Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

કુવાડવા રોડની પરિણિતાના આપઘાત કેસમાં સાસરીયાનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.રર : રાજકોટના લક્ષ્મણ પાર્ક કુવાડવા રોડ પર રહેતી પટેલ પરિણિતા પ્રીતી સગપરીયાએ તા.૧૦-૩-ર૦૧૬ના સાસરીયાના દુઃખ ત્રાસથી કંટાળી જઇ ઝેરી દવા પી આપઘાત કરી લીધેલ. જે બનાવની કોઠારીયા રોડ પર ન્યુ સુભાષ શેરી નં.૬માં રહેતા ગુજરનારના પિતા કેશુભાઇ સભાયા દ્વારા પ્રીતીના સાસરીયા પક્ષ વિરૂધ્ધ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં અને દહેજ અપમૃત્યુ ફરીયાદના કામે કેસ ચાલી જતા સેશન્સ અદાલતે તમામને નિર્દોષ ઠરાવી છોડી દીધેલ હતા.

એ ફરિયાદની હકીકત એવી છે કે, બનાવના ત્રણેક વર્ષ અગાઉ ફરીયાદી કેશુભાઇની પુત્રી પ્રીતીબેનના લગ્ન જગદીશભાઇ ગોવિંદભાઇ સગપરીયા સાથે થયેલ. લગ્ન બાદ પ્રીતીબેનને તેમના પતિ તેમજ સાસરીયા દ્વારા દુઃખ ત્રાસ આપી તુ ગમતી નથી, કાંઇ કરીયાવર લાવી નથી, તારા ઘરે જતી રહે, તેવો શારીરિક-માનસિક ત્રાસ આપી મારકુટ કરવામાં આવતી જેથી ઝેરી દવા પી આપઘાત કરી લીધેલ હોય રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં જગદીશ ગોવિંદભાઇ સગપરિયા (પતિ), દિનેશ ગોવિંદભાઇ સગપરીયા (જેઠ), મંજુલાબેન દિનેશભાઇ સગપરીયા (જેઠાણી), પાંચીબેન ગોવિંદભાઇ સગપરીયા (સાસુ), આનંદ દિનેશભાઇ સગપરીયા (ભત્રીજો) બધા રહે.લક્ષ્મણ પાર્ક, કુવાડવા રોડ, રાજકોટનાઓ વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ-૪૯૮ (ક), ૩૦૬, ૩૦૪ (બી), ૧૧૪ મુજબ ફરીયાદીની ફરિયાદ નોંધવામાં આવેલ હતી.

અદાલત દ્વારા તમામ પુરાવાઓ તેમજ બંને પક્ષો તરફે થયેલ રજુઆતો ધ્યાને લીધા બાદ એવા નિષ્કર્ષ પર આવેલ કે, મરણજનારનું મૃત્યુ આત્મહત્યા હતી પરંતુ આ આત્મહત્યા આરોપી પતિ કે સાસુ અને જેઠના અસહ્ય મેણાટોણાને કારણે કરેલ હોવાનું ફરીયાદ પક્ષ દ્વારા સચોટ પુરાવાથી પુરવાર થતુ નથી જેથી તમામ આરોપીઓ સાસરીયાઓને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ હતા.

આ કામમાં આરોપી સાસરીયાઓ તરફે ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રાજેશ ચાવડા, રીપન ગોકાણી, સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી, કિર્તી ચાવડા, કેવલ પટેલ રોકાયેલ હતા.

(4:01 pm IST)