Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

સિવિલ હોસ્‍પિટલમાં પડયાપાથર્યા રહેતાં ‘ડાઘીયા'ઓને હાંકી કાઢવા કવાયતઃ સિક્‍યુરીટીની ટીમોને હવે આ કામગીરી પણ કરવાની આવી

રાજકોટઃ સરકારી હોસ્‍પિટલોમાં નિદાન-સારવાર માટે અને દવા લેવા આવતાં દર્દીઓ, તેમના સ્‍વજનોને ઘણીવાર રખડતાં કૂતરા કે બીજા ઢોર પણ નજરે ચડી જાય છે. અમુક વખત તો અલગ અલગ વોર્ડમાં પણ કૂતરાઓ, બીલાડાઓ નિરાંતે આરામ ફરમાવતાં જોવા મળી જતાં હોય છે. દર્દીઓ અને તેમના સગાને તથા સ્‍ટાફને આવા પડયાપાથર્યા રહેતાં ડાઘીયાઓ, બીલાડાઓ કે બીજા ઢોરઢાંખરથી મુશ્‍કેલીઓ ન થાય એ માટે ઉપલાલેવલથી સુચના આવી હોઇ હવે અત્‍યાર સુધી સિવિલ હોસ્‍પિટલમાંથી ચોર-ઉચક્કા, ખિસ્‍સાકાતરૂઓ, મોબાઇલ ચોરો, લુખ્‍ખાઓ, નશાખોરોને પકડી પકડીને પોલીસને સોંપી સુરક્ષાની ફરજ બજાવતી સિક્‍યુરીટીની ટીમોએ હવે આ નવી કામગીરી પણ કરવી પડી રહી છે. તે અંતર્ગત આજે સવારે સિક્‍યુરીટીના જગદીશભાઇ ચાંડેગરા અને તેની સાથેના સ્‍ટાફે હોસ્‍પિટલ કમ્‍પાઉન્‍ડ, વોર્ડમાં રાઉન્‍ડ લઇ તપાસ કરી હતી અને બાદમાં કૂતરા પકડનારી ગાડીને બોલાવી હોસ્‍પિટલ કેમ્‍પસમાંથી રખડતાં, ગમે ત્‍યાં આરામ ફરમાવી રહેલા ડાઘીયાઓને પકડાવ્‍યા હતાં. આ કામગીરી નિહાળવા દર્દીઓ, લોકોના ટોળા ઉમટી પડયા હતાં. દર્દીઓને કૂતરા, બિલાડા કે બીજા ઢોરઢાંખરથી રંજાડ ન થાય તે માટે નિયમીત આ કામગીરી થતી રહેશે તેમ જણાવવામાં આવ્‍યું હતું.

(4:12 pm IST)