Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

પોલીસની બેદરકારીથી છનનન થઇ ગયેલા 'ગંધારા'ને ગોતવા પોલીસના ઠેર-ઠેર દરોડા

જાપ્તામાં રહેલા બંને પોલીસમેનની ધરપકડઃ બપોરે આસીફ ઉર્ફ ગંધારો ભાગતાં બંને પોલીસમેને સાંજ સુધી શોધવાનું નાટક કર્યુ ને બાદમાં પોલીસને જાણ કરી

રાજકોટ તા. ૨૨: અસંખ્ય ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડાવાઇ ચુકેલો જંગલેશ્વરનો નામચીન આશીફ ઉર્ફ ગંધારો સુલેમાનભાઇ સમા નામનો કાચા કામનો કેદી રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટર પાછળ પાણીના ટાંકા પાસેથી તેના મિત્ર ટીનીયાના બાઇક પાછળ બેસી શનિવારે બપોરે ભાગી ગયાના બનાવમાં પ્ર.નગર પોલીસે આશીફ ઉર્ફ ગંધારો, ટીનીયો અને ફરજમાં બેદરકારી દાખવાનાર બંને પોલીસમેન હિતેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમા તથા તાજમહમદ નનુભાઇ બુેકરા સામે આઇપીસી ૨૨૩, ૨૨૪, ૨૨૫ મુજબ ગુનો નોંધી બંને પોલીસમેનની ધરપકડ કરી લીધી છે. ગંધારાને ગોતવા પોલીસે ઠેર-ઠેર દરોડા પાડ્યા હતાં. પણ તે હાથ આવ્યો નથી. પ્ર.નગર પી.આઇ. બી.એમ. કાતરીયા, સંજયભાઇ દવે, વિરભદ્રસિંહ સહિતની ટીમ તપાસ કરે છે.

 

શનિવારે જેલમાંથી કુલ છ કેદીને સિવિલ હોસ્પિટલે અને મોચી બજાર કોર્ટ ખાતે મુદ્દતે લાવવામાં આવ્યા હતાં. કોર્ટનું કામ પત્યા બાદ સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતાં. આ વખતે આશીફ ઉર્ફ ગંધારાને કોન્સ. તાજમહમદ અન્ય કોન્સ. હિતેન્દ્રસિંહને સોંપી બીજા કેદીને જેલ ખાતે મુકી આવી બાદમાં પોતાને ઘરે મહેમાન હોઇ તેમ કહી ઘરે જતો રહેલ. એ વખતે આશીફને મળવા ટીનીયો આવ્યો હતો. જે અગાઉ જેલમાં હોઇ જેથી પોલીસમેન હિતેન્દ્રસિંહ તેને ઓળખતા હતાં. ગંધારો અને ટીનીયો વાતો કરતાં હતાં. બાદમાં ટીનીયો તેના એકટીવામાં ગંધારાને બેસાડી ભાગી ગયો હતો. એ પછી હિતેન્દ્રસિંહે કોન્સ. તાજમહમદને વાત કરતાં તે આવેલ અને બંનેએ મળી રાત સુધી ગંધારાને તેના ઘર સહિતના સ્થળોએ ગોત્યો હતો પણ મળ્યો નહોતો. બાદમાં પોલીસ ફરિયાદ કરી હતી. તસ્વીરમાં દેખાતો ગંધારો કોઇને જોવા મળે તો પ્ર.નગર પોલીસને ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર જાણ કરવી.

(10:18 am IST)