Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અખબારી આલમનો આજીવન પ્રવૃતમય તારલો ખરી પડયો

પીઢ પત્રકાર મધુભાઈ બારભાયાનું દુઃખદ નિધન

ફૂલછાબ, સંદેશ, વ્યાપાર જેવા અખબારોમાં સેવાઓ આપી હતીઃ 'ઔષધ અને સોંદર્ય પ્રસાધન ધારો ૧૯૭૨'ના નામના કાયદાનું પુસ્તક, ટૂંકીવાર્તાઓ, નાટકો પણ લખેલા : અકિલા પરિવાર સાથે દાયકાઓ જુનો નાતોઃ બે મિનિટ મૌન રાખી સદ્દગતને શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટ : ફૂલછાબના પૂર્વ ઉપ તંત્રી અને સૌરાષ્ટ્રના જાણીતા પીઢ પત્રકાર શ્રી મધુભાઈ બારભાયાનું દુઃખદ અવસાન થયેલ છે. મધુભાઈએ ફૂલછાબમાં દાયકાઓ સુધી યશસ્વી સેવાઓ આપી હતી. તેઓ જાણીતા કટાર લેખક પણ હતા. સોના - ચાંદી અને હિરા ઉદ્યોગમાં અહેવાલોમાં તેમનું ખૂબ જ પ્રભુત્વ હતું. જોગાનુ જોગ 'વ્યાપાર' અખબારમાં આજે જ તેમનોમ છેલ્લો અહેવાલ પ્રસિધ્ધ થયો છે. મધુભાઈ છેલ્લા શ્વાસ સુધી કાર્યરત રહ્યા હતા.

આજે સવારે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં કોરોના પ્રોટોકોલ પાળવામાં આવેલ અને નજીકના સગા - સંબંધીઓ અને પત્રકાર મિત્રો જોડાયા હતા.

મધુભાઇ બારભાયા ગુજરાતના વરિષ્ઠ પત્રકારો માંહેના એક હતા. બોમ્બે યુનિવર્સીટીના વિજ્ઞાનના સ્નાતક મધુભાઇ બારભાયાએ ૧૯૬૮ માં બી.એસસી. કર્યા બાદ મુંબઈના જામ-એ-જમશેદથી પત્રકારત્વની શરૂ કરેલ કારકિર્દી જન્મભૂમિ જુથના ''વ્યાપાર'' ની રાજકોટની આવૃતિના ઇન્ચાર્જ તરીકે છેલ્લે સુધી કાર્યરત હતા. તેમણે ૧૯૬૮ થી ૨૦૨૧ સુધીમાંથી કુલ ૫૩ વર્ષ અખબારોમાં સેવા આપી હતી. જેમાં ફુલછાબની રાજકોટ આવૃતિના મદદનીશ તંત્રી તરીકે ૧૯૬૯ થી ૧૯૯૦, ફુલછાબની સુરત આવૃતિના કાર્યકારી તંત્રી તરીકે ૧૯૯૭ થી ૨૦૦૦ અને જન્મભૂમિ જુથના અખબારોના સુરતના બ્યુરો ચીફ તરીકે ૨૦૦૧ થી ૨૦૦૫ સુધી સેવા આપી અને ''વ્યાપાર''ના રાજકોટ આવૃતિના ઇન્ચાર્જ તરીકે ૨૦૦૭ થી છેલ્લે સુધી કાર્યરત હતા.

આ ઉપરાંત તેમણે સંદેશની રાજકોટ આવૃતિના નિવાસી તંત્રી અને જનરલ મેનેજર તરીકે, ગુજરાત સમાચાર રાજકોટ આવૃતિના નિવાસી તંત્રી તરીકે, બીઝનેસ સ્ટાન્ડર્ડના સુરતના બ્યુરો ચીફ તરીકે, યુએનઆઇના સુરતના ઓફિશીયલ રીપોર્ટર તરીકે, લંડનના ગરવી ગુજરાત ગ્રુપના ગુજરાતના હેડ તરીકે, લંડનના એશિયન સીરામીકસના રીપોર્ટર તરીકે, મુંબઈના દલાલ સ્ટ્રીટ જર્નલના મદદનીશ તંત્રી તરીકે પણ સેવાઓ આપી હતી.

