Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

રાજકોટમાં મોસમના કુલ વરસાદની ફીફટીને ૧ ઈંચનું છેટું

રવિવારની રાતે વિજળીની ધડબડાટી સાથે મેઘો વરસ્યોઃ વધુ પોણા ઈંચ સાથે મોસમનો કુલ ૪૯ ઈંચ :હવા સ્થિર છે, દિવસનું તાપમાન ઉંચુ આવે છે જેથી બાષ્પ બને છે અને કનેકટીવીટી કલાઉડ ફોમ થાય છેઃ આજે પણ કોઈ- કોઈ જગ્યાએ વરસશેઃ હજુ બે થી ત્રણ દિવસ વરસાદના સંજોગોઃ એન.ડી.ઉકાણી

રાજકોટ,તા.૨૧: ગઈરાત્રે ૮:૩૦ વાગ્યાથી શહેર તથા આસપાસનાં વિસ્તારમાં એકાએક વાતાવરણ પલ્ટો થયો હતો અને વાદળોની ગડગડાટી વિજળીનાં કડાકા ભડાકા સાથે પવન ફુંકયો હતો એ સાથે જ વરસાદ તુટી પડયો હતો. પોણી કલાક સુધી વીજળીનાં ભયંકર કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસ્યા હતા.

જેના કારણે શહેરમાં પોણા ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને મોસમનો કુલ ૪૯ ઈંચ વરસાદ થઈ ગયો હતો.

દરમિયાન હવામાન વિભાગનાં પૂર્વ અધિકારી એન.ડી.ઉકાણીનાં જણાવ્યા મુજબ હવાનાં હળવા દબાણનો મોટો ઘેરાવો થતાં તેની અસરથી ભેજ વધારે એટલે રાત્રે વરસાદ પડયો હતો.

બંગાળની ખાડીનું હવાનું દબાણ અને વેસ્ટ બંગાળ તથા ઓરિસ્સા આજુબાજુ છે. ઘેરાવો પણ મોટો છે એટલે સૌરાષ્ટ્ર-ગુજરાત સુધી અસર રહેશે.

હાલમાં હવા સ્થીર છે, તપામાન ઉચું  આવે છે અને બાષ્પ બને છે. તેથી સ્થાનિક વરસાદ પડે છે. આજે પણ વરસાદના સંજોગો છે. ૨૩મી સુધી વરસાદ રહેશે. ત્યારબાદ ચોમાસુ નબળુ પડવાનાં એંધાણ છે.

દરમિયાન ગઈકાલે હવામાન વિભાગે શહેરમાં પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એ સાથે મોસમનો કુલ ૪૯ ઈંચ વરસાદ થયો છે. હવે ૧ ઈંચ વરસાદ પડે એટલ કે ફીફટી થવામાં હવે માત્ર ૧ ઈંચ છેટું છે.(૩૦.૬)

(1:12 pm IST)