Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

રાજકોટ આવતી-જતી તમામ એસટી બસો રાબેતા મુજબઃ કોઈ મુશ્કેલી નથીઃ જેઠવા

બસ ડેપો ઉપર સઘન પોલીસ બંદોબસ્તઃ જોખમ જેવુ લાગે તો ગાડી ન દોડાવવી...: ઉત્તર ગુજરાત તરફ દોડતી બસો પણ જાય છેઃ ત્યાં પહોંચ્યા બાદ જે તે ડિવીઝન નિર્ણય લેશે...

રાજકોટ, તા. ૨૨ :. પદ્માવતી ફિલ્મ રીલીઝ અંગેના આદેશો બાદ ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં અમુક લેવલે આગજનીના-તોડફોડના બનાવો બનતા અને એસટી બસોને નિશાન બનાવતા ઉત્તર ગુજરાતમાં તો ૮૦૦થી વધુ બસો પાછી ખેંચી લેવાય છે અને રૂટો રદ કરી નખાયા છે.

દરમિયાન રાજકોટ એસટી ડિવીઝનલ નિયામક શ્રી દિનેશ જેઠવાએ 'અકિલા'ને જણાવ્યુ હતુ કે, રાજકોટ આવતી અને અહીંથી ઉપડતી તમામ એસ.ટી. બસો સમય મુજબ અને નિર્ધારીત રૂટો ઉપર સવારથી દોડી રહી છે, હાઈવે ઉપર ચક્કાજામ - બસો રોકવાના કોઈ બનાવો નથી અને તેવા રીપોર્ટ પણ મળ્યા નથી.

તેમણે ઉમેર્યુ હતુ કે ઉત્તર ગુજરાત તરફ દોડતી બસો પણ રાજકોટથી જાય છે ત્યાં એટલે કે જે તે શહેર નજીક કે શહેરમાં પહોંચ્યા બાદ તે ડિવીઝન નિર્ણય લઈ રહ્યુ છે.

રાજકોટ એસ.ટી. ડિવીઝનના તમામ ડેપો ઉપર પોલીસ વ્યવસ્થા ગોઠવાઈ છે, હાઈવે ઉપર કે અમુક ગામોમાં જોખમ જેવુ લાગે ત્યાં બસો ન દોડાવવા ડ્રાઈવર-કંડકટરોને ખાસ સૂચના અપાઈ છે.

(11:48 am IST)