Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

'મારી દિકરીઓ મોટી થઇ રહી છે, ઘર નાનુ છે, હવે તું તારા ઘરે જા'...બનેવી મહેશની વાત સાળો ભાવેશ ન માનતાં પતાવી દીધો

મોરબી રોડ જય જવાન જય કિસાન ૨૫ વારીયામાં રિક્ષાચાલક ૨૨ વર્ષનો યુવાન વર્ષોથી કોૈટુંબીક બનેવી સાથે રહેતો હતો, હવે તેને તેની ઘરે રહેવા જવાનું કહેવાતાં એક મહિનાથી ચાલતી માથાકુટ લોહીયાળ બની :શાક સુધારવાની છરીના ઘા ઝીંકયા બાદ બનેવી પોતે જ બીજા લોકોને મદદ માટે બોલાવી લાવ્યો અને રિક્ષામાં સારવાર માટે પણ પોતે જ લઇ ગયોઃ પરંતુ સાળાએ દમ તોડી દીધોઃ ક્રાઇમ બ્રાંચે પકડીને બી-ડિવીઝન પોલીસને સોંપ્યો :સાળાને સારવાર માટે લઇ જતી વખતે મહેશે ભુલ થઇ ગયાનું રટણ કર્યુ, ધરપકડ બાદ પણ પોલીસ સામે પછતાવાના આંસુ વહાવ્યા :એક રૂમ રસોડાવાળા મકાનમાં મહેશ, તેની પત્નિ, પાંચ સંતાન અને સાથે ભાવેશ પણ રહેતો હતો :હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને એભલભાઇ બરાલીયાની બાતમી પરથી આરોપી પકડાયો

તસ્વીરમાં ભાવેશનો ફાઇલ ફોટો, તેનો મૃતદેહ,વિલાપ કરતાં સ્વજનો, ઘટના સ્થળે પોલીસ અને સોૈથી નીચે આરોપી મહેશ નજરે પડે છે.

રાજકોટ તા. ૨૨: શહેરના મોરબી રોડ જકાતનાકા પાસે આવેલી જય જવાન જય કિસાન સોસાયટી  પાસેના ૨૫ વારીયામાં વર્ષોથી કોૈટુંબીક બનેવી મહેશ મનસુખભાઇ સદાદીયા સાથે રહેતાં ભાવેશ કારૂભાઇ ચનીયારા (કોળી) (ઉ.વ.૨૨)ને તેના બનેવી મહેશે 'હવે મારી દિકરીઓ મોટી થઇ રહી છે, એક રૂમ રસોડાનું ઘર પણ નાનું પડી રહ્યું છે, આથી હવે તું તારી ઘરે રહેવા જતો રહેજે' તેમ કહેતાં ભાવેશ ધરાર સાથે જ રહેવા ઇચ્છતો હોઇ આ મામલે સાળા-બનેવી વચ્ચે એકાદ મહિનાથી ચાલતી ચડભડ ગઇકાલે સાળા ભાવેશની હત્યા સુધી પહોંચી જતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનેવી મહેશે સાળા ભાવેશને  'તને ના પાડી તો'ય શું કામ આવે છે' કહી ઝઘડો કર્યા બાદ શાક સુધારવાની છરીના ઘા ઝીંકી દીધા હતાં.

હત્યાની આ ઘટનામાં બી-ડિવીઝન પોલીસે હત્યાનો ભોગ બનનાર ભાવેશના મોટા ભાઇ વિપુલ કારૂભાઇ ચનીયારા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી તેના કોૈટુંબીક બનેવી મહેશ મનસુખભાઇ સદાદીયા સામે આઇપીસી ૩૦૨, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે. હત્યા બાદ ભાગેલા આરોપી મહેશને ક્રાઇમ બ્રાંચના એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં ટીમે પકડી લઇ બી-ડિવીઝન પોલીસને સોંપ્યો હતો.

વિપુલે પોલીસને જણાવ્યું હતું કે અમે ત્રણ ભાઇ અને ત્રણ બહેનો છીએ. ભાવેશ નાનપણથી કુટુંબી બનેવી મહેશ સાથે ૨૫ વારીયામાં રહેતો હતો. તેના લગ્ન થયા નહોતાં. તે રિક્ષા હંકારતો હતો. હું ઇમિટેશનના કારખાને નોકરી કરતો હોઇ ત્યાં બપોર બાદ હતો ત્યારે મારી પત્નિ હેતલ અને બહેન હકુએ કારખાને આવી વાત કરી હતી કે ભાવેશ અને બનેવી મહેશ વચ્ચે માથાકુટ થતાં ભાવેશને ઇજા થઇ છે અને હોસ્પિટલે લઇ ગયા છે. આથી હું કુવાડવા રોડ પર પહોંચ્યો હતો. જ્યાંથી ભાવેશના મિત્ર સાહિલ મીર મળતાં તેણે ભાવેશને સિવિલ સિવિલ હોસ્પિટલે લઇ જવાયાનું કહેતાં અમે ત્યાં પહોંચ્યા હતાં. પણ ડોકટરે ભાવેશને મૃત જાહેર કર્યો હતો.

