Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

મહેનત છતાં કયારેક નિષ્ફળતા મળે તો પણ પોઝીટીવ દૃષ્ટિકોણ

બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે બોર્ડના છાત્રો માટે યોજાયો પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહ : "5 P FOR 5 STAR STUDENTS" વિશે વકતવ્ય : ધો.-૧૦-૧૨ના ૮૫૦૦ વિદ્યાર્થીઓએ કરી મહાપૂજા

રાજકોટ : બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, (કાલાવાડ રોડ), રાજકોટ દ્વારા પ્રતિ વર્ષ યુવાનો-વિદ્યાર્થીઓ માટે અનેક પ્રેરણાદાયી પરિવર્તનશીલ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. દરેક વિદ્યાર્થી પોતાના માતા-પિતા અને શિક્ષકોની મહેનતનું ધારેલું પરિણામ લાવી શકે તે માટે ગત વર્ષોની જેમ આ વર્ષે પણ પૂ. પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે રાજકોટ શહેરના ભવિષ્ય તરફ આગળ વધી રહેલા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષાલક્ષી સફળતાઓ માટે, તેમના ઉજ્જવળ ભવિષ્ય તથા આગામી પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવવા અને પ્રેરણા-પ્રોત્સાહન પૂરું પાડવા માટે સ્વામિનારાયણ મંદિર ખાતે પરીક્ષાર્થી શુભેચ્છા સમારોહનું વિશિષ્ટ  આયોજન કરવામાં આવેલું.

કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સમગ્ર વર્ષ દરમ્યાન તેમણે કરેલી મહેનતમાં પ્રાર્થના ને સંમેલિત કરીને સફળતાની રાહ પ્રાપ્ત કરવાનું વિવિધ માધ્યમો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ અંતર્ગત પ્રેરણાદાયી પ્રદર્શન ‘SECRET OF SUCCESS’ રજૂ કરવામાં આવેલું જેમાં વિવિધ ક્ષેત્રોમાં નામના મેળવેલી પ્રતિભાઓના જીવનના પ્રેરક પ્રસંગો તેમજ તેઓ કઈ રીતે સફળતા પ્રાપ્ત કરી શકયા તેના વિષે માહિતી આપવામાં આવેલી. કાર્યક્રમની શરૂઆતમાં પ્રમુખસ્વામી સભાગૃહમાં વિદ્યાર્થીઓ સમક્ષ પ્રેરણાત્મક વીડિઓ શો રજૂ કરવામાં આવેલો. સંતો દ્વારા વૈદિક પૂજનવિધિ કરાવવામાં આવી હતી. ત્યારબાદ પૂ.અપૂર્વમુનિ સ્વામીએ ‘5 P FOR 5 STAR STUDENTS’ પર પરીક્ષાલક્ષી જોમસભર-પ્રેરક વકતવ્ય રજૂ કરેલું. જેમાં ૫ P એટલે કે Positivity(મહેનત છતાં કયારેક નિષ્ફળતા મળે તો પણ પોઝીટીવ દ્રષ્ટિકોણ), Patience(કોઈ પણ પરીસ્થિતિમાં ધીરજ રાખવી), Perfection(આપણા કામમાં ચોકસાઇ રાખવી), Practice(નિયમિત પ્રેકટીસ રાખવી) & Prayer(ભગવાનમાં અતૂટ શ્રદ્ઘા સાથે પ્રાર્થના કરવી) આ પાંચ મુદ્દા પર પૂ. અપૂર્વમુનિ સ્વામીએ સૌ વિદ્યાર્થીઓને વિવિધ પ્રેઝન્ટેશન વિડીઓ દ્વારા વકતવ્ય દ્વારા કઈ રીતે 5 STAR STUDENTS  બની શકાય તેની તરકીબો શીખવાડી હતી. આજના આ સમારોહમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને પ.પૂ.મહંતસ્વામી મહારાજે ન્યુઝીલેન્ડના વેલિંગટનસીટીથી પરીક્ષામાં સફળતા માટેના આશીર્વચન પાઠવતા જણાવેલું કે, આવા કાર્યક્રમ-મહાપૂજા ટાઇમ વેસ્ટ નથી પરંતુ ટાઇમ ઇન્વેસ્ટ છે. અમે પણ ભગવાનને પ્રાર્થના કરીશું આપના શુભ સંકલ્પો પરિપૂર્ણ થાય.     

કાર્યક્રમમાં રાજકોટની ૭૦થી વધુ નામાંકિત શાળાઓના ૮૫૦૦થી અધિક વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના માલિકો અને સંચાલકોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. છાત્રોએ બોર્ડની પરીક્ષા માટેની પૂ.અપૂર્વમુનિ સ્વામીએ શીખવેલી તરકીબો જીવનમાં અમલ કરવાના દ્રઢ નિર્ધાર સાથે વિદાય થયા હતા.

(12:58 pm IST)