Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ફુલછાબના પૂર્વ તંત્રી હરસુખભાઈ સંઘાણીના ધર્મપત્‍ની શારદાબેનની આજે પ્રથમ પુણ્‍યતિથિ

રાજકોટઃ શારદાબેનનો જન્‍મ વર્ષ ૧૯૩૫માં વડિયા તાલુકાના નાનકડા ગામ અરજણસુખમાં માતા પુરીબેન અને પિતા વનમાળીભાઇના ખોરડે થયો. શિશુ અવસ્‍થામાંથી ઘરની જવાબદારી નિભાવતા, શારદાબેન ૫ ભાઇઓમાં વયમાં સૌથી મોટા. પરિવારની આર્થિક સ્‍થિતિ સાવ મધ્‍યમ હોવાથી શ્રમ, શક્‍તિ અને સૂઝ દ્વારા શારદાબેન વ્‍યવહારમાં કરકસર અને કોઠાસૂઝ થકી એમનું જીવન ઘડાયું.

ગોંડલમાં સ્‍વ. અમરશી ગોવિંદજી જસાણીના ધર્મપત્‍નિ અને સો સગાના સગાં અને શારદાબેનના માસી પ્રભાકુંવરબેન જસાણી પાસે રહી, જીવન ને સાર્થક કરતાં સદગુણો - સંપ, સંઘભાવના, કુટુંબ વત્‍સલતા અને સેવા ભાવનાના ગુણો ખીલવ્‍યા.

ત્‍યારબાદ ગોંડલનાં જ નિષ્‍ઠાવાન, પ્રમાણિક અને શિસ્‍ત સંયમના આગ્રહી મગનલાલ માસ્‍તર અર્થાત મગનલાલ વજેશંકર સંઘાણીના સુપુત્ર હરસુખભાઇ સંઘાણી સાથે સપ્તપદી રચી પ્રભુતામાં પગલાં પાડ્‍યા. અહિંથી તેમની સુવિચાર ધારાને વેગ મળ્‍યો. પરિવર્તનનો દોર શરૂ થયો. આદર્શોને આકાર મળ્‍યો. અને સેવામય જીવન જીવવાના સપનાં સાકાર થવા માંડ્‍યા.

શ્રી સંઘાણીની દિનચર્યામાં નિત્‍યકાર્યોમાં સાથ સહકાર આપી, એમને સ્‍વયંની પ્રતિભાને નિખારી. સમાજના શ્રેષ્‍ઠિઓ, લબ્‍ધ પ્રતિષ્‍ઠિત મહાનુભાવો અને અધિકારીઓ સાથે સંબંધો કેળવી અને એ સંબંધો હરસુખભાઇ દેહ અવસાન બાદ જાળવી રાખ્‍યા. સંઘાણી સાહેબનો ચાર ભાઇઓ અને ત્રણ બહેનો નો પરિવાર ઉપરાંત પિયર પક્ષનાં પાંચ ભાઇઓની સંપૂર્ણ જવાબદારી સહર્ષ સ્‍વીકારી પરિવારની પ્રગતિયાત્રામાં અગ્રેસર રહ્યા.પ્રભાબેન જસાણી જેવાની તાલીમ, મગનભાઇ જેવા નિષ્‍ઠાવાન, પ્રમાણિક શિક્ષક પરિવારના મોટા વહુ અને હરસુખભાઇ જેવા વ્‍યક્‍તિ વિશેષ પ્રતિષ્‍ઠાને વરેલા મૂર્ધન્‍ય પત્રકારનાં ધર્મપત્‍નિ જીવનસંગીની બની એમને જીવનને ખીલવી જાણ્‍યું. શિક્ષણની અલ્‍પ તક મળી હોવા છતાં સામાજીક ક્ષેત્ર માં આઇ.એ.એસ. તથા આઇ.પી.એસ. કેડરના અધિકારીને પણ દંગ કરી શકે તેવી વ્‍યવહારિક શક્‍તિ અને કોઠાસૂઝ ધરાવતું વ્‍યક્‍તિત્‍વ એટલે શારદાબેન.

સંઘાણીનું બહોળું મિત્ર વર્તુળ ફુલછાબ થકી વિકસતું રહ્યુ તેનું મુખ્‍ય કારણ સેવાકીય વૃતિ પ્રવૃતિ આ વિચારધારાને આવા ઉમદા આદર્શોને પોતાના જીવનમાં વણી લીધા. પોતાની ત્રણેય દીકરીઓને સાસરે વળાવી, પારિવારીક જવાબદારી પૂરી કર્યા બાદ, શારદાબેનએ આજીવન સેવાને સમર્પિત કર્યું.

શારદાબેન હરસુખભાઇ સંઘાણીની જીવનભર અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓઃ બી.ટી.સવાણી હોસ્‍પિટલ ખાતે આવતાં અસંખ્‍ય ડાયાલિસિસ બોન્‍ડ / કુપનનું આજીવન વિતરણ, હરસુખભાઇ સંઘાણી મેમોરીયલ ટ્રસ્‍ટ દ્વારા અપાતી લોકઉપયોગી સેવામાં આજીવન કાર્યરત રહ્યા, ગરીબ વિદ્યાર્થીઓને શાળાની ફી આપવા / અપાવવાની સ્‍વૈચ્‍છિક જવાબદારી આજીવન નિભાવી, કામદાર ટ્રસ્‍ટ તેમજ અન્‍ય ટ્રસ્‍ટ વતી સેવા સહાય કરવા અગ્રેસર રહ્યા

(3:36 pm IST)