Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિ શ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન, સૂચન, અભિપ્રાય, સહયોગ હેઠળ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત અલૌકીક - ભવ્‍ય - દિવ્‍ય - જાજરમાન શ્રી રામકથાનો આજથી પ્રારંભ : વિશાળ પોથીયાત્રા નિકળશે

રજવાડી ડોમ, બેઠક વ્‍યવસ્‍થા, પ્રસાદ લેવાની વ્‍યવસ્‍થા, પાર્કિંગ વ્‍યવસ્‍થા, પોથીયાત્રાની તૈયારી વિગેરે તમામ બાબતો પૂર્ણ કરવામાં આવી : મુખ્‍યવકતા પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાનું રાજકોટ એરપોર્ટ ખાતે તથા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂના નિવાસસ્‍થાને અદ્‌કેરૂ સ્‍વાગત : દાતાઓ પણ મન મુકીને વરસી રહ્યા છે : દાનનો ધોધ વછૂટયો : સર્વ જ્ઞાતિજનોને પવિત્ર શ્રી રામકથાનો લાભ લેવા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂનું જાહેર આમંત્રણ : શ્રી રામકથા સ્‍થળ શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન ખાતે લોકો દૂરદૂરથી જોઇ શકે તે માટે આકાશી બલૂન રાખવામાં આવ્‍યો કે જેથી ભાવિકોને સરનામુ શોધવું ન પડે : યુ-ટયુબ ચેનલ PujyaShreeBhai ઉપર લાઇવ પ્રસારણ : રાજકોટ લોહાણા મહાજનની યુ-ટયુબ ચેનલ તથા ફેસબુક પેઇજ ઉપર પણ શ્રી રામકથાનો લાભ લઇ શકાશે

રાજકોટ તા. ૨૧ : વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન અને અઢી લાખ જેટલા રઘુવંશીઓની માતૃસંસ્‍થા રાજકોટ લોહાણા મહાજન દ્વારા યોજાનાર અલૌકીક, ભવ્‍ય, દિવ્‍ય, જાજરમાન શ્રી રામકથાનો આજથી વિધિવત પ્રારંભ થઇ રહ્યો છે. જે અનુસંધાને આજે સાંજે ચાર વાગ્‍યે શ્રી પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ ખાતેથી વિશાળ પોથીયાત્રા નિકળશે. જેમાં હજ્‍જારો લોકો અને સેંકડો વાહનો રંગેચંગે જોડાશે. તા. ૨૧ મે થી ૨૯ મે ૨૦૨૨ સુધી યોજાનાર શ્રી રામકથામાં શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન, રાજકોટ ખાતે દરરોજ સાંજે ૪.૩૦ વાગ્‍યાથી રાત્રે ૮.૩૦ સુધી ભાવિકો કથાનું રસપાન કરશે અને ત્‍યારબાદ પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. દરરોજ કથા વિરામના અંતે વિવિધ સાંસ્‍કૃતિક - સામાજીક કાર્યક્રમો પણ રાખવામાં આવ્‍યા છે.
શ્રી રામકથાના મુખ્‍યવકતા તરીકે આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્‍ત પૂજ્‍ય શ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયા વ્‍યાસાસને બિરાજશે અને ભાવિકોને શ્રી રામકથામાં તરબોળ કરશે. પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાનું ગઇકાલે સાંજે રાજકોટ એરપોર્ટ ખાતે તથા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂના નિવાસસ્‍થાને ઢોલ નગારા સાથે અદકેરૂ સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાના સ્‍વાગતમાં મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મંત્રીઓ રીટાબેન કોટક અને ડો. હિમાંશુભાઇ ઠક્કર, ઇન્‍ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્‍ખર, ટ્રસ્‍ટીઓ ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર, શ્‍યામલભાઇ સોનપાલ, મનિષભાઇ ખખ્‍ખર, તુષારભાઇ ગોકાણી, જતીનભાઇ કારીયા, હરીશભાઇ લાખાણી, રંજનબેન પોપટ, વિધિબેન જટાણીયા, લોહાણા અગ્રણીઓ છબીલભાઇ પોબારૂ, રીપનભાઇ ગોકાણી, સિધ્‍ધાર્થ પોબારૂ, દિશીત પોબારૂ વિગેરે જોડાયા હતા અને પૂજ્‍યશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાના આશિર્વાદ મેળવ્‍યા હતા.
શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન રાજકોટ ખાતે તમામ વ્‍યવસ્‍થાના નિરીક્ષણ અર્થે ગઇકાલે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠી, લોહાણા જ્ઞાતિના શુભચિંતક, રાજકોટ લોહાણા મહાજનના પથદર્શકશ્રી કિરીટભાઇ ગણાત્રાએ મુલાકાત લીધી હતી અને તમામ વ્‍યવસ્‍થા વિશે માહિતી મેળવી હતી. શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે રાજકોટ લોહાણા મહાજનના બંધારણીય સલાહકાર, આરસીસી બેંકના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પુરૂષોત્તમભાઇ પીપરીયા તથા રાજકોટ કેળવણી મંડળના ઉપપ્રમુખ અને પીઢ લોહાણા અગ્રણીશ્રી નવીનભાઇ ઠક્કર પણ સાથે રહ્યા હતા.
કોર્પોરેટ ટચ સાથે યોજાનાર શ્રી રામકથા માટેનો રજવાડી ડોમ, બેઠક વ્‍યવસ્‍થા, પ્રસાદ લેવાની વ્‍યવસ્‍થા, પાર્કિંગ વ્‍યવસ્‍થા, પોથીયાત્રાની તૈયારી વિગેરે તમામ બાબતો પૂર્ણ કરવામાં આવી હોવાનું રાજુભાઇ પોબારૂ અને ડો. નિશાંતભાઇ ચોટાઇ જણાવી રહ્યા છે.
શ્રી રામકથા સ્‍થળ શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્‍કુલ મેદાન ખાતે લોકો દૂરદુરથી જોઇ શકે અને ભાવિકોને કથા સ્‍થળ સુધી પહોંચવામાં તકલીફ ન પડે તે માટે વિશાળ આકાશી બલૂન પણ રાખવામાં આવ્‍યો છે. દાતાઓ પણ મન મુકીને વરસી રહ્યા છે અને દાનનો રીતસર ધોધ વછૂટયો છે, જે સતત ચાલુ જ રહ્યો છે. શ્રી રામનગરી કથા મંડપમાં પણ ગુપ્‍ત દાનપેટીઓ રાખવામાં આવી છે. જેમાં ભાવિકો પોતાની ઇચ્‍છાનુસાર - સ્‍વેચ્‍છાએ દાન આપી શકશે.
રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી રામકથાનું આયોજન થઇ રહ્યું હોય, સમગ્ર રાજકોટમાં ‘શ્રી રામ જય રામ જય જય રામ'નો નાદ ગુંજી રહ્યો છે અને લોકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પવિત્ર શ્રી રામકથામાં સર્વજ્ઞાતિના લોકોને પરધારવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ જાહેર આમંત્રણ પાઠવ્‍યું છે.
કથાનું લાઇવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ PujyaShreeBhai તથા રાજકોટ લોહાણા મહાજનની યુ-ટયુબ ચેનલ અને ફેસબુક પેઇજ ઉપર સતત નવ દિવસ સુધી માણી શકાશે.

 

(2:34 pm IST)