી વાત કરી હતી.

એ પછી કુલદિપે યુપીમાં રહેતાં પોતાના મિત્ર રાજેન ઉર્ફ રાજેન્દ્રને રાજકોટમાં નોકરી મળી રહી છે તેવી વાત કરી હતી. રાજેન્દ્રએ પોતાને પણ નોકરીની જરૂર હોઇ તે પણ રાજકોટ આવવા તૈયાર થયો હતો. એ પછી ૧૯/૧૦ના રોજ કુલદિપ અને રાજેન રાજકોટના નહેરૂ સાથે વાત થયા મુજબ રાજકોટ પહોંચ્યા હતાં. અહિ બપોરના દોઢેક વાગ્યે રાજકોટ બસ સ્ટેશન ખાતે બંને પહોંચ્યા હોવાની વાત નહેરૂને તેના ફોન નંબર પણ જાણ કરતાં નહેરૂએ ત્યાંથી રિક્ષા મળી જશે, રિક્ષાવાળાને ફોન આપ તો પોતે સરનામુ સમજાવી દેશે તેમ કહેતાં કુલદિપે રિક્ષાવાળાને ફોન આપતાં રૂ. ૧૦૦ ભાડુ નક્કી કરી રિક્ષાવાળો તેને માધાપર ગામ પાસે મુકી આવ્યો હતો.

ત્યાં પહોંચ્યા પછી નહેરૂ અને બીજા બે શખ્સો સાથે બાઇક પર આવ્યો હતો અને નોકરી માટે આગળ જવું પડશે બાઇકમાં બેસી જાવ તેમ કહેતાં બંને મિત્રોને અલગ-અલગ બાઇકમાં બેસાડી દેવાયા હતાં. બાદમાં ગવરીદળ ગામની સીમમાં આજીડેમ-૨ જતાં કાચા રોડ પર ધાર પાસે બંનેને લઇ જઇ પ્લાસ્૭ીકના પાઇપથી માર મારવાનું શરૂ કરાયું હતું. એ પછી કુલદિપ પાસેથી રૂ. ૭૦૦૦ અને રાજેન પાસેથી રૂ. ૨ હજાર રોકડા તથા આઇબોલ કંપનીનું ટેબ્લેટ મળી કુલ ૧૧ હજારની લૂંટ ચલાવાઇ હતી. આ ઉપરાંત રાજેનનો ફોન પછાડી નુકસાન કર્યુ હતું.

લૂંટ ચલાવી ત્રણેય ગયા બાદ બંને મિત્રો નજીકની એક વાડીમાં ગયા હતાં અને પોતે કઇ જગ્યાએ છે? એ બાબતે પુછતાછ કરી હતી. ત્યારબાદ વાડી માલિકે મદદ કરી હતી અને રિક્ષા કરી પોલીસ સ્ટેશને જવા કહ્યું હતું. કુવાડવા પોલીસે તપાસ કર્યા બાદ ગત રાતે લૂંટનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પીઆઇ એમ. સી. વાળા, પીએસઆઇ આર. કે. રાઠોડ, પીએસઆઇ એમ. ડી. વાળા, હિતેષભાઇ ગઢવી સહિતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:59 pm IST)