Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

યુએલસી યોજનાઃ દક્ષિણ મામલતદાર કચેરીના વલણ સામે શ્રીનાથજી સોસાયટીના રહેવાસીઓનો ઉગ્ર વિરોધ

૫૦-૫૦ ધક્કા ખવડાવાય છેઃ સનદો આપતા નથીઃ ઉપવાસની ચિમકીઃ કલેકટરને વિસ્તૃત ફરિયાદો

રાજકોટ તા. ૨૨ : શહેરમાં યુએલસી યોજના ચાલી રહી છે, હજુ ૩૧ માર્ચ સુધી ચાલશે, પરંતુ આ બધા વચ્ચે આજે મવડી પ્લોટમાં આવેલ શ્રીનાથજી સોસાયટીના રહેવાસીઓએ કલેકટર તંત્રને દક્ષિણ મામલતદાર કચેરીના તંત્ર-અધિકારીઓ સામે યુએલસી યોજના સંદર્ભે ઉગ્ર વિરોધ વ્યકત કરી વિસ્તૃત રજૂઆતો કરી છે, અને જો ટુંક સમયમાં એટલે કે ૫ દિવસમાં તમામ પ્રશ્નોનો નિકાલ નહી થાય તો દક્ષિણ મામલતદાર કચેરી સામે ઉપવાસ આંદોલનની કલેકટરને થયેલ રજૂઆતમાં ચેતવણી અપાઇ છે.

આ શ્રીનાથજી સોસાયટીના લોકોનું કહેવું છે કે, મામલતદાર તંત્ર દ્વારા ૫૦-૫૦ ધક્કા ખવડાવાય છે, પણ સનદ અપાતી નથી, ૬ મહિનાથી ધક્કા ખવડાવે છે અને હજુ ૨ મહિનાની વાર લાગશે તેમ જવાબો અપાય છે.

આ રહેવાસીઓએ ઉમેર્યું હતું કે, ફરી માપણી માટેની ૨૦૦થી ૨૫૦ અરજીઓ આપી છે, તેની પણ કોઇ પ્રોસેસ થઇ નથી, ફરી માપણીની ફાઇલો માપણી અધિકારીને આપી દેવાઇ છે, આવી જશે તેવા જવાબો જવાબદાર અધિકારીઓ દ્વારા અપાય છે, મામલતદાર કચેરીમાં જવાબદાર અધિકારી હાજર હોતા નથી, નાયબ મામલતદારો જવાબો આપી દે છે, કલેકટર સમક્ષ ચોંકાવનારી વિગતો અપાઇ હતી.

(4:18 pm IST)