ગુજરાતીની સાથોસાથ અંગ્રેજી પત્રકારત્વમાં પણ તેમનો સારો અનુભવ હતો. ''ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો, ૧૯૭૨'' નામનું કાયદાનું પુસ્તક, ઉપરાંત ટુંકી વાર્તાઓ, દ્વિઅંકી નાટકો વગેરે પણ તેમણે લખ્યા છે.  તેમની કારકિર્દીમાં તેઓએ અનેક પત્રકારોનું ઘડતર કરેલ.

ગુજરાત પત્રકાર સંઘે પોતાની ૫૦ વર્ષની ઉજવણી નિમિત્તે તેમનું પરમ પુજય રમેશભાઇ ઓઝાના હસ્તે સન્માન કર્યુ હતું. જ્યારે અમદાવાદ-ગાંધીનગરના સીનીયર પત્રકારોની સંસ્થા ફ્રેન્ડઝ ઓફ જર્નાલીસ્ટ્સ દ્વારા પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, તંત્રી શ્રી અજીતભાઈ ગણાત્રા, શ્રી રાજુભાઈ ગણાત્રા અને અકિલાની વેબ આવૃતિના એડીટર શ્રી નિમીષભાઈ ગણાત્રા તેમજ અકિલા પરિવારે બે મિનિટ મૌન પાળી સદ્દગતને શ્રદ્ધાંજલી અર્પી હતી.

  • મધુભાઈ બારભાયાની વિદાયઃ પત્રકારત્વના એક યુગનો અંત આવ્યો છેઃ જગદીશ આચાર્ય

મધુભાઈ બારભાયાની વિદાય સાથે સૌરાષ્ટ્રના પત્રકાર જગતનો એક ઝળહળતો સિતારો અસ્ત થયો છે. એમ કહો કે પત્રકારત્વના એક યુગનો અંત આવ્યો છે.

સૌરાષ્ટ્રના જાણીતા કટારલેખક, પત્રકાર અને સોશ્યલ મિડીયા ઉપર ખૂબ જ નામના ધરાવતા- શ્રી જગદીશભાઈ આચાર્યએ જણાવ્યું છે કે મધુભાઈ પત્રકારત્વની હાલતી ચાલતી જ્ઞાનપીઠ સમાન હતા.ફુલછાબમાં અનેક મહાન અને વિદ્વાન તંત્રીઓ હેઠળ તેમનું ઘડતર થયું હતું.ભાષા ઉપર તેમની અદભુત પકડ હતી. ટૂંકા,સરળ અને વાચકોને શિરાની જેમ ગળે ઉતરી જાય એવી ભાષામાં તેઓ સમાચારોનું સર્જન કરતા. તેઓએ પત્રકારત્વના દરેક ક્ષેત્રમાં બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો હતો. શિક્ષણથી માંડી અર્થવ્યવસ્થા સુધી તેમનો ઊંડો અભ્યાસ હતો.

બહુ ઓછા લોકોને યાદ હશે કે અગત્યની ઘટનાઓ હોય ત્યારે મધુભાઈ લાઈવ રિર્પોટિંગ પણ કરતા હતા.૧૯૮૩ના વિનાશક પુરમાં વંથલી-શાપર તબાહ થઈ ગયા હતા ત્યારે પહેલે જ દિવસે તેઓ જૂનાગઢ હાઇવે પર ગોઠણડૂબ પાણીનું પુર પાર કરી જીવના જોખમે ત્યાં પહોંચ્યા હતા. મધુભાઈ લોકોની નાડ પારખતા હતા.સૌરાષ્ટ્રના રાજકારણ, સમાજ જીવન અને વ્યાપાર ઉદ્યોગ અંગે તેમનો અનુભવ પ્રેરિત ઊંડો અભ્યાસ હતો. તેઓ લે -આઉટના માસ્ટર હતા.

