Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કોર્ટે વોરંટ કાઢતા જયપુરનો હિરાનો વેપારી કોર્ટ સમક્ષ સરન્ડર થઇ ગયો

રાજકોટ તા. ર૧: ચેક રિટર્ન કેસમાં ત્રણ વર્ષથી હાજર ન થતા જયપુરનાં હિરાના વેપારીનું વોરંટ મોકલતા આરોપી કોર્ટમાં સરન્ડર થઇ ગયેલ હતો.

આ કેસની વિગત એવી છે કે, રાજકોટના મવડી રોડ ઉપર આવેલ આકાશદિપ સોસાયટીમાં રહેતા શ્રી મગનભાઇ રવજીભાઇ વેકરીયા રાજકોટ ખાતે તૈયાર હીરાના માલનો વેપાર કરે છે અને તૈયાર હીરાના માલની લે-વેંચ કરતા હોવાથી જયપુરના હીરાના વેપારી પ્રદીપ રતનલાલ સોની રહેઃ મકાન નં. ૧ર, પંચાયત સમીતી સામે, જયપુર, રાજસ્થાનના વેપારીનો કોન્ટેક થયેલો. ત્યારબાદ મગનભાઇએ રૂબરૂ જયપુર જઇને આ કામના આરોપીને રૂા. ૪,૪૬,૦૦૦/- અંકે રૂપિયા ચાર લાખ છેતાલીસ હજાર પુરાનો તૈયાર હીરાનો માલ વેંચેલો જે રકમ ચુકવવા માટે તેઓએ તેમના ખાતાનો ચેક આપેલો જે ચેક મગનભાઇએ તેમના ખાતામાં જમાં કરાવતા સદરહું ચેક બિનચુકતે રિટર્ન થતા ફરીયાદીએ રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલી હતી.

આ કેસમાં જયપુરના હીરાના વેપારી પ્રદીપ રતનલાલ સોની હાજર ન થતા વોરંટ ઇસ્યુ થયેલું હતું આમ છતાં આરોપી કોર્ટમાં હાજર થતો ન હતો અને આરોપી ત્રણ વર્ષથી પોલીસ પકડથી દુર રહી નાસતો ફરતો હતો પરંતુ કોર્ટે જયપુર પોલીસ કમિશ્નરને વોરંટ મોકલતા આરોપી રાજકોટની કોર્ટમાં સરન્ડર થઇ હાજર થઇ ગયેલ હતો. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ શ્રી અતુલ સી. ફળદુ રોકાયેલા છે.

(3:01 pm IST)