Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

૧ લાખ છાત્રો વન્‍યજીવ વિષયક પરીક્ષા આપશે

નવરંગ કલબ દ્વારા પરીક્ષાનું આયોજન : ૫૦૦ શાળાઓ જોડાશે : વિનામૂલ્‍યે આયોજન

‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વી.ડી.બાલા, ઉર્વેશભાઇ પટેલ, નવનીતભાઇ અગ્રાવત, હિમાંશુભાઇ ઉપાધ્‍યાય, નરેશભાઇ નકુમ વગેરે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરિયા)

રાજકોટ,તા. ૨૨ : વન્‍યજીવ વિષયક કસોટીનું આયોજન નવરંગ કલબ દ્વારા થયું છે. ૧ લાખ જેટલા છાત્રો આ પરીક્ષા આપશે. ૫૦૦ સ્‍કૂલ્‍સ પરીક્ષામાં જોડાશે. સમગ્ર આયોજન નિઃશુલ્‍ક થયું છે. નવરંગ કલબના વી.ડી.બાલા, ઉર્વેશભાઇ પટેલ, નવનીતભાઇ અગ્રાવત, હિમાંશુ ઉપાધ્‍યાય નરેશભાઇ નકુમ વગેરે ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા.

શ્રી બાલાએ જણાવ્‍યું હતું કે ભારતીય વન નીીત મુજબ કુલ જમીનના ૩૩% વિસ્‍તારમાં જંગલો હોવા જોઇએ પરંતુ ગુજરાત રાજયમાં ૧૦% જ જંગલો છે. તેને સાચવવાની જવાબદારી સરકારી રાહે થતી હોય છે પરંતુ બાકીના ૯૦% વિસ્‍તારમાં લોકો રહે છે ત્‍યાં વન્‍યજીવો, વનસ્‍પતિ, કુદરતી સંપતિનું મહત્‍વ સમજાય અને આ ૯૦% વિસ્‍તારમાં વધુમાં વધુ વૃક્ષો વવાય, વન્‍યજીવોની કાળજી લેવાય, પોતાના ખેતરમાં એક લાઇન જુવાર/ બાજરાનું વાવેતર પક્ષીઓ માટે કરતા થાય અને કુદરતી સંપતિનો વિવેકભર્યો ઉપયોગ કરતા થાય તે માટે વિદ્યાર્થી અવસ્‍થામાં વન્‍યજીવો પ્રત્‍યે જાગૃતિ કેળવાય, વિવિધ પોષણકળીઓમાં વન્‍યજીવોનું મહત્‍વ શું છે તેની જાણકારી મળે, પક્ષીઓ આપણને કેવી રીતે ઉપયોગી છે. વન્‍યજીવોના રહેઠાણનું મહત્‍વ સમજાય અને અનુકંપા જાગે, પૃથ્‍વી પરના સૌથી બુદ્ધિશાળી પ્રાણી (માનવી) વન્‍યજીવોને પૃથ્‍વી પર રહેવાની અને વૃદ્ધિ કરવાનો અધિકાર બક્ષે તેવા હેતુથી નવરંગ નેચર કલબ -રાજકોટ વિદ્યાર્થીઓની વિનામૂલ્‍યે લેખિતમાં કસોટી લેવા માંગે છે. જેના નિયમો નીચ મુજબ છે,

ધોરણ ૫ થી ૧૨ના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે. પ્રશ્‍નપત્ર જે તે સ્‍કૂલ ને વોટ્‍સએપ/ ઇમેલ થી પહોંચાડી આપવામાં આવશે. પ્રશ્‍નપત્ર મેળવવા માટે ૧/૧૦/૨૦૨૩ સુધીમાં ૯૪૨૭૫ ૬૩૮૯૮ નંબર પર સંપર્ક કરવો. કસોટી પોતાની સ્‍કૂલમાં લેવાની રહેશે. પ્રશ્‍નપત્રોની ચકાસણી સ્‍કૂલ દ્વારા કરવાની રહેશે. વિદ્યાર્થીઓ માટે પ્રશ્‍નપત્રને અનુરૂપ વાર્તાલાપ જે તે શાળા એ પોતાની સ્‍કૂલમાં ગોઠવવાનો રહેશે. ૨/૧૦/૨૦૨૩ થી ૭/૧૦/૨૦૨૩ સુધીમાં પરીક્ષા લઇ લેવાની રહેશે.

આ અંગે વધારે માહિતી માટે ઉર્વેશ પટેલ (સાંદીપનિ સ્‍કૂલ) ઉપ-પ્રમુખ, નવરંગ નેચર ક્‍લબ-રાજકોટ મો. ૯૪૨૮૩ ૪૯૪૫૨ અથવા વી.ડી.બાલા પ્રમુખ, નવરંગ નેચર ક્‍લબ - રાજકોટ મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે.

(4:10 pm IST)