Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પશુપાલકો - સાગર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનો લાભ : રૂપાલા

સરળ લોનની યોજનામાં મોટા વર્ગને આવરી લેવાયો : સરધારમાં કેન્દ્રીય મંત્રીની પત્રકાર પરિષદ

સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રીય મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાએ પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં રાજ્ય સરકાર અને ભાજપના પદાધિકારીઓ સર્વશ્રી આર.સી.ફળદુ, કુંવરજીભાઇ બાવળિયા, ભરત બોઘરા, ધનસુખ ભંડેરી, રાજુ ધ્રુવ, યજ્ઞેશ દવે, મનસુખ ખાચરિયા, મનીષ ચાંગેલા, મનસુખ રામાણી, નાગદાન ચાવડા, બાબુ નસિત, ચેતન પાણ, નિલેષ વિરાણી વગેરે ઉપસ્થિત છે. (તસ્વીર : સંદિપ બગથરિયા)

રાજકોટ તા. ૨૧ : ભારતના ડેરી ઉદ્યોગ મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ ખેડૂતોની જેમ સાગર ખેડૂતો અને પશુપાલકો માટે કિસાન ક્રેડીટ કાર્ડ યોજના લાગુ કરવાની જાહેરાત કરી છે. તેમણે સરધાર ખાતે જન આશિર્વાદ યોજના અંતર્ગત યોજાયેલ પત્રકાર પરિષદમાં જણાવેલ કે કિસાનોને કોઇ મિલ્કત ગિરવે મુકયા વગર લોનનો લાભ મળે છે તેવો જ લાભ કિસાન ક્રેડીટ કાર્ડ યોજના અંતર્ગત પશુપાલકો અને સમુદ્રી ખેડૂતોને મળશે.

શ્રી રૂપાલાએ જણાવેલ કે, નરેન્દ્રભાઇ મોદી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. અને વિશ્વ નેતા તરીકે ઉભરી રહ્યા છે. અને ભારતની પ્રતિષ્ઠાએ વિશ્વમાં પ્રસ્થાપિત કરી રહ્યા છે તે આપણા સૌ માટે ગૌરવ અને આનંદનો વિષય છે. આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇની સરકારે ૩૭૦ની કલમ રદ કરી. કાશ્મીરની અંદરની પરિસ્થિતિનો સામનો કરવા જે પ્રયાસો થયા, ભારતની સુરક્ષાને લઇ જે નિર્ણયો થયા, આપણી સૈન્યનું મનોબળ વધારવા જે નિર્ણયો થયા આવા અંસખ્ય નિર્ણયો રાજકીય ઇચ્છાશકિતને કારણે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કર્યા.

MSP અંગેનો નિર્ણય પણ સરકારે કર્યો અને MSP રાજય સરકાર સાથે મળી છેવાડાના ખેડૂત સુધી પહોંચે તેવા પ્રયાસો થયા છે. ખેડૂતોને મજબૂત કરવા અને તેમની જિંદગીમાં સુધારા આવે તે માટે કેટલીય યોજનાઓ સરકારે જાહેર કરી છે. જેમાં સુજલામ સુફલામ અંગે થતા ફાયદા જણાવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૨૦ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું અને વડાપ્રધાનને મજબૂત કરવા ઘણા કામો કર્યા છે. ખેડૂતોને કેસીસી મળે છે. ખેડૂતો પહેલા ૧૮ ટકા વ્યાજે પાક ધિરાણ લેતા હતા. અને આજે ગુજરાતના ખેડૂતને ૦ ટકે પાક ધિરાણ મળે છે તેના માટે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇનો આભાર માન્યો, સાથે પશુપાલકોને પણ ખેડૂતોની જેમ કેસીસી મળે છે. જે ગુજરાત સહિત દેશના પશુપાલકો માટે એતિંહાસીક નિર્ણય છે. ખેતી પછી પશુપાલક ક્ષેત્રે વધુ રોજગારી મળી રહે છે સાથે મત્સ્ય પાલકોને પણ કેસીસીનો લાભ મળે છે સમુદ્ર ખેડૂતોને પણ હવે કેસીસી લાભ મળે તેવો નિર્ણય આપણા વડાપ્રધાન શ્રી મોદીએ કર્યો છે. અને આની અસર ગ્રામ્ય જીવન ઉપર થવાની છે. અને આ યોજનાને છેવાડાના માનવી સુધી લઇ જવાની છે તેનો આગ્રહ કર્યો.

કોરોનાના કપરા કાળમાથી આપણે પસાર થયા, કોરોના કાળમાં રાજય સરકારની કામગીરીના વખાણ કરી અભિનંદન પાઠવ્યા. કોરોનાના કપરા કાળમાં લોકોને સુરક્ષીત રાખવા જે રીતે રાજય સરકાર અને કેન્દ્ર સરકારે સારી કામગીરી કરી છે. કોરોનાની શરૂઆતમાં તો આપણી પાસે ટેસ્ટ માટે પણ લેબોરેટરી ન હતી શરૂઆતમાં માત્ર એક લેબોરેટરી હતી. એની બદલે આજે ૨ હજાર કરતા વધુ લેબ બનાવી શકયા, પીપીઈ કીટ પણ આજે જોઇએ એટલી બનાવી શકાય છે અને અન્ય દેશને પણ સપ્લાય કરી શકીએ છીએ . આપણી એરલાઇન્સે એર ઇન્ડિયાના સંચાલકોએ ૧૦૦ કરતા વધુ દેશોમાં જીવન રક્ષક દવાઓ પહોચાડવાનું પરાક્રમ કર્યું છે.

ગુજરાતમાં ૪ કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. સમગ્ર દેશની અંદર ૫૫ કરોડના આંકડાને આંબી ગયા છે. વિરોધીઓની ટીકા કરવામાં મને રસ નથી અને લોકોને અપીલ કરી કે જેમણે પણ હજી રસી ન લીધી હોય તે કોરોના સામેની રસી વહેલાસર લઇ લે. અને મારૃં સૌભાગ્ય છે કે વડાપ્રધાન શ્રી મોદીના મંત્રીમંડળમાં કામ કરવાનો અવસર મળ્યો છે. અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ  સર્વે સમાજને સાથે રાખી આપણને સૌને સાથી રાખી ગુજરાતનો અવાજ મજબૂત કરવાની તક આપી છે.

આ જન આશીવાંદ યાત્રાને પ્રજાજનો એ ખુબ આવકારી અને સફળ પ્રતિસાદ આપ્યો. ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકારના સમન્વયથી કોરોનાની કપરી પરિસ્થિતિમાં જે રીતે પ્રજાના સેવાકીય કાર્યો કરવામાં આવ્યા તે બદલ પ્રજાજનો એ આશીવાદ આપ્યા અને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીને સાથ આપવાનું વચન પણ આપ્યું. તેમ શ્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું.

(11:52 am IST)