Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

લ્‍યો હવે આ જ બાકી હતું!: સર લાખાજીરાજ ફ્રુટ માર્કેટમાંથી કેસર કેરી અને રાવણા જાંબુની ચોરી

વેપારી લાખાભાઇ સભાડની કેરીનો જથ્‍થો અને ભાગીદાર સુરેશભાઇ મકવાણાના રાવણા ભરેલા ટોપલા ચોરાયાઃ એ-ડિવીજન પોલીસે ગુનો નોંધી શકમંદોની પુછતાછ હાથ ધરી

રાજકોટ તા. ૨૧: દેનાબેંકથી પરાબજાર જવાના રસ્‍તે આવેલી સર લાખાજી રાજ ફ્રુટ માર્કેટમાં થડો ધરાવતાં બે ભાગીદારના થડામાંથી કોઇ કેસર કરી ભરેલા પ્‍લાસ્‍ટીકના કેરેટ, અને પુંઠાના બોક્‍સ તથા તેમજ રાવણા જાંબુ ભરેલા ટોપલા મળી રૂા. ૨૭૫૦૦નું ફ્રુટ કોઇ ચોરી જતાં એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધી શકમંદોને સકજામાં લઇ પુછતાછ આદરી છે.

આ બનાવમાં પોલીસે ભાવનગર રોડ થોરાળા પોલીસ સ્‍ટેશન સામે સબ સ્‍ટેશનવાળી શેરીમાં રહેતાં અને સર લાખાજીરાજ રોડ  માર્કેટમાં સુરેશભાઇ મુળજીભાઇ મકવાણા સાથે જય ખોડિયાર નામના થડે ફ્રુટ-કેરીનો વેપાર કરતાં લાખાભાઇ ભગુભાઇ સભાડ (ભરવાડ) (ઉ.૫૨)ની ફરિયાદ પરથી અજાણ્‍યા સામે ગુનો નોંધ્‍યો છે. શકમંદો હાથમાં આવી જતાં પુછતાછ થઇ રહી છે.

લાખાભાઇએ જણાવ્‍યું હતું કે તા. ૧૮/૬ના રાતે સાડા નવેક વાગ્‍યે હું અને સુરેશભાઇ થડો બંધ કરીને ઘરે ગયા હતાં. ૧૯મીએ સવારે સાડા છએ થડે આવ્‍યા ત્‍યારે ત્‍યાં રાખેલા કેસર કેરી ભરેલા પ્‍લાસ્‍ટીકના ૧૭ કેરેટ રૂા. ૧૪૫૦૦ના તથા કેસર કેરી ભરેલા પુંઠાના ૫૪ બોક્‍સ રૂા. ૧૦ હજારના તેમજ ભાગીદાર સુરેશભાઇ મકવાણાના રાવણા જાંબુ ભરેલા રૂા. ૩૦૦૦ના ૭ ટોપલા મળી કુલ રૂા. ૨૭૫૦૦નું ફ્રુટ ચોરાઇ ગયું હતું. બનાવ અંગે એ-ડિવીઝનમાં જાણ કરતાં હેડકોન્‍સ. એમ. પી. ચરમટાએ ગુનો નોંધ્‍યો હતો. પોલીસે શકમંદોને હાથવગા કરી ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે. 

(3:19 pm IST)