Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જુની ગધીવાડમાં રિફાઇનરીના રૂમમાં બાકોરૂ પાડી ૬ લાખના સોનાની ચોરી

દૂકાનદાર જીજ્ઞેશભાઇ લુંભાણીએ એક-દોઢ વર્ષનું સોનાનુ વારણ ભેગુ કરી પાણીના ટબમાં રાખ્યું હતું

રાજકોટ તા. ૨૨: સોની બજાર જુની ગધીવાડમાં આવેલી સોની વેપારીની સોનુ ગાળવાની રિફાઇનરીની અગાસી ઉપર આવેલા રૂમની દિવાલમાં બાકોરૂ પાડી તસ્કરો રૂ. ૬ લાખનું સોનાનું વારણ ટબમાં પલાળેલુ હતું તે કોઇ ચોરી જતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે દિવાનપરા-૧૫માં બંધ શેરીમાં રહેતાં જીજ્ઞેશભાઇ ઓધવજીભાઇ લુંભાણી (ઉ.૫૦) નામના સોની વેપારીએ એ-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. જીજ્ઞેશભાઇએ જણાવ્યું છે કે મારે જુની ગધીવાડમાં સ્વાગત રિફાઇનરી આવેલી છે જ્યાં સોનુ ગાળવાનું કામ કરુ છું. ૮/૧/૧૮ના રાત્રે અગિયારેક વાગ્યે મેં રિફાઇનરી બંધ કરી હતી. ૧૦મીએ સવારે સાડા દસેક વાગ્યે રિફાઇનરીએ આવ્યો ત્યારે દરવાજા પાસે ટેલિફોનના વાયરો તૂટેલા દેખાયા હતાં. આથી કોઇ ઉપર ચડ્યાની શંકા ઉપજી હતી. મેં અગાસી પર જઇને જોતાં રૂમની દિવાલમાં બાકોરૂ જોવા મળ્યું હતું.

અમે રિફાઇનરીમાં કાયમ સાફસફાઇ કરીને સોનાનું વારણ (ભુક્કો-કટકા) ભેગા કરી અગાસીના રૂમમાં પાણીના ટબમાં પલાળી રાખીએ છીએ. આ વારણની કોઇ ચોરી કરી ગયું છે. છેલ્લા એક-દોઢ વર્ષના આ વારણની કિંમત આશરે ૬લ ાખ જેટલી છે. પી.એસ.આઇ. એસ. વી. સાખરા ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ પી.એસ.આઇ. જી.એમ. રાઠવાએ હાથ ધરી છે. (૧૪.૮)

(12:39 pm IST)