 મધુભાઈની બીજી એક ખૂબી હતી.તેઓ કોઈ ઘટનાના કે જાહેર કાર્યક્રમ કે પછી રાષ્ટ્રીય નેતાઓની સભાન રિર્પોટિંગમાં જાય ત્યારે એ સ્થળે પોતાના પેડમાં કાંઈ નોંધ ન કરતા.પણ જ્યારે અહેવાલ લખે ત્યારે એક પણ મુદ્દો ચૂકાતો નહીં.

ફુલછાબમાં સંઘાણી સાહેબના તંત્રી લેખોની અભૂતપૂર્વ લોકપ્રિયતા હતી. પણ તેઓ બહારગામ હોય કે બીમાર હોય ત્યારે મધુભાઈ એ જવાબદારી સાંભળતા અને વાચકોને એવો અંદેશો પણ ન આવતો કે એ લેખ બીજા કોઈએ લખ્યો છે.

મધુભાઈ મહેફિલના માણસ હતા.તેમને ગુસ્સે થતા ભાગ્યે જ કોઈએ જોયા હશે.દરેકને મદદરૂપ થવાની એમની પ્રકૃતિ હતી.નાની ઉંમરના સાથી કર્મચારીઓને તેઓ ''બચ્ચા''ઁ કહીને જ સંબોધતા.અત્યંત મિતભાષી હતા. કામના બોજા અને ટેનશન વચ્ચે પણ તેમની આસપાસ હળવું ફૂલ વાતાવરણ રહેતું. તેમણે અનેક અખબારોમાં સર્વોચ્ચ હોદા ભોગવ્યા. પત્રકારત્વ તેમનું પેશન હતું. છેલ્લે સુધી કલમ સાથે તેમનો મજબૂત અને જીવંત નાતો રહ્યો. મધુભાઈ આજીવન પત્રકાર હતા. તેમની વિદાયથી પત્રકાર જગત રાંક બન્યું છે તેવો કહેવામાં કાંઈ અતિશયોકિત નથી. તેમ શ્રી જગદીશભાઈ આચાર્યએ અકિલાને જણાવ્યું છે.

  • સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સ્વ. સોની મણીલાલ મોહનલાલ બારભાયા (બાબુભાઇ ઝવેરી)ના પુત્ર, રાજકોટના વરિષ્ઠ પત્રકાર શ્રી મધુભાઇ બારભાયા (ઉ. વ. ૭૯), તે સોની નાનુભાઇ ઠાકરશીભાઇ આદેશરા, ચુડાવાળાના જમાઇ, સ્વ.મનહરલાલ, નવીનચંદ્ર, સ્વ.અશ્વિનભાઇ, હસમુખભાઇ, મહેશભાઇ, સ્વ.હીરાબહેન, સ્વ.વસંતબહેન, પન્નાબહેનના ભાઇ, વિમલભાઇ, નિરેનભાઇ, નિલિમાબહેન હિતેશકુમાર, સોનીબહેન અનલકુમારના પિતાશ્રી, રૂપલબહેન, હેતલબહેનના સસરા, વેદાંત, જેનિસાના દાદા તા. ૨૦ ના શુક્રવારે અવસાન પામેલ છે. તેમનું  ટેલિફોનીક બેસણું તા.૨૩ સોમવારના રોજ સવારે ૧૦ થી ૧૨ વાગ્યે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ છે. વિમલભાઈ મો.૮૧૪૧૦ ૦૪૫૫૫, નિરેનભાઈ મો.૯૮૨૫૦ ૩૭૧૩૩,  મહેશભાઈ મો.૯૮૨૫૩ ૭૩૦૩૨.

(2:58 pm IST)