Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

હાશ... હવે ગરમી ઘટશે : બફારો અકળાવશેઃ કયાંક છાંટા પડશે

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બે દિવસમાં આગળ વધશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા. ૨૦ થી ૨૭ સુધીની આગાહી : પવનનું જોર રહેશે, ૨૦ થી ૩૫ તો કયારેક ૪૫ કિ.મી.ની ઝડપે પણ ફૂંકાશે : કોઈ દિવસે વાદળો પણ જોવા મળે : કોઈ - કોઈ દિવસે છાંટાછુટીની પણ શકયતા

રાજકોટ, તા. ૨૦ : છેલ્લા કેટલાક સમયથી અસહ્ય તાપ સાથે લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં ગરમીમાં આંશિક રાહત જોવા મળશે. પરંતુ અસહ્ય બફારા ઉકળાટ રહેશે. તો સાથોસાથ દિવસ દરમિયાન પવનનું પણ ખૂબ જોર જોવા મળશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ છે કે ચોમાસુ આંદામાન નિકોબાર ટાપુ અને દક્ષિણ બંગાળની ખાડીના થોડા ભાગ ઉપર સ્થિર છે. છેલ્લા બે દિવસથી ચોમાસુ રેખા સ્થગિત છે. શ્રીલંકાથી દક્ષિણ બાજુ પહોંચ્યુ છે. જે દક્ષિણ બંગાળ અને મધ્ય બંગાળની ખાડીના અમુક ભાગોમાં અને દક્ષિણ અરબી સમુદ્રના અમુક ભાગોમાં આવતા બે દિવસમાં ચોમાસુ આગળ વધે તેવી શકયતા છે. એક લો પ્રેશર મ્યાનમાર નજીક હતું. જે મર્તયાનની ખાડી અને મ્યાનમારના કિનારે હતુ જે આપણાથી દૂર અને મ્યાનમાર તરફ જાય છે.

સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતની વાત કરીએ તો જનરલ ગરમીનું પ્રમાણ નોર્મલથી ઉંચુ જોવા મળે છે. જેમ કે ગઈકાલે અમદાવાદ ૪૩.૫ ડિગ્રી, અમરેલી ૪૨.૮ ડિગ્રી, રાજકોટ ૪૩.૯ ડિગ્રી નોંધાયેલ. આ તમામ સેન્ટરોમાં મહત્તમ તાપમાન નોર્મલથી ઉંચુ જોવા મળે છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ તા. ૨૦ થી ૨૭ મે સુધીની આગાહી કરતા જણાવે છે કે તાપમાનમાં ઘટાડો જોવા મળશે પરંતુ આવતીકાલથી સાંજના સમયે ક્રમશઃ ભેજનું પ્રમાણ પણ વધશે. જેથી તાપમાનમાં આંશિક રાહત હોવા છતા ઉકળાટ, બફારો જોવા મળશે. આગાહીના સમય દરમિયાન મહત્તમ તાપમાન ૪૦ થી ૪૨ ડિગ્રી વચ્ચે રહેશે. પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને કયારેક પશ્ચિમના ફૂંકાશે.

સૌરાષ્ટ્ર - કચ્છમાં પવનનું જોર વધુ જોવા મળશે. આગાહીના દિવસોમાં પવનની ઝડપ ૨૦ થી ૩૫ કિ.મી. અને કયારેક ૫ થી ૧૦ કિ.મી. વધુ તેમજ કયારેક ઝાટકાના પવન ૩૫ થી ૪૫ કિ.મી.ની ઝડપે પણ પહોંચી જશે. આગાહીના સમય દરમિયાન કયારેક વાદળાઓ પણ જોવા મળે. જનરલ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે. આગાહીના સમયમાં સામાન્ય છાંટાછુટીની પણ શકયતા છે. જે પ્રિમોન્સુન એકટીવીટી ગણાય.

(4:13 pm IST)