Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કન્યા કેળવણીના ભેખધારી ગોવિંદભાઇ ખુંટનું જાજરમાન સન્માન

પુસ્તકોથી જ્ઞાનતુલા કરાઇ : ૫૪ થી વધુ સંસ્થા દ્વારા અભિવાદન : જીવન અંજલી થાજો સ્મરણીકાનું વિમોચન

રાજકોટ : અમૃતબેન પોપટભાઇ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત નવનિર્મિત કન્યા છાત્રાલયમાં ડાઇનીંગ હોલ, પ્રાર્થના હોલ, લાઇબ્રેરી, ઓડીટોરીયમ સહીત ૬ માળનું ભવન ઉભુ કરવામાં જેમનો મોટો ફાળો રહ્યો છે તેવા કન્યા કેળવણીના ભેખધારી ગોવિંદભાઇ પટેલનું જાજરમાન સન્માન કરવાનો કાર્યક્રમ ટોપલેન્ડ ભવન ખાતે યોજવામાં આવ્યો હતો. આ નવનિર્મિત કન્યા છાત્રાલયનું લોકાર્પણ ભીખુભાઇ વિરાણી (બાલાજી વેફર્સ) તથા દામજીભાઇ પાનસુરીયા (અજય ફાઉન્ડ્રી)ના હસ્તે કરાયા બાદ સાંજે સન્માન સમારોહ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં અમૃતબેન પોપટભાઇ એજયુકેશન ટ્રસ્ટની સ્થાપનાથી લઇને અત્યાર સુધી કન્યા કેળવણી ક્ષેત્રે મોટુ યોગદાન આપનાર ગોવિંદભાઇ ખુંટનું અભિવાદન કરવામાં આવેલ. સંસ્થાના માનદ્દ મંત્રી એવા ગોવિંદભાઇના જીવન આધારીત 'જીવન અંજલી થાજો' સ્મરણીકાનું વિમોચન રમેશભાઇ પટેલ (પટેલ બ્રાસ) ના હસ્તે કરાયુ હતુ. બાદમાં પુસ્તકોથી ગોવિંદભાઇને ત્રાજવે તોળી જ્ઞાનતુલા જુનાગઢ ગીર સોમનાથ જિલ્લા લેઉવા પટેલ સમાજ હ.મધુભાઇ પટોળીયા અભિવાદન સમિતિ દ્વારા કરવામાં આવેલ. સન્માનપત્ર અર્પણ કરાતા તેનું વાંચન ભુપેન્દ્રભાઇ વેકરીયા દ્વારા કરાયુ હતુ. ગોવિંદભાઇ ખુંટ અને તેમના ધર્મપત્નિ દિવાળીબેન ખુંટનું અભિવાદન એ.પી. પટેલ ટ્રસ્ટ દ્વારા તેમજ ભગીની સંસ્થા પરિવાર આટકોટ, ખામટા, કાલાવડ, ચાંદલી અને ગોંડલ છાત્રાલયો તથા ખોડલધામ ટ્રસ્ટ, સરદાર પટેલ કલ્ચરલ ભવન, સોમનાથ લેઉવા પટેલ સમાજ, શહેરના વિવિધ સોશ્યલ ગ્રુપો અને ૫૪ જેટલી સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા પણ સન્માન કરાયુ હતુ. સંસ્થાના ટ્રસ્ટી ચંદુભાઇ વિરાણીએ સૌને આવકારી પ્રાસંગીક વકતવ્ય આપેલ. બાદમાં પૂર્વ કમિશ્નર બાબુભાઇ ઘોડાસરા, પૂર્વ સાંસદ વલ્લભભાઇ કથીરીયા, પટેલ બોર્ડીંગ પ્રમુખ શામજીભાઇ ખુંટ, ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા વગેરેએ ઉદ્દબોધન કરેલ. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલે ગોવિંદભાઇ દ્વારા થયેલ કામગીરીઓને બીરદાવી હતી. પૂ. પરમાત્માનંદ સરસ્વતીજીએ પણ આશિર્વચનો પાઠવેલ. ગોવિંદભાઇ ખુંટ દ્વારા સન્માનનો પ્રતિભાવ આપી સૌનો ઋણસ્વીકાર કર્યો હતો. આભાર વિધિ સંસ્થાના કોષાધ્યક્ષ બાબુભાઇ ખુંટ દ્વાર કરવામાં આવેલ. આ પ્રસંગે રમેશભાઇ પટલ, જેરામભાઇ વાંસજાળીયા, શંભુભાઇ પરસાણા, નારણભાઇ, પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથીરીયા, શિવલાલભાઇ વેકરીયા, નરેન્દ્રસિંહ જાડેજા, અજીતસિંહ જાડેજા તેમજ વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા કોલેજ, શાળા અને છાત્રાલય તથા તમામ ટ્રસ્ટીગણ અને કર્મચારીગણે જહેમત ઉઠાવી હતી.

(4:11 pm IST)