Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ગાય કે ભેંસમાં લમ્‍પી વાયરસના લક્ષણો જોવા મળે તો વિનામૂલ્‍યે સારવાર

જંતુઓ અને મચ્‍છરથી આ રોગ પશુઓમાં વધુ ફેલાયઃ અર્હમ ગ્રુપ અને એનિમલ હેલ્‍પલાઇન દ્વારા ગાય, ભેંસને રસી અપાઇ

રાજકોટઃ ગૌ ધન, ભેંસમાં લમ્‍પી સ્‍કીનનો રોગ શરૂ થયો છે. સારવાર કરવાથી આ રોગને કાબૂમાં લઇ શકાય છે. આ રોગથી કોઇ પણ વ્‍યકિતને ડરવાની જરૂર નથી કારણકે આ રોગ  માત્ર પશુઓમાં જ જોવા મળે છે. લમ્‍પી સ્‍કીન ડીસીઝ એ એક ગંભીર રોગ થઇ શકે (જો પુરતી સારવાર ન મળે તો) તે પ્રકારનો  વાયરલ રોગ છે. જે ગાય અને ભેંસમાં વધુ જોવા મળે છે. આ રોગનો ફેલાવો ખાસ કરીને પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે જે પશુને આ રોગ થયો છે તે બીજા પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ખાસ કરીને જંતુઓ અને મચ્‍છરથી વધુ ફેલાવો થાય છે.

આ રોગના મુખ્‍ય લક્ષ્ણો ચામડીમાં ગાંઠ થવી, ઉચ્‍ચ તાવ આવવો, નબળાઇ આવવી, પશુઓ ખાવા-પીવાનું છોડી દેવું, લાળ પડવી, ચામડી પર અલ્‍સર પડવા, આ રોગને નિયંત્રણમાં લાવવા માટે ઇન્‍ફેકશન થઇ ગયું તેવા પશુઓને અલગ કરવા અને તુંરત જ પશુ ડોકરટનો સંપર્ક કરીને સારવાર કરાવવી. રાજકોટમાં રસ્‍તે રઝડતા, નિરાધાર પશુઓમાં તેમજ ગૌ શાળા, પાંજરાપોળમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તુરંત જ અર્હમ યુવા સેવા  ગ્રુપ અને શ્રી કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ એનીમલ હૈલ્‍પલાઇન, રાજકોટ (મો. ૯૮૯૮૦ ૧૯૦૫૯/ મો. ૯૮૯૮૪ ૯૯૯૫૪) પર સંપર્ક કરવાથી રાજકોટમાં નિઃશુલ્‍ક તબીબી સારવાર મળશે. અથવા ગુજરાત સરકારની કરૂણા એમ્‍બ્‍યુલન્‍સ ના ટોલ ફ્રી નં ૧૯૬૨ પર સંપર્ક કરી શકાશે. અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરીને આ પ્રકારના રોગની આપની આસપાસ રસ્‍તે-રઝડતા પશુઓની સારવાર કરાવવી.

અત્‍યાર સુધીમાં એનિમલ હેલ્‍પલાઇન દ્વારા વિવિધ ગૌશાળાઓમાં ગાય અને ભેંસને ૨૯૦૦થી વધુ લમ્‍પી રોગની નિઃશુલ્‍ક રસી મુકાવવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અને કરૂણા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ, રાજકોટના આ ભગીરથ કાર્યમાં રાષ્‍ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં સતત આશીર્વાદ મળી રહ્યા છે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:28 pm IST)