Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

માનવતા માટે યોગ : રાજકોટમાં ‘યોગ'નો અમૃત મહોત્‍સવ

પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા-સાંસદો-ધારાસભ્‍યો-અધિકારીઓ-પદાધીકારીઓ સાથે નગરજનોએ યોગ કરી થીમને વધાવી : પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી સહીતના મહાનુભાવો ઉપસ્‍થિતઃ કલેકટર મ્‍યુ. કમિશ્નર દ્વારા માર્ગદર્શન

રાજકોટઃ આજે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ છે. વિશ્વ ૨૦૧૫ થી ર૧ જુનને વિશ્વ યોગ દિવસ મનાવી રહયું છે. રાજકોટ સહીત ગુજરાતમાં આજે એકી સાથે સવા કરોડ લોકોએ સવારે ૬ વાગ્‍યાથી યોગના હળવા ફુલ યોગાસન કર્યા હતા.
રાજકોટમાં બે મોટા કાર્યક્રમ કોર્પોરેશન  દ્વારા રેસકોર્ષ મેદાન ખાતે તો કલેકટર દ્વારા રાજકુમાર કોલેજ ખાતે યોજાયા હતા. માનવતા માટે યોગ એ આ વખતની થીમ છે અને  એ થીમ આધારીત યોગમાં રાજકોટમાં યોગનો અમૃત મહોત્‍સવ આઝાદીકા અમૃત મહોત્‍સવ સાથે છલકાઇ ગયો હતો.
કાર્યક્રમનું ઉદઘાટન પુર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના  હસ્‍તે રાજકુમાર કોલેજ ખાતે થયું હતું. કાર્યક્રમમાં મહાનુભાવો પુર્વ રાજયપાલ શ્રી વજુભાઇ વાળા, સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, મેયર ડો.પ્રદીપ ડવ, કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુ,  મ્‍યુ. કમિશ્નર શ્રી અમિત અરોરા, ડો.વલ્લભભાઇ કથીરીયા, એડીશનલ  કલેકટર શ્રી કેતન ઠક્કર, પીજીવીસીએલના એમડી શ્રી પ્રિતી મેડમ કોર્પોરેટરશ્રી ભાવીન રાડીયા તથા સેંકડો મહાનુભાવો-અધિકારીઓ-પદાધિકારીઓ-નગરજનો રેસકોર્ષ અને રાજકુમાર કોલેજ ઉપસ્‍થિત રહયા હતા અને વિવિધ પ્રકારના યોગ કરી થીમને વધાવી લીધી હતી.તસ્‍વીરમાં પુર્વ મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી યોગ કાર્યક્રમનું દિપ પ્રગટાવી ઉદઘાટન કરતા તથા બાજુમાં મહાનુભાવો જણાય છે. બીજી તસ્‍વીરમાં ઉપસ્‍થિત અધિકારીઓ-પદાધિકારીઓ યોગ કરતા, નીચેની તસ્‍વીરમાં રાજકોટ-ગાંધીનગરના યોગ કોચ, માસ્‍ટર ટ્રેનર દ્વારા યોગ કરાવાયા તે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

 

(1:07 pm IST)