Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

તરઘડીના ભાવેશ બાવાજીને મિત્ર હનીફે ખોટુ બોલી રાજકોટ બોલાવી હત્યાનો પ્રયાસ કર્યો

ઉછીના આપેલા પૈસા લઇ જવા આજીડેમે બોલાવ્યા બાદ છરી-પથ્થરથી હુમલોઃ હનીફ અને શાહિદને શોધતી આજીડેમ પોલીસ

રાજકોટ તા.૨૨: પડધરીના તરઘડી ગામે રહેતાં અને પંચર સાંધવાની દૂકાન ધરાવતાં ભાવેશ જગદીશભાઇ નિમાવત (ઉ.૩૦) નામના બાવાજી યુવાનને તેના જ મિત્ર મોરબીના નવાગામના હનીફે ખોટુ બોલી રાજકોટ બોલાવ્યા બાદ પોતાના મિત્ર શાહિદ સાથે મળી ભાવેશ પર છરીથી હુમલો કરી સાતેક ઘા ઝીંકી દઇ તેમજ માથામાં પથ્થર ફટકારી હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.  ભાવેશે અગાઉ ઉછીના પૈસા આપ્યો હોઇ તે લઇ જવાનું કહી તેને રાજકોટ બોલાવ્યા બાદ આ ખૂની હુમલો થયો હતો.

બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. વી. સી. વાઘેલાએ રૈયા રોડ હનુમાન મઢી ચોકના હનુમાનજીના મંદિરવાળા મકાનમાં રહેતાં નૈમિષ કનૈયાલાલ અગ્રાવત (બાવાજી) (ઉ.૨૬)ની ફરિયાદ પરથી હનીફ તથા શાહિદ નામના બે શખ્સો સામે આઇપીસી ૩૦૭, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. નૈમિષના કહેવા મુજબ શનિવારે તે પોતાની દૂકાને હતો ત્યારે મોટા મામા વાછરડા ગામે રહેતાં ભરતભાઇ દેવમુરારીનો ફોન આવેલ કે તું જલ્દી આજીડેમે જા ત્યાં તારા માસીના દિકરા ભાવેશને કોઇએ છરી મારી છે. આથી પોતે અને મામાનો કિદરો ધવલ કુબાવત આજીડેમ તરફ જવા નીકળ્યા હતાં. ત્યાં ફરીથી મામાનો ફોન આવેલ કે હવે સિવિલ હોસ્પિટલ પહોંચો, ભાવેશને ૧૦૮માં ત્યાં લઇ ગયા છે.

આથી પોતે સિવિલ હોસ્પિટલ પહોંચયો હતો. ત્યારે ભાવેશએ વાત કરી હતી કે તેણે નવેક મહિના પહેલા હનીફના મિત્ર યાસીન ઇકબાલભાઇને હનીફના કહેવાથી ૫ હજાર ઉછીના આપ્યા હતાં. આ રકમ યાસીને પરત કરી ન હોઇ હનીફ પાસે ઉઘરાણી કરી હતી. દરમિયાન હનીફે શનિવારે ફોન કરી રાજકોટ આવી રકમ લઇ જવાનું કહેતાં પોતે રાજકોટ આજીડેમે આવતાં તેને હનીફ અને શાહિદે મેલડી માતાજીના મંદિરવાળા રસ્તે લઇ જઇ છરીના ઘા ઝીંકી દીધા હતાં અને બંને ભાગી ગયા હતાં. બાદમાં તેણે મામાને અને મિત્રને ફોન કર્યો હતો.

આજીડેમના પી.આઇ. પી.એન. વાઘેલા અને ટીમે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ગંભીર ઇજાગ્રસ્ત ભાવેશ બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા કુંવારો છે. (૧૪.૭)

(10:18 am IST)