Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

ખાનગી હોસ્પીટલોને મ.ન.પા. શબવાહીની નહી આપી શકે

ખાનગી કોવિડનાં મૃતકોનાં ડેડબોડી માટે જે તે હોસ્પીટલે જ શબવાહીનીની વ્યવસ્થા કરવા અનુરોધઃ સામાન્ય એટલે કે નોન કોવિડ ડેડબોડી માટે મૃતકનાં નિવાસસ્થાને મ.ન.પા. શબવાહીની ફાળવશેઃ નવી પાંચ શબવાહીની શરૂ કરવા તજવીજઃ સ્મશાન માટે ફાયર બ્રીગેડ કન્ટ્રોલ રૂમઃ કોરોનાં મહામારી વચ્ચે મોતનો મલાજો જળવાય તે માટે યુવા મેયર પ્રદીપ ડવ સતત પ્રયત્નશીલ

રાજકોટ તા. રર : કોરોનાં મહામારી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી મૃત્યુનુ પ્રમાણ વધ્યુ છે ત્યારે રાજકોટ શહેરમાં સ્મશાન અને શબવાહીનીની વ્યવસ્થા જળવાતી ન હોઇ મેયર પ્રદીપ ડવ મોતનો મલાજો જળવાય તે માટે સ્મશાન અને શબવાહીનીની વ્યવસ્થા માટે સતત પ્રયત્નશીલ છે.

મેયર પ્રદિપભાઇ ડવે જણાવેલ કે મ.ન.પા. પાસે માત્ર ૧૪ શબવાહીની છે તેમાંથી ૧ સીવીલ હોસ્પીટલને અપાઇ છે. આ ૧૯ શબવાહીનીઓમાં હાલનાં સંજોગોમાં વેઇટીંગ આવે છે. ત્યારે આ વ્યવસ્થામાં સુધારો જરૂરી હોઇ હવે પછીથી ખાનગી કોવીડ હોસ્પીટલનાં મૃતકોને જે તે ખાનગી હોસ્પીટલે જ શબવાહીનીની વ્યવસ્થા કરી દેવા અનુરોધ છે. જેથી મ.ન.પા. પર ભારણ ઓછુ થાય અને નોન કોવિડ એટલે કે સામાન્ય બિમારી સબબ મૃત્યુ પામનારા વ્યકિતઓનાં નિવાસસ્થાને વહેલી તકે શબવાહીની મોકલી શકાય મોતનો મલાજો જળવાઇ રહે.

આ ઉપરાંત મ.ન.પા. હવે વધુ પાંચ નવી શબવાહીનીઓ શરૂ કરવા તજવીજ શરૂ કરાઇ છે. જેથી શબવાહીનીનું વેઇટીંગ ઓછુ થઇ જશે.

આજ પ્રકારે રાજકોટ માટે ૧૮ સ્મશાનો કાર્યરત કરાયા છે. જેથી સ્મશાનમાં પણ અંતિમવિધી માટેનું વેઇટીંગ દુર થઇ રહ્યું છે.

એટલુ જ નહીં, કોવિડ અને નોન કોવિડ ડેડબોડી માટે ફાયર બ્રીગેડમાં અલગ થી સ્મશાનનો કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. આ કન્ટ્રોલ રૂમનાં નિર્દેશ મુજબનાં સ્મશાને જ અંતિમવિધી કરાવવા મેયરશ્રીએ અનુરોધ કર્યો હતો.

શહેરમાં ૭ કોવીડ બોડી માટે તથા ૧૧ સામાન્ય બોડી માટે સ્મશાન કાર્યરત

(4:05 pm IST)