Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ઓપન સૌરાષ્ટ્ર કચ્છ ગોલ્ડ ટુર્નામેન્ટમાં વાલસુરાના નેવી કમાન્ડર એમ. કે. શર્મા પેમ્પીયન

ઇશ્વરીયા ગોલ્ફ પાર્કમાં સ્પર્ધકો ઉત્સાહભેર ઉમટયા : રાજકોટના પાયોનીયર ગોલ્ફર ડો. લાલ રાઠોડ અને પ્રથમ મહિલા ગોલ્ફર સ્વાતીબેન રીંડાણીનું સન્માન

રાજકોટ : શહેરની ભાગોળે ઇશ્વરીયા પાર્ક ખાતે તાજેતરમાં ચોથી ઓપન સૌરાષ્ટ્ર કચ્છ ગોલ્ડ ટુર્નામેન્ટનું આયોજન કરાતા  ૪ કલાકની રમતમાં ૧૮ હોલ, ૭૪ શોટ રમીને જામનગર આઇએનએસ વાલસુરાના નેવી કમાન્ડર એમ. કે. શર્મા ચેમ્પીયન બન્યા હતા. જયારે ૭૬ શોટમાં ટુર્નામેન્ટ રમનાર હરીશભાઇ ઢાંઢા રનર્સ અપ રહ્યા હતા. ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન ડો. વિક્રાંત પાંડેના હસ્તે અને ઇનામ વિતરણ અનુપમસિંહ ગેહલોત તથા પ્રાંત અધિકારી એ. ટી. પટેલના સ્હતે કરાયેલ. આર્મી-નેવી અને એરફોર્સના ૨૦ અધિકારીઓ, કલબના ૧૫ અને અમદાવાદથી પણ ગોલ્ફરોએ ઉત્સાહભેર આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. કલેકટર વિક્રાંત પાંડે અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે ગોલ્ફ રમી સ્પર્ધકોને પ્રોત્સાહીત કર્યા હતા. અહીં ઉલ્લેખનીય છે કે ૨૦૦૮ માં ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શુભારંભ કરાયેલ ગોલ્ફ કલબ ફકત એક જ દાયકામાં ખ્યાતનામ બની છે. ગ્રીન મેડોઝ ગોલ્ફ કલબ ગોલ્ફની એપેક્ષ બોડી, ઇન્ડીયન ગોલ્ફ યુનીયન સાથે સંલગ્ન છે. સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાં એકમાત્ર ગોલ્ફ કોર્ષ ચલાવતી કલબ છે. ખાસ કરીને બાળકોને નાનપણથી જ ગોલ્ફની તાલીમ મળે તેવા કોર્ષની અહીં વ્યવસ્થા ઉભી કરાવામાં આવી છે. અહીં સમગ્ર ટુર્નામેન્ટમાં સ્ટેટ ડ્રાઇવમાં કમલેશભાઇ તિવારી, રવિ જાગાણી, કલોઝેસ્ટ ટુ પીન મિ. ગોવિંદ, બેસ્ટ ડ્રેસ ગોલ્ફર શ્યામ રાયચુરા વિજેતા બન્યા હતા. આ તકે રાજકોટના પાયોનીયર ગોલ્ફર ડો. લાલ રાઠોડ, પ્રથમ મહિલા ગોલ્ફર સ્વાતીબેન રીંડાણીને સન્માનીત કરવામાં આવેલ. ગોલ્ફર કલબના પ્રમુખ મિહીર મણીઆર અને સેક્રેટરી શ્યામ રાયચુરાએ એક દાયકાની સફર દરમિયાન ગોલ્ફ કલબ દ્વારા ૫૩ થી વધુ ગોલ્ફર તૈયાર કરાયા હોવાનો આનંદ વ્યકત કર્યો હતો. ઉલ્લેનીય છે કે રાજકોટનો જય પંડયોઁ ૧૮ વર્ષની ઉંમરમાં ઇન્ટરનેશનલ લેવલ રમી રહ્યો છે. ગોલ્ફ પ્રત્યેનો લવાગ પિતાજી પાસેથી વારસામાં મેળવનાર જય  સખત પ્રેકટીશથી આજે ખ્યાતનામ ગોલ્ફરોમાં સ્થાન મેળવી ચુકયો હોવાનું ગોલ્ફ કલબની યાદીમાં જણાવાયુ છે.

(11:39 am IST)