Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સણોસરાના કારખાનામાં મોરબીના રોહિત પટેલે વ્યાજખોરોથી ત્રાસીને જીવ દીધો'તોઃ રાજકોટના બેચર પટેલની ધરપકડ

૧૨-૧૨ના રોજ ઝેર પીધું'તું: કપડામાંથી મળેલી ૭ પાનાની ચિઠ્ઠીને આધારે પોલીસની કાર્યવાહીઃ કુવાડવા પોલીસે બેચર પટેલ, મેહુલ છત્રોલા અને સુલેમાન સામે રોહિતને મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધ્યોઃ રોહિતને રાજકોટના બેચર પટેલને ૯૩ લાખ ચુકવવાના હતાં અને સામે મોરબીના મેહુલ પાસેથી ૭૫ લાખ લેવાના હતાં

રાજકોટ તા. ૨૨: બે મહિના પહેલા કુવાડવાના સણોસરામાં વાંકાનેર રોડ પર આવેલા કારખાનામાં મોરબીના પટેલ યુવાને ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં વ્યાજખોરોનો ત્રાસ કારણભુત હોવાનું ખુલતાં કુવાડવા પોલીસે ગુનો નોંધી એકની ધરપકડ કરી છે. આ યુવાનને મોરબીના શખ્સ પાસેથી ૭૫ લાખ લેવાના હતાં તે રકમ પાછી આપવાને બદલે ધમકાવતો હતો. તો રાજકોટનો પટેલ શખ્સ ૯૩ લાખની ઉઘરાણી અને એક મુસ્લિમ શખ્સ પણ વ્યાજની ઉઘરાણી કરી હેરાન કરતો હોઇ કારખાનેદાર યુવાન મરવા મજબૂર થયાનું ખુલ્યું છે.

બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે મુળ મોરબીના રાયગઢ કોયલીના અને હાલ મોરબીમાં પંચાસર રોડ પર રાજનગરન ગરબી ચોકમાં રહેતાં તથા મોરબી સામા કાંઠે કારખાનુ ધરાવતાં આશિષ ભરતભાઇ કગથરા (પટેલ) (ઉ.૨૬)ની ફરિયાદ પરથી રાજકોટના પુષ્કરધામ નાગબાઇ મંદિર પાસે મોરબી રોડ પર રહેતાં બેચર રણછોડભાઇ દુબડીયા (પટેલ) (ઉ.૩૨), મોરબીના સત્તાધાર પાર્ક-૧માં રહેતાં મેહુલ ધનજીભાઇ છત્રોલા તથા સુલેમાન નામના શખ્સ અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૩૦૬, ૧૧૪, મનીલેન્ડ એકટની કલમ હેઠળ ગુનો નોંધી બેચરને સકંજામાં લીધો છે.

આશિષ કગથરાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે અમે બે ભાઇ અને બે બહેન છીએ. જેમાં અગાઉ આપઘાત કરનાર રોહિત (ઉ.૨૮) મારાથી મોટા હતાં. તે સણોસરા ગામના પાટીયા પાસે વાંકાનેર રોડ પર સોમનાથ સ્પીનટેક્ષ નામે કારખાનુ ધરાવતા હતાં. તે અપરિણીત હોઇ મોટે ભાગે સણોસરા તેના કારખાને જ રહેતાં હતાં અને કયારેક ઘરે આવતાં હતાં. ૧૨/૧૨/૧૭ના રોજ રોહિતભાઇના કારખાનાના ભાગીદાર જીજ્ઞેશભાઇએ મને ફોન કરીને રોહિતભાઇએ ઝેર પી લીધાની વાત કરતાં હું રાજકોટ આવ્યો હતો. તેને સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એ સાંજે જ તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અંતિમવિધી બાદ અમે મારા ભાઇનો સરસામાન લેવા તેના કારખાને ગયા હતાં. ત્યારે ભાઇના કપડામાંથી એક સાત પાનાની ચિઠ્ઠી મળી હતી. જેમાં સ્યુસાઇડ નોટ લખેલી હતી. આ ચિઠ્ઠી પરથી મને જાણવા મળેલ કે મારા ભાઇ પાસે બેચર દુબડીયા (પટેલ) રૂ. ૯૩ લાખ માંગે છે, આ રકમ બેચરે ખુબ ઉંચા વ્યાજે તેને આપી હતી. બીજી તરફ મોરબીના મેહુલ છત્રોલા પાસેથી મારા ભાઇ રોહિતભાઇને રૂ. ૭૫ લાખ લેવાના થતાં હતાં. પણ મેહુલ આ રકમ તેને આપતો નહોતો. આ કારણે મારો ભાઇ સતત ટેન્શનમાં રહેતો હતો. એક સુલેમાન નામનો શખ્સ પણ અમારી ઘરે આવી કહેતો હતો કે તારા ભાઇનો કોન્ટેકટ કરાવ, મારે પૈસા લેવાના છે. આમ મારા ભાઇના ૭૫ લાખ ફસાઇ ગયા હતાં તે મેહુલ નહિ આપી માતે જતાં ત્રાસ આપતો હોઇ અને બીજા બે વ્યાજખોરો ઉઘરાણી માટે ધમકાવતાં હોઇ જેથી મારો ભાઇ મરી જવા મજબૂર થયાનું જાણવા મળ્યું હતું.  આ સ્યુસાઇડ નોટ મેં પોલીસને આપતાં કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો છે.

પરમ દિવસે જ લોક દરબાર યોજાયા બાદ વ્યાજખોરો વિરૂધ્ધ આ બીજો ગુનો સામે આવ્યો છે. કુવાડવાના પી.આઇ. એ.આર. મોડીયાની રાહબરીમાં પી.એસ.આઇ. વી. પી. આહિર, હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવીએ તપાસ શરૂ કરી બેચર પટેલની ધરપકડ કરી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

બારવણના ભૂપત પાસે ૧ લાખના વ્યાજ સામે ૬ લાખ માંગી ગેરેજનું સાટાખત કરાવી લીધું

ગઇકાલે પણ વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો. જેમાં કુવાડવાના બારવણ ગામે રહેતાં ભૂપત વેલજીભાઇ મકવાણા (ઉ.૨૪)ની ફરિયાદ પરથી ચોટીલાના નાની મોલડી ગામના બાવકુ સાર્દુલભાઇ ગીડા સામે મનીલેન્ડ એકટ હેઠળ કુવાડવાના પી.આઇ. એ.આર. મોડીયાની રાહબરીમાં પી.એસ.આઇ. એમ. કે. ઝાલાએ ગુનો નોંધ્યો હતો. ભુપતે ૨૦૦૮માં બાવકુ પાસેથી રૂ. ૧ લાખ ૧૦ ટકે લીધા હતાં. ૨૦૧૬માં આ રકમ વ્યાજ સહિત પરત આપી દીધી હતી. બાવકુએ રકમ આપી ત્યારે ભૂપતના ગેરેજનું સાટાખત કરાવ્યું હતું. વ્યાજ અને મુડી વસુલી લીધા પછી પણ આ સાટાખત રાખી લઇ વધુ ૬ લાખની માંગણી કરી ધમકી આપી હતી. તેમજ કુવાડવા રોડ પરના ભૂપતના ગેરેજે આવી મારકુટ કરી હતી. (૧૪.૬)

(11:36 am IST)