Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રવિવારે રાજકોટમાં ગોલ્ફ ટુર્નામેન્ટ : આર્મી - નેવી - એરફોર્સના જવાનો રમશે

અમદાવાદ - રાજકોટ - જામનગરના લશ્કરી જવાનો ગોલ્ફ રમશે : રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડેનું માર્ગદર્શન : ઈનામ વિતરણમાં રાજકોટના પોલીસ કમિશ્નર - ગોલ્ફર અનુપમસિંહ ગેહલોતની ખાસ હાજરી : ઈશ્વરીયા પાર્કના નૈસર્ગિક વાતાવરણમાં માણવા જેવો લ્હાવો

રાજકોટ : સૌરાષ્ટ્ર - કચ્છનું હાર્દ, રાજકોટ શહેરમાં અનેકવિધ અવનવી પ્રવૃતિઓ થઈ રહી છે. ખેલ-કૂદની વિવિધ રમતો થકી સ્પોટ્ર્સને પ્રોત્સાહન મળે છે. આ વાતાવરણને વધુ રંગ આપતા, એક નવતર આયોજન સાકાર થશે, 'સિમ્પોલો જી.એમ.સી.જી. ગોલ્ફ ટુર્નામેન્ટ-૨૦૧૮'. આગામી રવિવારને ૨૮મીએ સવારે ૧૦ કલાકે, શહેરની ભાગોળે આવેલ ઈશ્વરીયા પાર્ક ખાતે નૈસર્ગિક, કુદરતી, આહ્લાદક વાતાવરણમાં અને કુદરતી તળાવ તેમજ હરીયાળીથી ભરપૂર પાર્કમાં યોજાયેલ 'ગોલ્ફ ટુર્નામેન્ટ' અનેક બાબતોની લીધે ખાસ બની રહે છે.

આપણે અત્યાર સુધી જોયુ છે કે ગોલ્ફની રમત, ખાસ કરીને શ્રીમંતો પરીવારોમાં કે વિદેશોમાં રમાતી જોવા મળે છે. પરંતુ ગ્રીન મેડોઝ ગોલ્ફ કલબના સહયોગથી દરેક વર્ગના યુવાનો અને બાળકોમાં પણ ગોલ્ફ રમાય છે. ખાસ કરીને બાળકોને નાનપણથી જ ગોલ્ફ રમતા શીખવાનો વ્યવસ્થિત કોર્ષ થાય છે. જેથી યુવાનવયે ગોલ્ફ સરળતાથી રમી શકાય.

આપણા માટે આનંદની વાત એ છે, ઈ.સ.૨૦૦૮માં રાજકોટ કલેકટર તંત્ર દ્વારા ઈશ્વરીયા પાર્ક શરૂ થયો, સાથોસાથ ગ્રીન મેડોઝ ગોલ્ફ કલબનો શુભારંભ રાજકોટમાં થયો. આ કલબ ગોલ્ફની એપેક્ષ બોડી, ઈન્ડિયન ગોલ્ફ યુનિયન સાથે સંલગ્ન છે. સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારમાં એકમાત્ર ગોલ્ફ કોર્ષ ચલાવતી કલબ છે.

આ ટુર્નામેન્ટ અનેક રીતે આગવી ઓળખ બની રહેશે. આપણે અત્યાર સુધી રમતમાં ક્રિકેટ, હોકી અને ફૂટબોલ વિશે જ વધુ જાણીએ છીએ કે ટીવીમાં જોઈએ છીએ પરંતુ ગોલ્ફને એકવાર નિહાળનાર રમવાની લાલચ રોકી શકતા નથી અને અવશ્ય રમવા પ્રેરાય છે. ખાસ, અમદાવાદ - રાજકોટ અને જામનગરનાં આર્મી - નેવી અને એરફોર્સના જવાનો ગોલ્ફ રમશે ત્યારે ઉપસ્થિત સહુને વધુ મજા આવશે. રાજકોટના જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે કે જેઓ ગોલ્ફના કુશળ ખેલાડી અને ટ્રેનર છે, તેમના માર્ગદર્શનથી ટુર્નામેન્ટ રોમાંચક બની રહેશે. આવી જ રીતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અને ગોલ્ફર અનુપમસિંહ ગેહલોત વિશેષ ઉપસ્થિત રહી ઈનામ વિતરણ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૮માં ગોલ્ફ કોર્ષનું ઉદ્દઘાટન ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલુ અને ગોલ્ફ કલબનો એક દાયકો સફળ અને યાદગાર બન રહ્યો છે. ગોલ્ફમાં રસ ધરાવતા રમતપ્રેમીઓ માટે ૨૮ જાન્યુઆરીને રવિવારનો આ લ્હાવો ચૂકવા જેવો નથી. તેમ સંસ્થાના પ્રમુખ મિહીર મણીઆર (મો.૯૪૨૮૨ ૦૦૦૦૦)એ જણાવ્યુ છે.(૩૭.૯)

(12:40 pm IST)