Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

૧૫૦ રીંગ રોડ આંબેડકરનગર સર્કલ પાસે બીઆરટીએસ બસની ઠોકરે દિનેશ ઉર્ફ ઋત્‍વીકનું મોતઃ બસમાં તોડફોડ

આંબેડકરનગરનો ૨૩ વર્ષનો યુવાન મિત્ર સાથે ટુવ્‍હીલરમાં બેસી જમવાનું લઇને પરત આવતો હતો ત્‍યારે બનાવઃ યુવાન દિકરાનો ભોગ લેવાતાં વણકર પરિવારમાં શોકઃ રોષે ભરાયેલા ટોળાએ બસના કાચ ફોડી નાંખ્‍યા

રાજકોટ તા. ૨૧: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર આંબેડકરનગર સર્કલ પાસે રાત્રીના બીઆરટીએસ બસની ઠોકરે ટુવ્‍હીલર ચડી જતાં બે મિત્રો ફંગોળાઇ ગયા હતાં. જેમાં આંબેડકરનગરમાં રહેતાં વણકર યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવને પગલે રોષે ભરાયેલા લોકોએ બસના આગળના તથા સાઇડના કાચમાં તોડફોડ કરતાં પોલીસ દોડી ગઇ હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ આંબેડકરનગરમાં રહેતો અને કારખાનામાં મજૂરી કરતો દિનેશ ઉર્ફ ઋત્‍વીક નટુભાઇ દાફડા (ઉ.વ.૨૩) રાતે તેના મિત્ર વિશાલ કિશોરભાઇ વાઘેલા (ઉ.૨૩-રહે. આંબેડકરનગર-૯, એસટી વર્કશોપ પાછળ)ની સાથે તેના એક્‍સેસ નં. જીજે૦૩એલક્‍યુ-૦૦૮૬માં બેસીને સાડા નવેક વાગ્‍યે જમવાનું લેવા મવડી ચોકડી તરફ ગયો હતો. એક્‍સેસ દિનેશ ઉર્ફ ઋત્‍વીક ચલાવતો હતો. બંને મિત્રો જમવાનું લઇને પરત આવી રહ્યા હતાં ત્‍યારે આંબેડકરનગર સર્કલ પાસે પહોંચતા બીઆરટીએસની બસ જીજે૦૩બીવાય-૦૭૮૫ના ચાલકે એક્‍સેસને ટક્કર મારતાં વિશાલ અને દિનેશ બંને રોડ પર ફેંકાઇ ગયા હતાં.

જેમાં વિશાલને ડાબા હાથે ઇજા થઇ હતી. જ્‍યારે દિનેશને ગંભીર ઇજા પહોંચતા તે રોડ પર સુઇ ગયો હતો અને કંઇ બોલતો નહોતો. લોકો ભેગા થઇ ગયા હોઇ કોઇએ ૧૦૮ બોલાવતાં દિનેશ ઉર્ફ ઋત્‍વીકને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

માલવીયાનગર પોલીસને જાણ થતાં પીએસઆઇ બી. બી. રાણાએ હોસ્‍પિટલે પહોંચી મૃતકના મિત્ર વિશાલની ફરિયાદ પરથી બસ ચાલકવિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. મૃતક બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. યુવાન અને આશાસ્‍પદ દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

દિનેશનું સિવિલ હોસ્‍પિટલમાં મૃત્‍યુ થયાની જાણ થતાં કેટલાક લોકોનું ટોળુ અકસ્‍માત સ્‍થળે પહોંચ્‍યું હતું અને અકસ્‍માત સર્જનાર બસના કાચમાં તોડફોડ કરી હતી. પોલીસે પહોંચી ટોળા વિખેર્યા હતાં.

(3:20 pm IST)