Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રૂખડીયામાં બે પરિવાર વચ્ચે ધબધબાટી : પથ્થરમારો, તોડફોડ કરનાર ૧૭ સકંજામાં : પોલીસ બંદોબસ્ત

નવાઝ શેખના ઘર પાસે આંટાફેરા કરતા ઇરફાન શાહમદારને ટપારતા બપોરે માથાકુટ થયા બાદ ફરી ડખ્ખો થયો : એટ્રોસીટી, રાયોટ અને હત્યાના પ્રયાસની સામસામી ફરિયાદ : પવિત્ર મહોરમ નિમિત્તે તંગદિલીનો માહોલ સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા : રિસામણે આવેલી બહેનની સામે ઇરફાન શાહમદાર અવાર-નવાર જોતો હોઇ તે બાબતે બે પરિવાર વચ્ચે માથાકુટ થઇ : બંને પક્ષના ૯ વ્યકિતને ઇજા

રૂખડીયાપરામાં બોલેલી બઘડાટીમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા હતા. તસ્વીરમાં ઘર તથા બાઇકમાં તોડફોડ અને ઇજાગ્રસ્ત નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧ : રૂખડીયાપરામાં ઘર પાસે આંટાફેરા કરી દીકરી સામે જોતો હોઇ, તે શખ્સને ટપારતા યુવાન ઉપર ચાર શખ્સોએ માર મારી છરી બતાવી ધમકી આપતા ડખ્ખો થયાના ચાર કલાક બાદ ફરી ટોળકીએ હુમલો કરી, પથ્થરમારો કરી વાહન અને ઘરમાં તોડફોડ કરતા ૯ વ્યકિતને ઇજા થતા હત્યાનો પ્રયાસ, રાયોટ તથા એટ્રોસીટી સહિતની કલમ હેઠળ સામ સામી ફરિયાદ નોંધાતા પ્ર.નગર પોલીસે ૨૬ શખ્સો સામે ગુનો દાખલ કરી ૧૭ શખ્સોને સકંજામાં લઇ લીધા હતા.

મળતી વિગત મુજબ શહેરના રૂખડીયાપરામાં રહેતા અને મજૂરી કામ કરતા નવાઝ રફીકભાઇ શેખ (ઉ.૨૨) એ પ્ર.નગર પોલીસ મથકમાં ઇરફાન ઉર્ફે ઇમ્તિયાઝ અલ્લારખાભાઇ શાહમદાર અફઝલ અલ્લારખાભાઇ શાહમદાર, ઇમ્તિયાઝ અને એક અજાણ્યા શખ્સ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા દાદી ફાતમાબેન સાથે બહાર બેઠો હતો અને મારી બહેન હીના ઘરમાં રસોઇ બનાવતી હતી ત્યારે આરોપીઓ આવ્યા હતા અને ઝઘડો કરી મને ઢીકાપાટુનો માર માર્યો હતો. દાદી અને બહેન બનાવવા માટે વચ્ચે પડતા તેને પણ મારમાર્યો હતો. દેકારો થતા આસપાસના લોકો એકઠા થતા મને છરી બતાવી ધમકી આપી ચારેય શખ્સો જતા રહ્યા હતા. ઇરફાન થોડા દિવસો પહેલા ઘર પાસે અવાર-નવાર આંટાફેરા કરી બહેન સામે જોતો હોઇ જેથી અમારા ઘર પાસેથી નીકળવું નહી તેવું કહેતા બોલાચાલી થઇ હતી. તે બાબતનો ખાર રાખી હુમલો કર્યાનું જણાવાયું છે.

