Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વોન્ટેડ મહેશ ઉર્ફ મોટીયો ગઢવી મોરબીમાં રહેતો'તો અને બાઇક લઇ રાજકોટ પણ આંટાફેરા કરી જતો

કોર્પોરેટર હરિ ધવાની હત્યામાં સજા ભોગવતો શખ્સ પેરોલ પર છુટી ફરાર થઇ ગયો'તોઃ ગ્રીનલેન્ડ ચોકડીએથી પિસ્તોલ કાર્ટીસ સાથે ઝડપાયોઃ એસઓજીના હેડકોન્સ. આર. કે. જાડેજા, હેડકોન્સ. ચંદ્રસિંહ જાડેજા અને કોન્સ. બ્રિજરાજસિંહની બાતમી

રાજકોટઃ વર્ષ ૧૯૯૫માં બેસતા વર્ષના દિવસે જ કોઠારીયા રોડ દેવપરા શાક માર્કેટ પાસે થયેલી ભાજપ કોર્પોરેટર હરિભાઇ ધવાની હત્યામાં આજીવન કેદની સજા ભોગવતા મહેશ ઉર્ફ મોટીયો ગોવિંદભાઇ ગઢવી (ઉ.૪૨-મુળ રાજકોટ હાલ મોરબી વિદ્યુતનગર સામા કાંઠે)ને ગત સાંજે એસઓજીના હેડકોન્સ. આર. કે. જાડેજા, ચંદ્રસિંહ જાડેજા અને કોન્સ. બ્રિજરાજસિંહ ઝાલાની બાતમી પરથી ગ્રીનલેન્ડ ચોકડીએથી દેશી બનાવટની ગેરકાયદેસર પિસ્તોલ અને એક જીવતા કાર્ટીસ સાથે પી.એસ.આઇ. ઓ. પી. સિસોદીયા, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ રાણા, ચેતનસિંહ ગોહિલ, કોન્સ. જયંતિગીરી ગોસ્વામી, અનિલસિંહ ગોહિલ, મોહિતસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા સહિતે એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પેટ્રોલીંગ દરમિયાન પકડી લીધો હતો. કોર્પોરેટરનીહત્યામાં આજીવન કેદની સજા પડતાં અમદાવાદ જેલમાં હતો અને ત્યાંથી બરોડા જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. ચાર મહિના પહેલા તે પેરોલ પર છુટ્યા બાદ ભાગી ગયો હતો. ફરાર એવો આ શખ્સ રાજકોટ આવ્યાની બાતમી મળતાં દબોચી લેવાયો હતો. તેણે પિસ્તોલ પોતાના મૃતક ભાઇ જોરૂ પાસેથી મેળવી હોવાની અને ધવા પરિવાર સાથે માથાકુટ ચાલતી હોઇ જેથી સાથે રાખી હોવાનું રટણ કર્યુ હોઇ રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. મોટીયાએ ફરાર થઇને મોરબી આવી ભાડે મકાન રાખ્યું હતું અને છૂટક કામ કરી ગુજરાન ચલાવતો હતો. તે અવાર-નવાર બાઇક લઇને રાજકોટમાં પણ આંટાફેરા કરી જતો હતો. આ વખતે તૂફાન ગાડીમાં બેસીને આવ્યો હતો. તસ્વીરમાં એસઓજીની ટીમ, મહેશ ઉર્ફ મોટીયો અને હથીયાર જોઇ શકાય છે. (૧૪.૭)

(10:17 am IST)