Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

બેડીપરા ચોરા પાસે બે મકાનમાં ૨.૧૮ લાખની ચોરી

કમલેશભાઇ ગજેરા અને કાકા દિનેશભાઇ ગજેરાના મકાન ડિમોલીશન બાદ અડધા બચ્યા હોઇ તે લાંબા સમયથી બંધ હોઇ તેનો ઉપયોગ માલસામાન સાચવવા કરાય છેઃ ત્રીજા મકાનમાંથી પણ પિત્તળના વાસણો ચોરાયા

જ્યાં ચોરી થઇ તે મકાનો અને રૂમમાં વેરવિખેર ચીજવસ્તુઓ, કાર્યવાહી માટે પહોંચેલી પોલીસ અને તથા મકાન માલિકો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૨: ભાવનગર રોડ પર બેડીપરા ચોરા પાસે આવેલા પટેલ કાકા-ભત્રીજાના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો રૂ. ૨,૧૮,૦૦૦ની માલમત્તા ચોરી ગયા છે. આ રોડ પર અગાઉ ડિમોલીશન થયું હોઇ આ મકાનો અડધા-અડધા પાડી નાંખવામાં આવ્યા હોઇ બાકી રહેલા મકાનમાં ઇમિટેશનનો સરસામાન રાખવામાં આવે છે. તેમાંથી તસ્કરો ઇમિટેશન અને ચાંદીની ચીજવસ્તુઓ ચોરી ગયા છે.

બનાવ અંગે કુવાડવા રોડ પર નાગબાઇ પાન સામે ૮૦ના રોડ પર ઓમ રેસિડેન્સીમાં રહેતાં કમલેશભાઇ વૃજલાલભાઇ ગજેરા (ઉ.૩૮) નામના લેઉવા પટેલ યુવાને બી-ડિવીઝનમાં ફરિયાદ કરી છે. તેણે જણાવ્યું છે કે બેડીપરા ચોરા પાસે તેનું અને તેના કાકા દિનેશભાઇનું મકાન છે. આ મકાનો ડિમોલીશનમાં અડધા પડી ગયા હોઇ બાકીના મકાનનો ઉપયોગ પોતે ચાંદીકામ અને ઇમિટેશનનું કામ કરતાં હોઇ જેથી તેનો સામાન સાચવવા માટે કરે છે. ૧૯/૨ના બપોરથી ૨૧/૨ના સાંજ સુધી પોતે કે કાકા આ મકાને આવ્યા ન હોઇ એ ગાળામાં કોઇપણ સમયે તસ્કરોએ તાળા તોડી પોતાના મકાનમાંથી કોપરના ટૂકડા રૂ. ૭૨ હજારના, ચાંદીનું કાચુ મટીરીયલ્સ રૂ. ૩૮ હજારનું, કાસ્ટીંગનો માલસામાન રૂ. ૧,૦૫,૦૦૦ તથા દિનેશભાઇના મકાનમાંથી પાણી ખેંચવાની મોટર રૂ. ૩ હજારની મળી કુલ રૂ. ૨,૧૮,૦૦૦ની મત્તા ચોરી ગયા છે.

તસ્કરો ડેલી ઠેંકી અંદર ઘુસ્યા હતાં. ડેલી અંદરથી બંધ કરી દીધી હતી. આ ઉપરાંત ત્રીજા એક ગીરીશભાઇ નટુભાઇ ગોસ્વામીના મકાનમાંથી પણ પિત્તળના વાસણો ચોરાયા છે. બી-ડિવીઝનના પી.એસ.આઇ. એમ.એમ. ઝાલા, હિતુભા ઝાલા સહિતે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

ત્રણ શકમંદો સકંજામાં: ભેદ ખુલ્યો

. ચોરીના આ ગુનામાં બી-ડિવીઝન ડી. સ્ટાફની ટીમે ત્રણ શકમંદને સકંજામાં લઇ પુછતાછ શરૂ કરી છે. ભેદ ઝડપથી ખુલી જવાની આશા છે.

(4:01 pm IST)