જ્યારે રૂખડીયાપરા હાજીપીરની દરગાહ પાસે રહેતો અને ગેરેજમાં મજુરી કામ કરતો મુસ્તાક અલીભાઇ ચોરી (ઉ.વ.૨૨)એ ઇમ્તીયાઝ ઉર્ફે ઇનીયો અલ્લારખાભાઇ શેખ, મોહસીન ઉર્ફે મોસલો અલ્લારખાભાઇ શેખ, રજાક અલ્લારખાભાઇ શેખ, કરીમ ચીનાભાઇ શેખ, સબ્બીર ચીનાભાઇ શેખ, આફરીદીન શેખ, સદામ હુસેન શેખ, સદામની બહેન રૂકસાના ઉર્ફે ટીપુડી, સબીર ચીના શેખની પત્ની યાસ્મીન, નજમા હુશેન શેખ, સફીના સીદીક શેખ, જેબુન અલ્લારખાભાઇ શેખ, ખેરૂન સીદીક શેખ અને સબીર નુરમામદભાઇ શેખ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે મહોર્રમનો તહેવાર હોઇ, જેથી સાંજે અમારા ઘરની પાસે ન્યાઝે હુશેન સબીલ ખાતે હું તથા પત્ની મુમતાઝ તથા ફઇની દીકરી નજમા કરીમભાઇ, મારા ફઇ મેમુદાબેન બધા સબીલે દુધ કોલ્ડ્રીંકસ બનાવતા હતા. ત્યારે રૂખડીયામાં રહેતા આ તમામ આરોપીઓ હાથમાં ધોકા તથા લોખંડના પાઇપ લઇ આવી અમારી સાથે ઝઘડો કરવા લાગેલ જેમાં રજાક તથા ઇમ્તીયાઝ અને મોહસીનના હાથમાં ધોકા તથા લોખંડના પાઇપ હતા અને આ બધા અમને જેમ ફાવે તેમ ગાળો આપવા લાગતા અમે તેને ગાળો આપવાની ના પાડતા આ તમામ શખ્સો ઉશ્કેરાઇ જઇ ઝઘડો કરી ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. બાદ અમે જીવ બચાવવા માટે મારી ફઇના ઘર તરફ ભાગવા લાગેલ આ વખતે આ લોકોએ અમારા પર પથ્થર તથા ઇંટોના છૂટા ઘા કર્યા હતા. પથ્થરમારો કર્યો હતો બાદ અમે ઘરમાં જતા રહ્યા અને ઘર અંદરથી બંધ કરી દીધેલ થોડીવાર બાદ આ લોકો ત્યાંથી જતા રહેલ જેથી અમે ઘરનો દરવાજો ખોલી બહાર નીકળેલ અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. મને તથા ફઇની દીકરી નજમાબેન તથા મેમુદાબેનને ઇજા થયેલ હોઇ ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં રૂખડીયાપરામાં રહેતો ઇરફાન અલ્લારખા શાહમદાર કે જે મારો મિત્ર હોઇ અને ઇરફાન રૂખડીયાપરામાં રહેતા નવાઝ રફીકભાઇ શેખની બહેન સામે અવાર-નવાર જોતો હોઇ અને ઘર પાસે અવાર નવાર આંટાફેરા કરતો હોઇ, તેથી બંને વચ્ચે બોલાચાલી થઇ હતી. આ મામલે ઇરફાન તથા તેની સાથેના મિત્રો સાથે નવાઝ રફીકભાઇ શેખ સાથે બપોરે માથાકુટ થતા તે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો.

જ્યારે સામાપક્ષે રૂખડીયાપરા મસ્જીદે મુસ્તફાની સામેની શેરીમાં રહેતા શબ્બીર નુરમહંમદભાઇ શેખ (ઉ.૩૨) એ મુસ્તાક અલીભાઇ મોરી, રાજેશ ઉર્ફે ડોનીયો, આકાશ ચૌહાણ, અફઝલ અલ્લારખાભાઇ શાહમદાર, ઇમ્તીયાઝ શાહમદાર, એજાજ બાદશાહ, શીરાજ સૈયદ, સીરાજની બહેન નુરી, નજમા કરીમભાઇ મજગુલ, મહેમુદાબેન રમજાનભાઇ, મુમતાઝ મુસ્તાક મોરી, મુસ્તાક ઉર્ફે મુસ્તુ ફકીર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા મામા હનીફભાઇ શેખના ઘર પાસે શબીલ રાખેલ હોઇ ત્યાં ગયો હતો. આ વખતે શબીલ પાસે મારા કૌટુંબીક માસી જેબુનબેન શેખ, માસીયાઇભાઇ ઇમ્તીયાઝ શેખ, કરીમ શેખ, શબ્બીર શેખ, આફ્રીદીન શેખ, સદામ હુસેન શેખ, રજાક શેખ અને મોહસીન શેખ શબીલ પાસે ઉભા હતા ત્યારે આ તમામ શખ્સો હાથમાં લોખંડના પાઇપ તથા રાજેશ ઉર્ફે ડોનીયા પાસે તલવાર તથા અન્ય લોકો પાસે લાકડાના ધોકા હતા. આ તમામ શખ્સો અમારી પાસે આવી ગાળો આપવા લાગ્યા હતા. અમે તેને ગાળો આપવાની ના પાડા તલવાર, ધોકા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. જેમાં મને તથા જેબુનબેનને માથાના ભાગે તલવાર ફટકારી ઇજા કરી હતી.  આ મામલે પ્ર.નગર પોલીસે રાયોટ, હત્યાનો પ્રયાસ અને એટ્રોસીટીની કલમ હેઠળ ત્રણ અલગ અલગ ફરીયાદ દાખલ કરી પી.આઇ. એલ.એલ.ચાવડા તથા પીએસઆઇ પટેલ તથા બી.વી.બોરીસાગર સહિતના સ્ટાફે ૧૭ શખ્સોને સકંજામાં લઇ લીધા હતા અને રૂખડીયાપરામાં બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

  • રૂખડીયાપરાની બઘડાટીમાં ટોળાએ બંધ દુકાનમાં પણ આગ ચાંપી

રાજકોટ : રૂખડીયાપરામાં ગઇકાલે બે મુસ્લિમ પરિવાર વચ્ચે બઘડાટી બોલતા તંગદિલી સર્જાઇ હતી. જેમાં તોફાની ટોળાએ શાહીલ અલીમહંમદભાઇ શેખની કરિયાણાની બંધ દુકાનમાં પણ આગ ચાંપી દેતા કોઇએ જાણ કરતા ફાયરબ્રિગેડ સ્ટાફે ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી આગ બુજાવી હતી. આગમાં કરીયાણાનો સામાન બળી ગયો હતો.

(2:53 pm IST)