ભાવેશના મિત્ર સાહિલ અને રિક્ષાવાળા નરેશભાઇ ગજીયાએ મને કહ્યું હતું કે બપોરે અમે ઘર પાસે હતાં ત્યારે મહેશ સદાદીયા જ અમને બોલાવવા આવેલો અને કહેલું કે મારે અને ભાવેશને અમારા ઘરે ઝઘડો થતાં  ભાવેશને મેં છરી મારી દીધી છે, તેને દવાખાને લઇ જવો છે. આથી અમે ત્યાં ગયા હતાં અને રિક્ષામાં ભાવેશને નાંખીને પહેલા મધુરમ હોસ્પિટલ, ત્યાંથી સંત કબીર રોડની શ્રેયશ હોસ્પિટલ અને ત્યાંથી સિવિલે લાવ્યા હતાં. રસ્તામાં મહેશ કહેતો હતો કે મારાથી ખોટુ થઇ ગયું છે, મેં ભાવેશને છરી મારી દીધી છે.

હોસ્પિટલે પહોંચ્યા પછી મહેશ જતો રહ્યો હતો. ભાવેશને ડોકટરે તપાસતા તે મૃત જણાયો હતો. તેને છાતીના ભાગે જમણી બાજુ, ડાબા ગાલ અને ડાબા બાવડામાં ઇજાઓ થઇ હતી. હત્યાનું કારણ એવું છે કે મારો ભાઇ ભાવેશ કુટુંબી બનેવી મહેશના ઘરે રહેતો હતો. પણ હવે બનેવી તેને સાથે રહેવાની ના પાડતાં હોઇ છતાં તે ત્યાં જતો હોઇ વારંવાર બોલાચાલી થઇ હતી અને આ વખતે ફરીથી ભાવેશ ત્યાં જતાં માથાકુટ થતાં બનેવીએ છરીના ઘા ઝીંકી દીધા હતાં અને ભાવેશનું મોત નિપજ્યું હતું.

પીઆઇ એમ. બી. ઓૈસુરા, પીએસઆઇ ડામોર, રાઇટર રશ્મીનભાઇ પટેલ, મહેશભાઇ રૂદાલતા, એએઅસાઇ વિરમભાઇ ધગલ, મનોજભાઇ, સલિમભાઇ, હેમેન્દ્રભાઇ સહિતની ટીમે ગુનો દાખલ કર્યો હતો. આરોપીનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડની તજવીજ થશે.

આરોપી મહેશે પોલીસ સ્ટેશનમાં પણ મારાથી ભુલ થઇ ગઇ, ખોટુ થઇ ગયું...કહી પછતાવાના આંસુ વહાવ્યા હતાં. તેણે કહ્યું હતું કે મારે સંતાનમાં ૪ દિકરી અને ૧ દિકરો છે. હું, પત્નિ અને પાંચ સંતાનો સાથે રહુ છું. ભાવેશ પણ ઘણા સમયથી સાથે રહેતો હતો. પણ હવે દિકરીઓ મોટી થઇ રહી હોઇ અને ઘરમાં એક જ રૂમ રસોડુ હોઇ ભાવેશને મેં તેની ઘરે રહેવા જવાનું એકાદ મહિનાથી કહ્યું હતું. પણ તે  ધરાર મારી સાથે રહેવા માંગતો હોઇઅને બુધવારે બપોરે હું કારખાનેથી ઘરે જમવા આવ્યો હોઇ ત્યારે તે મારા ઘરમાં જ હોઇ તેની સાથે  માથાકુટ થતાં અને ગાળાગાળી થતાં મને ગુસ્સો ચડ્યો હતો અને શાક સુધારવાની છરીના ઘા મારી દીધા હતાં.

ક્રાઇમ બ્રાંચે આરોપીને દબોચ્યો

એસીપી ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીએ હત્યાનો આરોપી મૃતકને હોસ્પિટલે મુકીને ભાગી ગયો હોવાની માહિતીને આધારે ટીમોને કામે લગાડી હતી. એ દરમિયાન પીએસઆઇ એમ. વી. રબારીની ટીમના હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા અને એભલભાઇ બરાલીયાને મળેલી બાતમી પરથી મહેશને ચુનારાવાડ ચોક કનકનગર પાસે પ્રજાપતિની વાડી નજીકથી પકડી લેવાયો હતો. એઅસઆઇ જયુભા ઝાલા, હેડકોન્સ. દિગ્વીજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જગદીશભાઇ મેવાડા, પુષ્પરાજસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમ પણ કામગીરીમાં સામેલ હતાં.

(3:58 pm IST)